Get The App

'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી તરીકેનો દરજ્જો યથાવત્ રહેશે...' સુપ્રીમ કોર્ટનું ફરમાન

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
Aligarh Muslim University


Supreme Court On Aligarh Muslim University: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) એ લઘુમતી સંસ્થાન છે કે નહીં તેના દરજ્જા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. સાત જજોની બેન્ચે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદો એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે આજે સીજેઆઈ ચંદ્રચૂડ નિવૃત્ત થઈ રહ્યા છે અને નિવૃત્તિના દિવસે જ તેમણે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સાત જજોની બેન્ચે 4-3 ના બહુમતથી આ અંગે ચુકાદો આપ્યો હતો. 

શું આપ્યો ચુકાદો? 

સાત જજોની બેન્ચે 4-3 થી ચુકાદો આપ્યો હતો કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) એક લઘુમતી સંસ્થાન જ ગણાશે. આ સાથે આ ઐતિહાસિક ચુકાદામાં સીજેઆઈના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું કે લઘુમતી સંસ્થાનોના નવા માપદંડ નક્કી કરાશે અને તેની જવાબદારી ત્રણ જજોની બેન્ચને સોંપવામાં આવી છે. આ મામલે સીજેઆઈ સહિત ચાર જજોએ એકમત થઈને ચુકાદો આપ્યો હતો. જોકે અન્ય ત્રણ જજોએ ડિસન્ટ નોટ આપી હતી. સીજેઆઈ અને જસ્ટિસ પારડીવાલા એકમત દેખાયા હતા. જ્યારે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો ચુકાદો અલગ રહ્યો હતો. કોર્ટે તેના ચુકાદામાં AMU એક લઘુમતી સંસ્થાન છે. આ સાથે 1967 નો ચુકાદો ફગાવી દીધો હતો.

આ મામલે CJI ચંદ્રચૂડે ચુકાદો આપતાં જણાવ્યું કે, આ મામલે ચુકાદો આપતાં પહેલાં અમારી સમક્ષ અનેક પ્રશ્નો હતા કે, કોઈપણ શૈક્ષણિક સંસ્થાને લઘુમતી સંસ્થા તરીકે સ્વીકાર કરવાનો તર્ક શું છે? આ યુનિવર્સિટીની સ્થાપના ધાર્મિક અને ભાષાકીય જ્ઞાન હેતુસર લઘુમતી વર્ગ દ્વારા કરવામાં આવી હોવાથી તેને લઘુમતી સંસ્થા તરીકે સ્વીકારવી યોગ્ય છે. તેનું સંચાલન લઘુમતી વર્ગ દ્વારા થઈ રહ્યું છે.  ઉલ્લેખનીય છે, બંધારણની કલમ 30 હેઠળ કોઈપણ ધાર્મિક સમુદાય સંસ્થા સ્થાપિત કરવાનો અધિકાર ધરાવે છે. જેથી આ સંસ્થાને લઘુમતી કોમનો દરજ્જો ન આપવાથી આ કલમનું ઉલ્લંઘન થશે. આ કલમ હેઠળ કોઈપણ લઘુમતી કોમને પોતાના દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાની જ કોમના લોકોને પ્રાધાન્ય આપવાનો હક છે.

વિવાદ શું હતો?

AMUના લઘુમતી દરજ્જા અંગેનો વિવાદ 1965માં શરૂ થયો હતો. તત્કાલિન કેન્દ્ર સરકારે 20 મે 1965ના રોજ AMU એક્ટમાં સુધારો કરીને સ્વાયત્તતા ખતમ કરી દીધી હતી. જેને અઝીઝ બાશાએ 1968માં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો કે AMU લઘુમતી સંસ્થા નથી. તેમાં ખાસ વાત એ હતી કે AMUને પક્ષકાર બનાવવામાં આવી નહોતી. 1972માં ઈન્દિરા ગાંધી સરકારે પણ સ્વીકાર્યું હતું કે AMU લઘુમતી સંસ્થા નથી. યુનિવર્સિટીમાં પણ આનો વિરોધ થયો હતો. પાછળથી ઈન્દિરા ગાંધી સરકારે 1981માં AMU એક્ટમાં ફેરફારો કર્યા અને યુનિવર્સિટીને લઘુમતી સંસ્થા તરીકે જાહેર કરી. પછી 2006માં, AMUની JN મેડિકલ કોલેજમાં મુસ્લિમો માટે 50 ટકા MD, MS સીટો અનામત રાખવાના વિરોધમાં હિંદુ વિદ્યાર્થીઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે AMU લઘુમતી સંસ્થા ન હોઈ શકે. આ નિર્ણયના વિરોધમાં AMU સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. ત્યારથી આ કેસ વિચારણા હેઠળ છે.

'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી તરીકેનો દરજ્જો યથાવત્ રહેશે...' સુપ્રીમ કોર્ટનું ફરમાન 2 - image


Google NewsGoogle News