અલ્લાહાબાદ હાઈકોર્ટે જજ શેખર યાદવને મહત્ત્વના કેસોમાંથી હટાવાયા
- બહુમતીઓથી દેશ ચાલશેનું નિવેદન કરનારા ન્યાયાધીશ સામે કાર્યવાહી
- ન્યાયાધીશ શેખર યાદવની બેન્ચ બદલાઈ, હવે સિવિલ કેસો સંભાળશે, વિપક્ષે મહાભિયોગ ચલાવવા રાજ્યસભામાં નોટિસ આપી
- ન્યાયાધીશ શેખર યાદવ હિન્દીમાં ચુકાદા આપવા અને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાના નિર્ણયોથી પણ ચર્ચામાં આવ્યા હતા
નવી દિલ્હી: આ દેશ કઠમુલ્લાઓ મુજબ નહીં, બહુમતીઓની ઈચ્છાથી ચાલશે એવું નિવેદન કરીને વિવાદાસ્પદ બનેલા અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ શેખર યાદવ સામે અંતે પગલાં લેવાયા છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે ન્યાયાધીશ શેખર કુમાર યાદવને મહત્વપૂર્ણ કેસોમાંથી હટાવ્યા હતા અને રોસ્ટરમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. તેઓ હવે સિવિલ કેસો સંભાળશે. બીજીબાજુ ન્યાયાધીશ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા વિપક્ષે રાજ્યસભામાં નોટિસ આપી છે.
દેશનો કાયદો બહુમતીઓની ઈચ્છા મુજબ ચાલશે, કઠમુલ્લાઓના કહ્યા મુજબ નહીં જેવું વિવાદાસ્પદ નિવેદન કરીને પ્રકાશમાં આવેલા અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ શેખર કુમાર યાદવ વિરુદ્ધ પગલાં લેવાની માગ કરાઈ રહી હતી. જોકે, હવે અલ્લાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ન્યાયાધીશ શેખર કુમાર યાદવની બેન્ચ બદલી નાંખી છે. અલ્લાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરુણ ભણસાલીના આદેશથી ગુરુવારે મોડી સાંજે જાહેર કરાયેલ સપ્લીમેન્ટરી રોસ્ટર ૧૬ ડિસેમ્બરથી અમલી બનશે. શેખર યાદવ હવે વર્ષ ૨૦૧૦ સુધીના જૂના સિવિલ કેસોની પ્રથમ અપીલનું કામ સંભાળશે.
શેખર યાદવ અત્યાર સુધી ૧૫ ઑક્ટોબરથી અમલી બેન્ચ રોટેશનમાં આઈપીસીની કલમ ૩૭૬, ૩૭૬-એ, ૩૭૬-ઈ (અન્ય ગૂનાઓ સાથે અથવા તેના વિના (૩૦૨ અને ૩૦૪-બી આઈપીસી સિવાય) હેઠળ જામીન અરજી, બળાત્કાર, જાતીય સતામણી, મોટા ગુનાઈત કેસોમાં જામીનના કેસ સાંભળતા હતા. જોકે, એક અહેવાલ મુજબ રોસ્ટરમાં આ સુધારા સામાન્ય પ્રક્રિયા છે. મુખ્ય ન્યાયાધીશ અરુણ ભણશાલીની કાર્યવાહી વચ્ચે સુપ્રીમ કોર્ટે આ કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટ પાસેથી શેખર યાદવ અંગે રિપોર્ટ માગ્યો છે.
દરમિયાન વિપક્ષના સાંસદોએ અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ શેખર કુમાર યાદવે આપેલા વિવાદાસ્પદ નિવેદદ્બદલ તેમના વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા શુક્રવારે રાજ્યસભામાં નોટિસ આપી છે. મહાભિયોગ માટે વિપક્ષના ૫૫ સાંસદોએ રાજ્યસભામાં આપેલી નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં કોંગ્રેસના નેતા કપિલ સિબલ, વિવેક તન્ખા અને દિગ્વિજય સિંહ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના જોન બ્રિટાસ, રાજદના મનોજ કુમાર ઝા તથા તૃણમૂલ કોંગ્રેસકના સાકેત ગોખલેનો સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યું કે, વિપક્ષના સાંસદોએ શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયાની થોડીક મિનિટો પહેલાં રાજ્યસભાના મહાસચિવની મુલાકાત કરી હતી અને મહાભિયોગ નોટિસ સોંપી હતી. ન્યાયાધીશ શેખર યાદવ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરતા ન્યાયાધીશ (તપાસ) કાયદા, ૧૯૬૮ અને બંધારણની કલમ ૨૧૮ હેઠળ પ્રસ્તાવ માટે નોટિસ અપાઈ છે.
પ્રયાગરાજમાં ગયા રવિવારે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના કાર્યક્રમમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ શેખર યાદવ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, તમે પોતાના બાળકો સામે જાનવરોને કાપશો તો તેમનામાં દયાનો ભાવ કેવી રીતે આવશે? તેથી એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે આ ભારત છે અને તે બહુમતીઓની ઈચ્છા મુજબ ચાલશે, કઠમુલ્લાઓના કહ્યા મુજબ નહીં. જજ શેખર યાદવ હિન્દીમાં ચૂકાદા આપવા અને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાવાળા નિર્ણયોથી પણ ચર્ચામાં આવ્યા હતા.