Get The App

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સંસ્થાના દરજ્જાની હકદાર : સુપ્રીમ

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સંસ્થાના દરજ્જાની હકદાર : સુપ્રીમ 1 - image


સુપ્રીમે લઘુમતીનો દરજ્જો ન આપતા ૧૯૬૭ના પોતાના ચુકાદાને પલટી નાંખ્યો

સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે અંતિમ નિર્ણય રેગ્યુલર બેંચને સોંપી ગાઇડલાઇન ઘડવા કહ્યું

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવેલી ૧૦૦ વર્ષ જુની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને મળેલા લઘુમતી સંસ્થાના દરજ્જાને સુપ્રીમ કોર્ટે હાલ પુરતા યોગ્ય ઠેરવ્યો છે. સાથે જ આ સમગ્ર મામલાનો અંતિમ ફેસલો નવી બેંચને સોંપ્યો છે. આ ઉપરાંત યુનિ.ને લઘુમતી સંસ્થાનો દરજ્જો ન મળી શકે તેવા સુપ્રીમના પોતાના જ ૧૯૬૭ના ચુકાદાને પણ પલટી નાખ્યો છે. સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચે મામલાને હવે રેગ્યુલર બેંચને સોંપ્યો છે. 

મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, સૂર્યકાંત, જેબી પારડીવાલા, દીપાંકર દત્તા, મનોજ મિશ્રા અને એસસી શર્માની બેંચે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે નવી બેંચ લઘુમતી સંસ્થાઓને લઇને ગાઇડલાઇન ઘડશે, જેમાં એ નક્કી કરવામાં આવશે કે લઘુમતી સંસ્થાનો દરજ્જોે કેવી સંસ્થાઓને આપી શકાય. બહુમત ચુકાદામાં બેંચે કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ભારતના બંધારણના આર્ટિકલ ૩૦ હેઠળ લઘુમતી સંસ્થા તરીકેનો દરજ્જો મેળવવાને હકદાર છે. કોર્ટે એ જોવાનું રહેશે કે આ સંસ્થાની સ્થાપના પાછળ કોણ હતું? શું લઘુમતી સમાજ દ્વારા કોઇ મદદ સ્થાપના સમયે મળી હતી. 

સુપ્રીમ કોર્ટ સમક્ષ ચાર મુદ્દા હતા જેમાં પ્રથમ મુદ્દો એ હતો કે શું એક કાયદા દ્વારા એટલે કે અલીગઢ મુસ્લિમ યુનિ. એક્ટ ૧૯૨૦ દ્વારા બનેલી અને શાસિત યુનિવર્સિટી લઘુમતી સંસ્થાના દરજ્જાનો દાવો કરવાને હકદાર છે? બીજો મુદ્દો એ હતો કે સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૯૬૭માં અપાયેલા ચુકાદામાં જણાવાયું હતું કે કાયદા દ્વારા સ્થાપિત સંસ્થા હોવાથી તેને લઘુમતીનો દરજ્જો ના મળી શકે કેમ કે તેને લઘુમતી સમાજ દ્વારા સ્થાપિત નથી કરાઇ, શું આ ચુકાદો યોગ્ય છે? ત્રીજો મુદ્દો એ હતો કે સુપ્રીમના ચુકાદા બાદ ૧૯૮૧માં કાયદામાં સંશોધન થયું અને અલીગઢ મુસ્લિમ યુનિ.ને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો, આ સંશોધન કેટલુ યોગ્ય હતું તેની તપાસ થવી જોઇએ. ચોથો મુદ્દો એ હતો કે શું ૨૦૦૬માં અલ્લાહાબાદ હાઇકોર્ટે સુપ્રીમના ૧૯૬૭ના ચુકાદાના આધારે ચુકાદો આપતા કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિ. લઘુમતી સંસ્થા નથી આ ચુકાદો યોગ્ય હતો? હાલ સુપ્રીમ કોર્ટે કોઇ જ અંતિમ ચુકાદો નથી આપ્યો અને સમગ્ર મામલો ત્રણ ન્યાયાધીશોની રેગ્યુલર બેંચ સમક્ષ પહોંચ્યો છે.  


Google NewsGoogle News