તિરુપતિના પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીનું તેલ હોવાના આરોપોથી ખળભળાટ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ સરકારને જવાબદાર ગણી
ભગવાનને દિવસમાં ત્રણ વાર પ્રસાદ ચઢાવવામાં આવતો હતો
દરાબાદ,૧૯ સપ્ટેમ્બર,૨૦૨૪,ગુરુવાર
આંધ્રપ્રદેશમાં ભગવાન તિરુપતિના પ્રસાદને લઇને મુખ્યમંત્રી ચંદ્બબાબુ નાયડુએ આરોપ મુકયો છે કે વિતેલી સરકારે ભગવાન તિરુપતિના પ્રસાદના લાડુ તૈયાર કરવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ કર્યો હતો. ચંદ્રબાબુએ અમરાવતીમાં એનડીએ વિઘાયક દળની બેઠકમાં તિરુમાલા લાડુ પ્રસાદ ઉતરતી ગુણવત્તાવાળી સામગ્રીથી બનાવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે હવે શુધ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે એટલું જ નહી મંદિરમાં તમામ ચીજોની સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવે છે.
ટીડીપી નેતાના જણાવ્યા અનુસાર લેબના રિપોર્ટ મુજબ પ્રસાદ તૈયાર કરવા માટે વપરાયેલા ઘીમાં જાનવરોની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ થયો હતો. લેબના રિપોર્ટના આધારે ચંદ્રબાબુ નાયડુના આરોપોથી ખળભળાટ મચી ગયો છે. પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીનું તેલ હોવા અંગે ટીડીપી પ્રવકતા અનમ વેંકટ રમન રેડ્ડીએ પણ પ્રતિક્રિયા આપી હતી.
એનડીડીબીના પરીક્ષણમાં મોકલવામાં આવેલા નમૂનાના આધારે સાબીત થયું હોવાનું જાણવા મળે છે. આ અંગેનો એક રિપોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે. ભગવાનને દિવસમાં ત્રણ વાર ચઢાવવામાં આવતા પ્રસાદમાં આ ઘીનો ઉપયોગ થતો હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીના આરોપોને ગંભીરતાથી લઇને હિંદુ સંગઠનોએ આને હિંદુ ધર્મનું અપમાન ગણાવ્યું છે. ગત સરકારના ઘોર હિંદુ વિરોધી કથિત કૃત્યને વખોડી કાઢયું છે. સરકાર આ હદે જશે એવું કયારેય વિચાર્યુ પણ ન હતું.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જે મુદ્વો ઉઠાવ્યો છે તે ખૂબજ ગંભીર છે. જો કે જગન મોહન રેડ્ડીના નેતૃત્વ હેઠળની પૂર્વ સરકારે વર્તમાન સરકારના આરોપો ફગાવી દીધા છે. ચંદ્રબાબુ નાયડુની સરકાર રાજકિય લાભ માટે ખોટો પ્રચાર કરી રહી છે. આંઘ્રપ્રદેશ કોંગ્રેસે કમિટીની અધ્યક્ષ વાઇએસ શર્મિલાએ સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી છે. સીએમ નાયડુના બયાનને કરોડો હિંદુઓની ભાવનાને છેસ પહોંચાડનારુ ગણાવ્યું છે. આ અંગે ઉચ્ચ તપાસ સમિતિની રચના કરવી જોઇએ.