જ્ઞાનવાપીની જેમ મથુરાની શાહી ઈદગાહ મસ્જિદનો થશે ASI સર્વે, હાઈકોર્ટે હિન્દુ પક્ષની સ્વીકારી અરજી
હાઇકોર્ટે સર્વેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું
Allahabad hc on Shri Krishna temple mathura : અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી લીધી છે.
ઇદગાહ મસ્જિદ પર ASI સર્વેને મંજૂરી આપવામાં આવી
મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે જેમાં મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ પર ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત હાઇકોર્ટે સર્વેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું છે. મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળને અડીને આવેલી મસ્જિદમાં એડવોકેટ પાસેથી સર્વે કરાવવાની માંગણી કરવા માટે 18 અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈકોર્ટે એક સાથે સુનાવણી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદના સ્તંભના પાયામાં હિન્દુ ધર્મનું પ્રતીક છે જે મંદિરની કોતરણીમાં સ્પષ્ટ દેખાય છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે અમે એડવોકેટ કમિશનરની નિમણૂક જારી કરી રહ્યા છીએ. કોર્ટે શાહી ઇદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. જોકે ASI સર્વે ક્યારે થશે અને તેમાં કેટલા લોકો ભાગ લેશે તે બધું 18મી ડિસેમ્બરના રોજ નક્કી થશે.
અયોધ્યા અમારી હવે મથુરાનો વારો - ટ્રસ્ટ
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ટ્રસ્ટના મુખ્ય પક્ષકાર ભૃગુવંશી આશુતોષ પાંડેએ કહ્યું કે આ કરોડો હિન્દુઓની આસ્થાનો મામલો છે. ભગવાન ફક્ત આપણા છે. અયોધ્યા અમારી બની ગઈ છે અને હવે મથુરાનો વારો છે. આ મામલે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે કહ્યું કે તે અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બર 2023ના રોજ કહ્યું હતું કે તમારે હાઈકોર્ટમાં જવું જોઈએ ત્યા તમારી સુનાવણી થશે.
નિર્ણયને 16 નવેમ્બરે સુરક્ષિત રાખવામાં આવ્યો હતો
મથુરાની કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ મયંક કુમાર જૈને 16 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ અરજી ઓર્ડર 26 નિયમ 9 હેઠળ દાખલ કરવામાં આવી હતી. શાહી ઇદગાહ મસ્જિદે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
કોણે દાખલ કરી અરજી?
આ અરજી ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન' અને અન્ય 7 લોકોએ એડવોકેટ હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માંગ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું. એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, 'અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં કમળના આકારનો સ્તંભ છે જે હિંદુ મંદિરોની વિશેષતા છે.