દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ આજે જસ્ટિસ યશવંત વર્મા અંગે રિપોર્ટ આપશે, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે
Justice Yashwant Varma Cash Case : દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનેથી જંગી રકમ મળી આવવાના મામલાએ ભારતીય ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. મીડિયામાં આ સમાચાર આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. અહીં આ મામલે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા સામે આવી છે. વર્મા મામલે સુપ્રીમ કોર્ટે સત્તાવાર કહ્યું છે કે, દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આજે જ આ મામલે પોતાનો રિપોર્ટ રજૂ કરશે. આ ઉપરાંત પ્રેસ નોટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જસ્ટિસ યશવંત વર્માના ટ્રાન્સફરનો મામલો કેશ મળવાના મામલાથી અલગ છે.
ખોટી માહિતી અને અફવા ફેલાવાઈ રહી છે : સુપ્રીમ કોર્ટ
વર્માના ઘરેથી કેશ મળવા અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વર્માના ઘરે બનેલી ઘટનાને લઈને ખોટી માહિતી અને અફવાઓ ફેલાવાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે દ્વારા સ્થાપિત અને નિર્ધારિત ઈન-હાઉસ તપાસ શરૂ કરી દેવાઈ છે. માહિતી મળતાં જ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે પુરાવા અને માહિતી એકત્ર કરીને ઈન-હાઉસ તપાસની શરૂ કરી છે.
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આજે રિપોર્ટ સોંપશે
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશએ કોલેજિયમની બેઠક પહેલા 20 માર્ચે તેમની તપાસ શરૂ કરી હતી. આજે એટલે કે 21 માર્ચ, 2025ના રોજ અમે અમારો અહેવાલ ભારતના મુખ્ય ન્યાયાધીશને સોંપીશું. રિપોર્ટની તપાસ કરીને આગળની કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો : જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા 3000 કરોડ વધુ ટોલ વસૂલાયો, સાંસદે જ ખોલી સરકારની પોલ
વર્માની અલ્લાહાબાદ, એસોસિયેશન હાઈકોર્ટમાં ટ્રાન્સફર
ઉલ્લેખનીય છે કે, વર્મા દિલ્હી હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ અને કોલેજિયમના સભ્ય છે. તેમને તેમની મૂળ હાઈકોર્ટ અલ્લાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ પહેલેથી જ છે. અહીં તેઓ વરિષ્ઠતામાં 9માં ક્રમાંકે રહેશે. આ ટ્રાન્સફર સ્વતંત્ર છે અને આંતરિક તપાસ પ્રક્રિયાથી અલગ છે.
અલ્લાહાબાદ બાર એસો.એ વર્માની ટ્રાન્સફરનો વિરોધ કર્યો
સુપ્રીમકોર્ટની કૉલેજિયમે વર્માનો અલ્લાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય પહેલેથી જ લીધો છે, જોકે તેમના બંગલામાંથી કેશ મળી આવવાના કારણે અલ્લાહાબાદ બાર એસોસિયેશન તેમની ટ્રાન્સફરનો વિરોધ કર્યો છે. એસોસિયેશન કહ્યું કે, ‘અલ્લાહાબાદ હાઈકોર્ટ કચરા પેટી નથી.’ વાસ્તવમાં વર્માના સરકારી નિવાસસ્થાને આગ લાગી હતી. આ દરમિયાન આગ ઓલવવાનો પ્રયાસ કરાતા તેમના બંગલામાંથી કેશનો ઢગલો મળી આવ્યો છે, જેના કારણે વર્મા ભારે વિવાદમાં ફસાયા છે.
અલ્લાહાબાદ બાર એસોસિયેશને પ્રસ્તાવ પસાર કરી કર્યો વિરોધ
મીડિયા રિપોર્ટ મુજબ એસોસિયેશને એક પ્રસ્તાવ પસાર કરીને કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ યશવંત વર્માને અલ્લાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માહિતી મળતા અમને આશ્ચર્ય થયું છે.’ આ પ્રસ્તાવ પર એસોસિએશનના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ અનિલ તિવારીના હસ્તાક્ષર છે. પ્રસ્તાવમાં દાવો કરાયો છે કે, ન્યાયાધીશ વર્માના સરકારી મકાનમાંથી 15 કરોડ રૂપિયાની ગેરકાયદે રોકડ જપ્ત કરવામાં આવી હતી.’
શું બની હતી ઘટના?
સૂત્રોએ જણાવ્યું કે, જ્યારે બંગલામાં આગ લાગી ત્યારે યશવંત વર્મા શહેરમાં નહોતા. તેમના પરિવારના સભ્યોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. એટલા માટે રોકડનો ઢગલો સૌની સામે આવી ગયો હતો. આ મામલે રૅકોર્ડબુકમાં પણ મોટી માત્રામાં રોકડ મળ્યાની એન્ટ્રી કરાઈ હતી. માહિતી અનુસાર ફાયર બ્રિગેડના અધિકારીઓ જ્યારે આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને કેશનો ઢગલો મળી આવ્યો હતો. આ મામલે તાત્કાલિક CJIના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કૉલેજિયમને જાણ કરાઈ હતી.