બંગાળમાં બાંગ્લાદેશની ઘૂસણખોર મહિલા સરપંચ બની હોવાનો આરોપ
- કલકત્તા હાઇકોર્ટમાં ગયા વર્ષે અરજી થઇ હતી
- ટીએમસીની લવલી ખાતૂને જન્મનું જુઠુ સર્ટિફિકેટ બનાવી અન્ય દસ્તાવેજો તૈયાર કરાવ્યા, પિતા પણ જુઠો હોવાનો દાવો
કોલકાતા : પશ્ચિમ બંગાળના માલદાની મહિલા સરપંચ પર બાંગ્લાદેશી હોવાનો આરોપ લગાવતી અરજી કલકત્તા હાઇકોર્ટમાં થઇ હતી. રેહાના સુલ્તાના દ્વારા થયેલી અરજીમાં દાવો કરાયો હતો કે માલદાના રાશિદાબાદ ગ્રામ પંચાયતની સરપંચ મૂળ બાંગ્લાદેશી છે પરંતુ પોતે ભારતીય હોવાના જુઠા દસ્તાવેજોથી ચૂંટણી લડી હતી. હાલ જ્યારે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મામલો ચર્ચામાં છે ત્યારે ભાજપે આરોપ લગાવ્યો હતો કે ટીએમસી બાંગ્લાદેશી ઘૂસણખોરોને સરપંચ બનાવી રહી છે.
માલદા જિલ્લાના હરીશચંદ્રપુરના રશિદાબાદ ગ્રામપંચાયતની પ્રમુખ લવલી ખાતૂન બાંગ્લાદેશી હોવાના આરોપો સાથે રેહાના સુલ્તાના દ્વારા જે અરજી કરાઇ હતી તે મુદ્દે હાઇકોર્ટે જવાબ માગ્યો હતો. રેહાના સુલ્તાના અગાઉ લવલી ખાતૂન સામે સરપંચની ચૂંટણી લડી હતી પરંતુ હારી ગઇ હતી. ચૂંટણી જીત્યા બાદ લવલી ખાતૂન ટીએમસીમાં સામેલ થઇ ગઇ હતી. જે બાદ રેહાના સુલ્તાના દ્વારા હાઇકોર્ટમાં અરજી કરીને લવલી ખાતૂનની ચૂંટણી રદ કરી કાર્યવાહીની માગણી કરી હતી.
એવા આરોપો થઇ રહ્યા છે કે લવલી ખાતૂનનું અસલી નામ નાઝિયા શેખ છે, ટીએમસી સત્તામાં આવી તે બાદ લવલી ભારતમાં ઘૂસી આવી હતી, ૨૦૧૫માં તેનું નામ મતદાર યાદીમાં સામેલ કરાયું હતું. અને ૨૦૧૮માં તેણે બનાવટી જન્મનો દાખલાના માધ્યમથી પોતાની ભારતીય ઓળખ બનાવી લીધી હતી. જે બાદ તેણે એક સ્થાનિક રહેવાસી શેખ મુસ્તફાને પોતાના પિતા જાહેર કરીને પોતે ભારતીય નાગરિક હોવાનો દાવો કર્યો હતો. લવલીએ જે લોકોનો ઉપયોગ સાક્ષી તરીકે કર્યો તેમણે પણ હાઇકોર્ટમાં દાવો કર્યો છે કે તેમની ખોટી સહી કરાઇ છે. બાઘમારાના લોકોનો દાવો છે કે શેખ મુસ્તફાના તમામ સંતાનોને અમે ઓળખીએ છીએ પરંતુ લવલી ખાતૂનનો તેના પરિવાર સાથે કોઇ જ સંબંધ નથી. ભાજપના સ્થાનિક નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે ટીએમસીના નેતાઓ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શરણ આપવામાં આવી રહી છે.