SBIએ ઈલેક્ટોરલ બોન્ડનો તમામ ડેટા ચૂંટણી પંચને સોંપ્યો, સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
SBIએ ઈલેક્ટોરલ બોન્ડનો તમામ ડેટા ચૂંટણી પંચને સોંપ્યો, સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી 1 - image


Electoral Bonds: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 21 માર્ચ, ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આલ્ફા ન્યુમેરિક નંબર સહિતની તમામ વિગતો ચૂંટણી પંચને આપી છે. એસબીઆઈએ કહ્યું કે,'અમારા તરફથી અત્યારે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અમે ઈલેક્ટોરલ બોન્ડની તમામ માહિતી ચૂંટણી પંચને સોંપી દીધી છે.'

સુપ્રીમ કોર્ટે એસબીઆઈને અલ્ટીમેટમ આપ્યું હતું

એસબીઆઈ દ્વારા અગાઉ સબમિટ કરવામાં આવેલી સંપૂર્ણ માહિતીના અભાવ પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે આજે પહેલા તમામ માહિતી સબમિટ કરવા અલ્ટીમેટમ આપ્યું હતું.  ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે પ્રાપ્ત માહિતી ચૂંટણી પંચની વેબસાઈટ પર પ્રકાશિત થવી જોઈએ.

એસબીઆઈએ સોગંદનામું દાખલ કર્યું

એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે, 'કોર્ટના આદેશ મુજબ અમે નિર્ધારિત સમય પહેલા ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સાથે સંબંધિત તમામ વિગતો આપી દીધી છે. આ વખતે આપવામાં આવેલી માહિતીમાં બોન્ડનો આલ્ફા ન્યુમેરિક નંબર એટલે કે યુનિક નંબર, બોન્ડની કિંમત, ખરીદનારનું નામ, પેમેન્ટ મેળવનાર પાર્ટીનું નામ, પાર્ટીના બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંક, કિંમત અને રિડીમ કરેલ નંબરનો સમાવેશ થાય છે. સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રાજકીય પક્ષનો સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર, પક્ષની કેવાયસી માહિતી અને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારને શેર કરવામાં આવ્યા નથી.'

સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી 

18મી માર્ચે એસબીઆઈને ઈલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટની ટકોરનો સામનો કરવો પડ્યો હતો. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે સવાલ કર્યો હતો કે, ‘એસબીઆઈએ કોર્ટના આદેશ છતાં તમામ માહિતી કેમ જાહેર નથી કરી. જ્યારે અમે કહીએ છીએ કે અમને બધી માહિતી જોઈએ છે. એસબીઆઈ દ્વારા આપેલી તમામ માહિતી ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં સોગંદનામાં દ્વારા કોર્ટને આપવામાં આવે.'

ઉલ્લેખનીય છે કે, 15માં ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. આ સાથે ચીફ જસ્ટિસની બેન્ચે સ્ટેટ બેંકને આદેશ આપ્યો કે એપ્રિલ 2019થી 15મી ફેબ્રુઆરી 2024 સુધી કેટલા ઈલેક્ટોરલ બોન્ડ આપવામાં આવ્યા, કયા રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડમાંથી પૈસા મળ્યા તે તમામ માહિતી ચૂંટણી પંચને આપે. કોર્ટના આદેશ પછી 12મી માર્ચે એસબીઆઈએ ઈલેક્ટોરલ બોન્ડના ડેટા ચૂંટણી પંચને આપ્યા હતા.

SBIએ ઈલેક્ટોરલ બોન્ડનો તમામ ડેટા ચૂંટણી પંચને સોંપ્યો, સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી 2 - image


Google NewsGoogle News