મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્લાહાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી
Mathura shri krishna janmabhoomi shahi eidgah case : મથુરાના કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં અલ્લાહાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની ઓર્ડર 7 રુલ 11ની વાંધા અરજી ફગાવી દીધી છે. આ ચુકાદો જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો હતો.
હિન્દુ પક્ષોની શું છે માગ?
ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પક્ષે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત અરજીઓની જાળવણીને હાઈકોર્ટમાં પડકારી હતી. આ અરજીઓ અલ્લાહાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સિવિલ સુટની જાળવણી અંગે હિન્દુ પક્ષની અરજીઓ સ્વીકારી હતી. હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં શાહી ઈદગાહ મસ્જિદની જમીનને હિન્દુઓની જમીન ગણાવાઈ છે અને ત્યાં પૂજા કરવાનો અધિકાર માગવામાં આવ્યો છે.
મુસ્લિમ પક્ષે શું માગ કરી હતી?
મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ, વકફ એક્ટ, લિમિટેશન એક્ટ અને સ્પેસિફિક પઝેશન રિલીફ એક્ટને ટાંકીને હિંદુ પક્ષની અરજીઓને બરતરફ કરવાની દલીલ કરી હતી. અગાઉ 6 જૂને સુનાવણી પૂરી થયા બાદ હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. હિન્દુ પક્ષ તરફથી 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષે ઓર્ડર 7, નિયમ 11 હેઠળ આ અરજીઓની જાળવણી પર પ્રશ્નો ઉભા કર્યા હતા અને તેમને બરતરફ કરવાની અપીલ કરી.