Get The App

જજને 'માય લૉર્ડ' નહીં 'સર' કહેશે વકીલો! ઘર્ષણ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટની બાર એસોસિએશનમાં પ્રસ્તાવ પાસ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
જજને 'માય લૉર્ડ' નહીં 'સર' કહેશે વકીલો! ઘર્ષણ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટની બાર એસોસિએશનમાં પ્રસ્તાવ પાસ 1 - image

Image:Freepik

Allahabad High Court : ભારતમાં બ્રિટિશકાળથી ચાલી રહેલા કાયદાઓ અંતે 1લી જુલાઈ, 2024થી બદલીને સુધારા-વધારા સાથે ભારતીય ન્યાય સંહિતા થયા છે પરંતુ જજોને વર્ષોથી ચાલી રહેલી સંબોધનમાં નવા કાયદામાં પણ સુધારો નથી થયો. જજોના સંબોધનને લઈને અનેક વખત વાત-વિવાદ થતા રહે છે. અંતે હવે વકીલોએ પોતાની માંગણી ન સંતોષાતા ન્યાયાધીશોને 'માય લોર્ડ'ને બદલે 'સર' કહેવાનો નિર્ધાર કર્યો છે.

ઉત્તરપ્રદેશના અલ્હાબાદ હાઈકોર્ટના બાર એસોસિએશનના વકીલો અનેક માંગોને લઈને છેલ્લા બે દિવસથી હડતાળ પર ઉતર્યા છે અને આ હડતાળ આજે પણ ચાલુ છે. વકીલોની આ હડતાળને કારણે સમગ્ર કામકાજ ઠપ્પ થઈ ગયા છે. આ માંગો હવે વિવાદમાં પરિણમી રહી છે. 

જજ vs વકીલની લડાઈ :

હવે આ હડતાલ જજ વિરૂદ્ધ વકીલની બની ગઈ છે. તેનું કારણ એ છે કે બાર એસોસિએશને નવા પ્રસ્તાવમાં નિર્ણય લીધો છે કે હાઈકોર્ટમાં કોઈપણ કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશોને હવેથી 'માય લોર્ડ' કે 'યોર લોર્ડશિપ' તરીકેનું સંબોધન નહિ કરવામાં આવે. બાર એસોસિયેશને કહ્યું કે 'માય લોર્ડ' કે 'યોર લોર્ડશિપ'ને બદલે હવે 'સર' તરીકે જ સંબોધવાનો નિર્ણય કર્યો છે.

વાસ્તવમાં બાર એસોસિએશને પોતાની માંગણીઓ અંગે એક બેઠક યોજી હતી અને મુખ્ય ન્યાયાધીશ (CJI) સહિત વરિષ્ઠ જજોની સામે પોતાના વિચારો રજૂ કર્યા હતા. જોકે ન્યાયાધીશો અને બાર એસોસિએશન વચ્ચેની આ વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર પહોંચી ન હતી અને અંતે નિષ્ફળ ગઈ હતી. આવી સ્થિતિમાં હવે ન્યાયાધીશ અને વકીલ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

જો કે, જજો અને બાર એસોસિએશન વચ્ચેના આ વિવાદમાં વકીલોનું કહેવું છે કે, જજોના વર્તન અને મનમાની સુનાવણી પ્રક્રિયા સામે બાર એસોસિએશન એકત્ર થયું છે. આ મામલાની માહિતી આપતા અલ્હાબાદ હાઈકોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ અનિલ તિવારીએ કહ્યું કે, ન્યાયાધીશે ભગવાન બનવાથી પાછળ હટી જવું જોઈએ અને સામાન્ય માણસની જેમ ન્યાય કરવો જોઈએ. 

વધુમાં તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે બાર એસોસિએશને નિર્ણય લીધો છે કે ,વકીલોએ જજને 'માય લોર્ડ' નહીં પણ સર તરીકે સંબોધવા જોઈએ. આ અંગે બાર કાઉન્સિલ દ્વારા પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અનિલ તિવારીએ પણ કહ્યું કે, વકીલો છેલ્લા 2 દિવસથી અલ્હાબાદ હાઈકોર્ટનો બહિષ્કાર કરી રહ્યા છે. જેના કારણે સરકારી અને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા વકીલો પર બાર કડક બન્યું છે.

આ સિવાય કામના બહિષ્કાર દરમિયાન જો કોઈ વકીલ શારીરિક રીતે કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન હાજર રહેલા તમામ વકીલોને કારણ બતાવો નોટિસ પણ ફટકારવામાં આવી છે.


Google NewsGoogle News