‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્લાહાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી
Allahabad High Court Rape Case Controversial Comment : અલ્હાબાદ હાઈકોર્ટે દુષ્કર્મના કેસની સુનાવણી હાથ ધરતા વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેના કારણે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન પણ આપી દીધા છે અને સાથે જ કહ્યું કે, ‘દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા પોતે જ મુસીબતને આમંત્રણ આપી ઘટનાની જવાબદાર છે.’
આરોપીએ કહ્યું ‘આ કૃત્ય પરસ્પર સંમતીથી થયું’
દિલ્હીમાં પીજીની વિદ્યાર્થીની પર કથિત દુષ્કર્મ આચરવાના ગુનામાં 2024માં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ કહ્યું કે, ‘આ કૃત્ય પરસ્પર સંમતીથી થયું હતું.’ ન્યાયાધીશ સંજય કુમાર સિંહે કહ્યું કે, ‘આ કોર્ટનું માનવું છે કે, જો પીડિતાના આરોપોને સાચા માનવામાં આવે, તો એવું પણ તારણ કાઢી શકાય છે કે, પીડિતાએ પોતે જ મુસીબતને આમંત્રણ આપ્યું અને આ માટે તે પોતે જ જવાબદાર હતી.’
વિદ્યાર્થીની દારુ પીધા બાદ આરોપીના ઘરે ગઈ, પછી બની ઘટના
આ મામલો સપ્ટેમ્બર-2024નો છે. તે વખતે નોઈડા સ્થિત એક યુનિવર્સિટીની વિદ્યાર્થીની ત્રણ મહિલા મિત્રો સાથે દિલ્હીમાં હૉજ ખાસ વિસ્તારમાં એક બારમાં ગઈ હતી. જ્યાં તેની કેટલાક પુરુષો સાથે મુલાકાત થઈ, તેમાં આરોપી પણ સામેલ હતો. મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ‘તેણીએ મોડી રાત્રે દારુ પીધો હોવાથી થાકી ગઈ હતી અને આરોપી તેણીને પોતાના ઘરે લઈ જવા માટે વારંવાર આગ્રહ કરી રહ્યો હતો. આખરે તેણે આરોપીની વાત માની અને આરામ કરવા તેના ઘરે જતી રહી.
આ પણ વાંચો : ‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું...’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઈલ કરી આપી ધમકી
યુવક ઘરના બદલે અન્ય સ્થળે લઈ ગયો
મહિલાએ આક્ષેપ કર્યો કે, સફર દરમિયાન આરોપીએ તેણીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને તેણીને નોઈડા સ્થિત તેના ઘરે લઈ જવાને બદલે ગુડગાંવ સ્થિત એક સંબંધીના ફ્લેટમાં લઈ ગયો, જ્યાં યુવકે તેના પર કથિત દુષ્કર્મ આચર્યું, ત્યારબાદ ડિસેમ્બર-2024માં આરોપીની ધરપકડ કરવામાં આવી.
કોર્ટનો તર્ક અને નિર્ણય
જામીન અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ સંજય કુમારે કહ્યું કે, ‘જો પીડિતાના આરોપોને સાચા માનવામાં આવે, તો એવું પણ તારણ કાઢી શકાય છે કે, તેણીએ પોતે જ આ મુસીબતને આમંત્રણ આપ્યું અને આ માટે તે પોતે જ જવાબદાર છે. પીડિતા એક પરિપક્વ અને શિક્ષિત PG વિદ્યાર્થી હતી, જે તેના કાર્યોની નૈતિકતા અને મહત્વને સમજવામાં સક્ષમ હતી. મેડિકલ તપાસમાં હાઈમેન ફાટી ગયું હોવાની પુષ્ટી થઈ, પરંતુ ડૉક્ટરે બળાત્કાર અંગે કોઈ નિર્ણાયક અભિપ્રાય આપ્યો ન હતો.
આરોપીએ શું દલીલ કરી?
જામીન અરજી કરનાર આરોપીઓ દલીલ કરી હતી કે, મહિલા સ્વેચ્છાએ તેની સાથે ગઈ હતી કારણ કે તેને સહારાની જરૂર હતી અને તે આરામ કરવા માંગતી હતી. તેણે તેણીને કોઈ સંબંધીના ફ્લેટમાં લઈ જવાનો કે તેના પર દુષ્કર્મ કરવાનો ઈનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે, ઘટનામાં સંમતિથી સેક્સ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : અમેરિકાના ભણતા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા પર સંકટ, ટ્રમ્પ યુએસ સંસદમાં નવું બિલ લાવ્યા