મણિપુરમાં મ્યાંમારના રસ્તે 900 કુકી ઉગ્રવાદી ઘૂસતા એલર્ટ
- પૂર્વોત્તરના સરહદીય રાજ્યમાં એજન્સીઓ દોડતી થઈ
- કુકી-મૈતેઈ લોકો શસ્ત્રો છોડે, સમાધાન માટે વાતચીત જ કરવી પડશે, હથિયારોથી કોઈ સમાધાન નહીં આવે : કિરણ રિજિજૂ
ઈમ્ફાલ : મણિપુરમાં ગયા વર્ષે મૈતેઈ અને કુકી સમાજ વચ્ચે શરૂ થયેલી હિંસા ૧૬ મહિના પછી પણ ચાલુ છે. એટલું જ નહીં આ હિંસામાં હવે ઉગ્રવાદીઓ અત્યાધુનિક રોકેટ લોન્ચર્સ જેવા હથિયારોનો ઉપયોગ કરવા લાગ્યા છે. આવા સમયે મ્યાંયમારમાંથી ૯૦૦થી વધુ કુકી ઉગ્રવાદીએ મણિપુરમાં ઘૂસણખોરી કરી હોવાના સમાચારે રાજ્યમાં સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે સુરક્ષા એજન્સીઓને રાજ્યમાં સંભવિત આતંકી હુમલાની ચેતવણી આપી છે. બીજીબાજુ ચુરાચાંદપુરમાં સર્ચ ઓપરેશનમાં ઈમ્પ્રુવાઈઝ્ડ રોકેટ હેડ અને સેલ સહિતનો દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
મણિપુરમાં મ્યાંમાર સરહદેથી ૯૦૦થી વધુ કુકી ઉગ્રવાદીઓએ ઘૂસણખોરી કરી હોવાના અહેવાલોછે. આ ઉગ્રવાદીઓ ડ્રોન આધારિત બોમ્બ, પ્રોજેક્ટાઈલ, મિસાઈલ અને જંગલ યુદ્ધ લડવા તાલિમબદ્ધ હોવાનું કહેવાય છે. સૂત્રો મુજબ આ ઉગ્રવાદીઓ ૩૦-૩૦ના જૂથમાં રાજ્યમાં ચારે બાજુ ફેલાઈ ગયા છે. તેમણે ૨૮ સપ્ટેમ્બરે મૈતેઈ સમાજવાળા ગામો પર હુમલા કરવાની યોજના બનાવી છે. આ ગુપ્ત માહિતી મણિપુરના થૌબલ જિલ્લાના ટોચના અધિકારીએ આપી હતી.
મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે શનિવારે ઈમ્ફાલમાં આ ગુપ્ત રિપોર્ટની પુષ્ટી કરતા કહ્યું કે, આ રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને ઉગ્રવાદીઓને રોકવા માટે અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે. મણિપુરમાં આ મહિનાની શરૂઆતથી નવેસરથી હિંસા ચાલુ થઈ છે, જેમાં ડ્રોન, મિસાઈલો અને ખતરનાક આધુનિક હથિયારોના ઉપયોગથી સુરક્ષા એજન્સીઓ ચિંતિત થઈ ગઈ છે. કુલદીપ સિંહે ઉમેર્યું હતું કે, મણિપુરમાં વંશીય હિંસા શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ ૪૬૮ બન્કરો તોડી પાડયા છે. આસામ રાઈફલ્સ, આર્મી તથા સીઆરપીએફે એન્ટી-ડ્રોન ગન્સ તૈનાત કરી છે.
મણિપુરમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરાઈ છે ત્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ શનિવારે મણિપુરના લોકોને હથિયારો છોડીને શાંતિ માટે સ્થાયી સમાધાન પર વાત કરવા આગળ આવવા વિનંતી કરી હતી. માય હોમ ઈન્ડિયા દ્વારા આયોજિત નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ્સ ફેસ્ટિવલને સંબોધન કરતા રિજિજુએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારમાં પૂર્વોત્તરના રાજ્યોમાં અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. અહીંના લોકો માટે અસાધારણ તકો છે. ભારત સરકાર શક્ય તમામ પ્રયત્નો કરશે, પરંતુ કુકી-મૈતેઈ લોકોએ હથિયારો છોડવા પડશે. તમે હથિયાર ઉઠાવશો તો કોઈ સમાધાન નહીં નીકળે. કોઈપણ સમાધાન વાતચીતથી જ નીકળી શકશે.
બીજીબાજુ મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં સમુલમલનમાંથી પોલીસના સર્ચ ઓપરેશનમાં ઈમ્પ્રુવાઈઝ્ડ રોકેટ હેડ, અલગ અલગ કદના ત્રણ લાઈવ રોકેટ, ત્રણ ઈમ્પ્રુવાઈઝ્ડ મોર્ટાર્સ અને એન્ટી રાયટ સ્ટન શેલ્સ, અને શેર મળી આવ્યા છે. એક ઈમ્પ્રુવાઈઝ્ડ જપ્ત કરવામાં આવ્યા છે.
