Get The App

અમને આવા જજ સ્વીકાર્ય નથી: જસ્ટિસ વર્મા સામે અલ્લાહાબાદ હાઇકોર્ટના વકીલોનો વિરોધ

Updated: Mar 25th, 2025


Google News
Google News
અમને આવા જજ સ્વીકાર્ય નથી: જસ્ટિસ વર્મા સામે અલ્લાહાબાદ હાઇકોર્ટના વકીલોનો વિરોધ 1 - image


Allahabad HC Lawyers Protest Against Justice Yashwant Verma: અલ્લાહાબાદ હાઈકોર્ટના વકીલોએ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં આગ લાગી ત્યારે આશરે રૂ. 15 કરોડની રોકડ મળી હતી. આ રોકડ પણ આગમાં બળીને ખાક થઈ ગઈ હતી, જેની તપાસ કરવા સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી છે.  આ દરમિયાન જસ્ટિસ વર્માની બદલી દિલ્હી હાઈકોર્ટમાંથી અલ્લાહાબાદ હાઈકોર્ટમાં થતાં વકીલોએ અનિશ્ચિત મુદતની હડતાળની જાહેરાત કરી છે. અલ્લાહાબાદ બાર એસોસિયેશને પણ તેમનો વિરોધ કરતા કહ્યું છે કે, ‘અમને આવા ભ્રષ્ટાચારના આરોપી જજ સ્વીકાર્ય નથી.’  

આવા જજ સ્વીકાર્ય નથી

વકીલોનું કહેવું છે કે, ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા જજ અમને સ્વીકાર્ય નથી. અમારી માગ છે કે દિલ્હી હાઈકોર્ટથી તેમની બદલી અલ્લાહાબાદ હાઈકોર્ટમાં કરવામાં ના આવે. આ મુદ્દે અગાઉ અલ્લાહાબાદ બાર એસોસિયેશને કહ્યું હતું કે, 'અલ્લાહાબાદ હાઈકોર્ટ કોઈ કચરાપેટી નથી કે ભ્રષ્ટાચારના આરોપી જજને ન્યાય માટે અહીં મોકલી દેવામાં આવે.'


તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હી સ્થિત ઘરમાં આગ લાગ્યા બાદ કરોડો રૂપિયાની રોકડ બળી જવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ યશવંત વર્મા વિવાદોમાં સપડાઈ ગયા છે. આ વચ્ચે જ બીજા સમાચાર એ આવ્યા કે જસ્ટિસ યશવંત વર્માને દિલ્હીથી અલ્લાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. હવે તેના વિરોધમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના વકીલો એકઠા થયા છે. જસ્ટિસ યશવંત વર્માની બદલીના વિરોધમાં હાઈકોર્ટ બાર એસોસિયેશને આજે 25 માર્ચે અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી દીધી છે. આ હડતાળને દેશભરના હાઈકોર્ટ બાર એસોસિયેશનોનું સમર્થન પ્રાપ્ત છે. 

આ પણ વાંચો: દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો

ગત સોમવારે અલ્લાહાબાદ હાઈકોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ અનિલ તિવારીએ એક ઈમરજન્સી બેઠક કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમના નિર્ણય સામે વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં અનિલ તિવારીએ એ પણ જણાવ્યું હતું કે, આ મુદ્દે દેશની 22 હાઈકોર્ટને બાર એસોસિયેશને સમર્થન પત્ર મોકલ્યો છે.

અલ્લાહાબાદ હાઈકોર્ટ 'કચરાપેટી' નથી

અનિલ તિવારીએ કહ્યું કે, આપણી લડાઈ કોઈ જજ સામે નથી પણ સિસ્ટમ સામે છે. અહીં મહેનતુ ન્યાયાધીશો છે, હવે તેમની છબી જોખમમાં છે.  અલ્લાહાબાદ હાઈકોર્ટને 'કચરાપેટી' માનવામાં આવી રહી છે. જો કોઈ જજની ભ્રષ્ટાચારના આરોપસર બદલી થઈ રહી હોય, તો તેમને અલ્લાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ખામીઓને દૂર કરવાના બદલે, જો ખામીઓ ધરાવતા લોકોને અહીં ટ્રાન્સફર કરવામાં આવે તો સિસ્ટમ ખતમ થઈ જશે. 

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માને અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા આપી મંજૂરી, બાર ઍસોસિએશને કર્યો વિરોધ

શું છે સમગ્ર મામલો?

તાજેતરમાં જસ્ટિસ યશવંત વર્માના દિલ્હી સ્થિત સત્તાવાર નિવાસસ્થા પર એક ફાયરફાઈટિંગ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, સૂત્રોના જણાવ્યું કે, આ સમય દરમિયાન જસ્ટિસ વર્મા શહેરની બહાર હતા. આ વચ્ચે તેમના ઘરની બહારથી બળી ગયેલી નોટોના બંડલોની તસવીરો સામે આવી હતી. કાટમાળ પણ બળી ગયેલો મળી આવ્યો હતો. તેમાં બળી ગયેલી નોટો પણ જોવા મળી હતી. આ અગાઉ સુપ્રીમ કોર્ટે 'કેશ કાંડ' અંગે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો.

આ મામલો સામે આવ્યા બાદ અલ્લાહાબાદ હાઈકોર્ટ બાર એસોસિયેશને ભ્રષ્ટાચારના આરોપોને લઈને જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની માંગ કરી છે. બાર એસોસિયેશને પોતાની જનરલ બોડી મીટિંગમાં 11 ઠરાવો પસાર કર્યા, જેમાંથી મુખ્ય માગ એ હતી કે સીબીઆઈ અને ઈડીને જસ્ટિસ વર્મા સામે કેસ નોંધવાની મંજૂરી આપવામાં આવે.

Tags :