‘સાસુ-સસરાની સેવા ન કરનાર મહિલા...’ તલાક કેસમાં હાઇકોર્ટની મોટી ટિપ્પણી
Allahabad High Court News : સાસુ-સસરાની સેવા ન કરનાર મહિલાના કેસમાં અલાહાબાદ હાઇકોર્ટે મોટી ટિપ્પણી કરી છે. મુરાદાબાદના પોલીસ કર્મચારી દ્વારા દાખલ કરાયેલી છૂટાછેડાની અરજી પર ન્યાયાધીશ સૌમિત્ર દયાલ સિંહ અને ન્યાયાધીશ ડોનાડી રમેશની બેંચે કહ્યું કે, ‘જો મહિલા સાસુ-સસરાની સેવા ન કરે, તો તેને ક્રૂરતા ન કહી શકાય. આવી બાબતો વ્યક્તિગત હોય છે. કોર્ટ તમામ ઘરની સ્થિતિ અંગે વિગતવાર તપાસ ન કરી શકે. આ કોર્ટનું કામ નથી.’
વૃદ્ધ માતા-પિતાની સેવા ન કરવી ક્રૂરતા નહીં
અરજદારની દલીલ કરી હતી કે, તે પોલીસમાં નોકરી કરતો હોવાથી હંમેશા ઘરથી દૂર રહે છે. તેની પત્ની સાસુ-સસરાની સેવા કરવાની નૈતિક ફરજ નિભાવતી નથી. જેના પર અલાહાબાદ હાઇકોર્ટે કહ્યું કે, ‘આવા આક્ષેપો વ્યક્તિલક્ષી છે. પતિ ઘરથી દૂર હોય ત્યારે માતા-પિતાની કાળજી ન કરવી એ ક્રૂરતા ન કહેવાય. પતિ દ્વારા દેખરેખનું સ્તર ક્યારેય સ્થાપિત કરાયું નથી. મહિલા પર છૂટાછેડા સહિતના આરોપો ઘડવા માટે પતિ દ્વારા અમાનવીય અથવા ક્રૂર વર્તનની કોઈ દલીલ કરવામાં આવી નથી. જ્યારે પતિ પોતાના ઘરથી દૂર હોય ત્યારે મહિલા વૃદ્ધ સાસુ-સસરાની દેખરેખ રાખવામાં નિષ્ફળ જાય, તો તેને ક્યારેય ક્રૂરતા ન કહી શકાય.’
હાઇકોર્ટે અરજી ફગાવી
ક્રૂરતા નક્કી કરતી વખતે તમામ ઝઘડાઓને ઉદ્દેશ્યના દૃષ્ટિકોણથી તોલવું જોઈએ. અગાઉ અરજદારે ક્રૂરતાના આધારે છૂટાછેડા માટે મુરાદાબાદની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જો કે કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ અરજદારે મુરાદાબાદ કોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજદાર નોકરીને કારણે ઘરથી દૂર રહેતો હતો અને પત્નીને પોતાના માતાપિતા સાથે રહેવાની અપેક્ષા રાખતો હતો. આ બાબતની નોંધ લીધા બાદ કોર્ટે અરજદારની દલીલને પાયાવિહોણી ગણાવી અરજી ફગાવી દીધી છે.