આ સિવાય સુરક્ષા દળોએ ઈમ્ફાલ પશ્ચિમ અને ઈમ્ફાલ પૂર્વમાં અલગ અલગ ઓપરેશન્સમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનના ત્રણની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી કેટલાક આઈઈડી, હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયો હતો. પોલીસે ધરપકડ કરેલા ત્રણ ઉગ્રવાદીઓમાં ૨૪ વર્ષીય મૈબામ બ્રોન્સન સિંહ, ૨૧ વર્ષના યુમનામ લાન્ચેન્બા અને બાવન વર્ષના સૌબામ નોન્ગપોકન્ગન્બા મૈતેઈનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ચાલતી હિંસા વચ્ચે ઉગ્રવાદી સંગઠને ૧૮ કલાકના બંધની જાહેરાત કરવાના કારણે ઈમ્ફાલ ખીણ જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ઉગ્રવાદી સંગઠન નેશનલ રિવોલ્યુશનરી ફ્રન્ટ ઓફ મણિપુર (એનઆરએફએમ)એ ગઇકાલે મધરાતથી બંધ જાહેર કરતાં આજે પાંચેય ખીણ જિલ્લામાં બજારો, ઔદ્યોગિક એકમો અને બેન્કો બંધ રહ્યા હતા. જોકે, કેટલાક ખાનગી વાહનો રસ્તા પર જોવા મળતા હતા. આવશ્યક સેવાઓને બંધમાંથી મુક્તિ અપાઈ હતી. જોકે, પર્વતીય જિલ્લાઓમાં બંધની સામાન્ય જનજીવન પર કોઈ અસર થઈ નહોતી.
મણિપુરના મંત્રી સુસિન્દ્રોના પીએનું અપહરણ કરાયું
મણિપુરના ગ્રાહક બાબતોના મંત્રી એલ. સુસિન્દ્રોના પર્સનલ આસિસ્ટન્ટનું ઈમ્ફાલ પૂર્વ જિલ્લામાં તેમના નિવાસેથી અજાણ્યા લોકોએ અપહરણ કરી લીધું છે તેમ પોલીસે જણાવ્યું હતું. મંત્રી સુસિન્દ્રોના પીએ એસ. સોમોરેન્દ્રોના અપહરણનો હેતુ હજુ અસ્પષ્ટ છે. કોઈપણ ગૂ્રપે આ અપહરણની જવાબદારી લીધી નથી અને આ કેસની તપાસ ચાલુ છે. બિશ્નુપુર જિલ્લામાં ભૂતપૂર્વ મુખ્ય સચિવ ઓઇનમ નવકિશોરના નિવાસે કેટલાક હથિયારધારીઓએ પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યાના બીજા દિવસે સોમોરેન્દ્રોનું અપહરણ કરાયું છે. આ હુમલામાં કોઈને ઈજા થઈ નહોતી. પોલીસે ગોળીના ખાલી કેસ ઘટના સ્થળેથી જપ્ત કર્યા હતા.
ભારત-મ્યાંમારની 1610 કિ.મી.ની સરહદ સીલ : CRPFના 2,000 જવાનો તૈનાત
સીઆરપીએફની બે બટાલિયન સ્થાયી રીતે મૂકાઈ, મ્યાંમાર સરહદે મુક્ત પરિવહન વ્યવસ્થા સમાપ્ત
ઈમ્ફાલ : મણિપુરમાં મ્યાંમારમાંથી આવતા ઘૂસણખોરોને રોકવા માટે કેન્દ્ર સરકારે ભારત-મ્યાંમાર વચ્ચેની ૧૬૧૦ કિ.મી. લાંબી સરહદ રૂ. ૩૧,૦૦૦ કરોડના ખર્ચે સીલ કરવાનો નિર્ણય લીધો છે. સરહદ પર હેવી ફેન્સિંગ લાગશે અને તેની શરૂઆત કરી દેવાઈ છે.
સીઆરપીએફની બે બટાલિયનને મણિપુરમાં સ્થાયી રીતે મૂકવામાં આવી છે જ્યારે કેન્દ્રીય અર્ધસૈનિક બળના ૨,૦૦૦ જવાનો તૈનાત કરાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, મોદી સરકારે ૧૦૦ દિવસમાં મણિપુરની સ્થિતિ સંભાળવા માટે દરેક પ્રયાસ કર્યા છે. ભારત સરકારે મ્યાંમાર સરહદે મુક્ત પરિવહન વ્યવસ્થાને સમપ્ત કરી દીધી છે.
મણિપુરની સુરક્ષા સ્થિતિની નિયમિત સમીક્ષા કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનો સીઆરપીએફમાં વિશ્વાસ વધ્યો છે. મણિપુર સરકારે સામાન્ય લોકોને યોગ્ય મૂલ્ય પર વસ્તુઓ પૂરી પાડવા માટે ૨૫ દુકાનો-મોબાઈલ વેન ચાલુ કરાઈ છે. આ દુકાન-મોબાઈલ વેન ચાલુ કરાઈ છે. એક નવી પહેલ હેઠળ મણિપુરના લોકોને યોગ્ય વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે ૧૭ સપ્ટેમ્બરથી કેન્દ્રીય પોલીસ કલ્યાણ કેન્દ્ર સામાન્ય લોકો માટે ખોલી દેવાયા છે.