નાના પક્ષો સાથે ગઠબંધન, અપક્ષ ઉમેદવારોને સમર્થન...: જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી માટે ભાજપની વ્યૂહનીતિ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
નાના પક્ષો સાથે ગઠબંધન, અપક્ષ ઉમેદવારોને સમર્થન...: જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી માટે ભાજપની વ્યૂહનીતિ 1 - image


Image: Facebook

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ના રદ થયા બાદ થનારી પહેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વ્યૂહાત્મક અભિગમથી મેદાનમાં ઉતરશે. પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડવાના બદલે પોતાનું ધ્યાન જમ્મુ વિસ્તાર પર કેન્દ્રિત કરશે. પાર્ટી ખીણમાં પોતે ઓછી બેઠકો પર લડશે અને મોટાભાગની બેઠકો પર નાના દળો સાથે ગઠબંધન અને અપક્ષને સમર્થન આપી શકે છે. 

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આ વખતની ચૂંટણી એટલા માટે પણ મહત્વની છે કે આ ન માત્ર રાજ્યમાં કલમ 370ના રદ થયા બાદ પહેલી વિધાનસભા ચૂંટણી છે, પરંતુ તાજેતરની લોકસભા ચૂંટણીમાં મતદાતાઓની ભાગીદારીને જોતાં રાજ્યમાં ચૂંટણીને લઈને ખૂબ ઉત્સાહ છે. લોકસભા ચૂંટણીના પરિણામ પણ ચોંકાવનારા રહ્યાં છે.

રાજ્યના બે ક્ષેત્રીય દળોના મોટા નેતા પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને હારનો સામનો કરવો પડ્યો. આ સિવાય બારામૂલાથી અપક્ષ અબ્દુલ રશીદ શેખ ઉર્ફે એન્જિનિયરની જીત પણ ચોંકાવનારી રહી. આ રાજકીય દળો માટે ચિંતાનો વિષય છે. એન્જિનિયરે જેલમાં રહીને ચૂંટણી લડી અને ઉમર અબ્દુલ્લાને હરાવ્યાં છે.

ભાજપે 2014ની ગત વિધાનસભા ચૂંટણીમાં પીડીપીની સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યારે 87 સભ્યની વિધાનસભામાં ભાજપને જમ્મુ વિસ્તારમાં 25 બેઠકો પર મોટી જીત મળી હતી જ્યારે પીડીપીએ ખીણમાં 28 બેઠકો પર જીત નોંધાવી હતી. આ ગઠબંધનને લઈને પણ ખૂબ આશ્ચર્ય થયું હતું અને તે થોડા સમય બાદ તૂટ્યું પણ. 2019 બાદ સ્થિતિ સંપૂર્ણરીતે બદલાઈ ગઈ. જમ્મુ-કાશ્મીરનું વિભાજન થયું અને લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યાં. જોકે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અકબંધ રાખવામાં આવી. સાથે જ આ વચ્ચે સીમાંકનનું કામ પણ કરવામાં આવ્યું. તેનાથી પણ ખૂબ રાજકીય પરિવર્તન જોવા મળી શકે છે.

ભાજપના સૂત્રો અનુસાર પાર્ટી જમ્મુ વિસ્તારમાં વધુ જોર લગાવશે અને ત્યાંની મોટાભાગની બેઠકોને જીતવાનો પ્રયત્ન કરશે. ખીણમાં તે એક ડઝન બેઠકો પર ચૂંટણી લડી શકે છે, જ્યારે બાકી પર સ્થાનિક નાના દળો સાથે તાલમેલ અને અમુક પર અપક્ષ ઉમેદવારોનું સમર્થન કરી શકે છે. ભાજપ ખીણમાં પોતાની કમજોર સ્થિતિને જોતાં ત્યાં રાષ્ટ્રની મુખ્યધારાના સમર્થક નેતાઓને આગળ લાવવા ઈચ્છે છે.

ભાજપ માટે પ્રતિષ્ઠાની ચૂંટણી

કલમ-370ના રદ થયાં બાદ ભાજપ માટે ત્યાંની ચૂંટણી ખૂબ પ્રતિષ્ઠાની છે. આતંકવાદમાં ઘટાડો અને બદલેલી સ્થિતિમાં ભાજપને ખૂબ આશા છે. ભાજપે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પ્રભારી પણ બનાવ્યાં છે. જોકે, સંગઠન પ્રભારી તરીકે મોટાભાગનું કામ મહાસચિવ તરુણ ચુગ જ જોઈ રહ્યાં છે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં લોકોએ ચૂંટણી પ્રત્યે ખૂબ ઉત્સાહ બતાવ્યો છે, તેનાથી પણ વિધાનસભા ચૂંટણી ખૂબ રોચક થવાની આશા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે જમ્મુ વિસ્તારમાં પોતાની તાકાત અકબંધ રાખતા જમ્મુ અને ઉધમપુરની બંને બેઠકો ફરીથી જીતી લીધી છે. ખીણની ત્રણ બેઠકોમાં બે નેશનલ કોન્ફરન્સને અને એક અપક્ષને મળી છે.


Google NewsGoogle News