Get The App

પહલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ, પાકે. સેના ખડકી

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
પહલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ, પાકે. સેના ખડકી 1 - image


- પાકિસ્તાની સૈન્યનો સતત ત્રીજા દિવસે એલઓસી પર આખી રાત ભારે ગોળીબાર

- આતંકીઓ એકે-૪૭ અને એમ-૪ રાઈફલ લઈ ગાઢ જંગલોમાં ૨૨ કિ.મી. ચાલી પહલગામ પહોંચ્યા હતા : એનઆઈએની તપાસમાં ઘટસ્ફોટ

- મુંબઈના ૨૬-૧૧ની જેમ પાકિસ્તાનમાં કંટ્રોલરૂમ બનાવી પહલગામમાં પણ આતંકીઓને સૂચના આપવાનું કાવતરું હતું

- જમ્મુ-કાશ્મીરમાં પાંચ દિવસમાં સુરક્ષા દળોના ૫૦૦થી વધુ સ્થળે દરોડા

- યુદ્ધના ડરથી પાક.માં તમામ રેલવે સ્ટેશનો સેનાને સોંપાયાના અહેવાલ

- આતંકીઓએ કુપવાડામાં સ્થાનિક સામાજિક કાર્યકરને ઠાર કર્યો, સુરક્ષા દળોએ વધુ ત્રણ આતંકીઓના ઘર ઉડાવી દીધા

(પીટીઆઈ) શ્રીનગર/ઈસ્લામાબાદ, તા.૨૭

પહલગામમાં આતંકી હુમલાના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર છે. આવા સમયે પણ પાકિસ્તાનના સૈન્યે અંકુશ રેખા પર સતત ત્રીજા દિવસે ગોળીબાર ચાલુ રાખ્યો છે. ભારતીય સૈન્યે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. બીજીબાજુ ભારત પૂર્ણ સ્તરનું યુદ્ધ કરી શકે છે તેવો ડર પાકિસ્તાનને સતાવી રહ્યો છે, જેના પગલે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. પાકિસ્તાન એલઓસી પર સૈન્ય ખડકી રહ્યું છે. દરમિયાન એનઆઈએ પહલગામ હુમલાની તપાસ શરૂ કરી છે, જેમાં અનેક ઘટસ્ફોટ કરવામાં આવે તેવી શક્યતા છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરું વલણ અપનાવતા સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવા સહિત અનેક પગલાં લીધા છે. પહલગામમાં આતંકીઓએ નામ પૂછીને હિન્દુઓની ક્રૂરતાપૂર્ણ હત્યા  કરતાં ભારત સરકાર મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. ભારત પાકિસ્તન સાથે પૂર્ણ સ્તરનું યુદ્ધ શરૂ કરી શકે છે તેવા ડરથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે.

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના તંત્રે કટોકટી લાદવાની જાહેરાત કરી છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. ૨૫ એપ્રિલે ઝેલમ વેરીના સ્વાસ્થ્ય નિર્દેશાલયે જાહેર કરેલા આદેશમાં 'ઈમર્જન્સી સ્થિતિ'નો હવાલો અપાયો છે. બધી જ હોસ્પિટલો અને સ્વાસ્થ્ય યુનિટ્સમાં તબીબી કર્મચારીઓને પોતાની ફરજની જગ્યા પર તૈનાત રહેવા નિર્દેશ આપ્યો છે. પાકિસ્તાનમાં દવાઓનો સ્ટોક પણ કરવામાં આવી રહ્યો છે. 

પીઓકેના સરકારી તંત્રમાં જે પ્રકારનો ગભરાટ જોવા મળી રહ્યો છે તેની ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ નોંધ લીધી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આ ગભરાટમાં પાકિસ્તાન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) નજીક અસામાન્ય રીતે સેન્ય ખડકી શકે છે અથવા પહલગામ જેવા પ્રવાસન સ્થળો પર આતંકી હુમલા વધારી શકે છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ દક્ષિણ કાશ્મીરના પહલગામ અને આજુબાજુના વિસ્તારોમાં આતંકીઓના ઘૂસણખોરના પ્રયત્નો અને આતંકી પ્રવૃત્તિઓ ફરી સક્રિય થવાની આશંકા છે. પહલગામ અને અનંતનાગ જિલ્લામાં પેટ્રોલિંગ અને નિરીક્ષણ વધારી દેવાયા છે.

દરમિયાન નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઈએ)એ પહલગામ આતંકી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. આ હુમલાની તપાસમાં અનેક ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યા છે અને વધુ આંચકાજનક માહિતી સામે આવે તેવી સંભાવનાઓ છે. સૂત્રો મુજબ આ હુમલામાં પાંચથી સાત આતંકીઓ સંડોવાયેલા હોવાની સંભાવના છે. તેમને પાકિસ્તાનમાં તાલિમ મેળવેલા બે સ્થાનિક આતંકીઓએ મદદ કરી હોવાનું પણ મનાય છે. 

સૂત્રોએ જણાવ્યુ ંકે, આ આતંકીઓ એકે-૪૭ અને એમ-૪ રાઈફલો લઈને જંગલોમાં અંદાજે ૨૦થી ૨૨ કિ.મી. સુધી ચાલીને બૈસારન ઘાટી પહોંચ્યા હતા અને હિન્દુઓ વિરુદ્ધ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા પછી સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં અનેક લોકોની અટકાયત કરી છે તેમજ આતંકીઓને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયા છે.

સૂત્રોએ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે આતંકી ઘટના સમયે એક સ્થાનિક ફોટોગ્રાફરે હુમલાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. હુમલા સમયે ફોટોગ્રાફર બચવા માટે ઝાડ પર ચઢી ગયો હતો. તેનો આ વીડિયો તપાસ એજન્સીઓ માટે મહત્વનો પુરાવો બની ગયો છે. વધુમાં તપાસ મુજબ પહલગામ આતંકી હુમલા અંગે સૌથી પહેલો ફોન કોલ અંદાજે ૨.૩૦ કલાકે પોલીસ સ્ટેશનમાં થયો હતો. આ કોલ નેવીના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલનાં પત્ની હિમાંશી નરવાલે કર્યો હતો. સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં આતંકીઓ ભાગી ગયા હતા. એનઆઈએએ આ ઘટનાના પીડિતોના નિવેદનો નોંધવાના શરૂ કર્યા છે. 

એનઆઈએએ હુમલાના ડિજિટલ પુરાવા પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ અને કરાચી સ્થિત સુરક્ષિત સ્થળો સુધી ટ્રેસ કર્યા છે, જે આ હુમલામાં પાકિસ્તાનની સીધી સંડોવણીની પુષ્ટી કરે છે. માનવામાં આવે છે કે આ હુમલાને પણ મુંબઈના ૨૬-૧૧ સ્ટાઈલના કંટ્રોલ-રૂમ ઓપરેશનની જેમ કરવાના હતા.દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ હજુ પણ સક્રીય છે. કુપવારામાં આતંકીઓએ શનિવારે રાતે એક સ્થાનિક સામાજિક કાર્યકર ગુલામ રસૂલ માગરેને ગોળી મારી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ગુલામ રસૂલ પર હુમલાનું કારણ હજુ જાણી શકાયું નથી. બીજીબાજુ સુરક્ષા દળોએ આતંકીઓ પર તવાઈ ચાલુ રાખી હતી. સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બાંદિપોરા, પુલવામા અને શોપિયાં જિલ્લાઓમાં ત્રણ સક્રિય આતંકીઓના ઘર તોડી પાડયા હતા. શોપિયાંમાં અદનાન શફી, પુલવામામાં આમીર નઝિર અને બાંદિપોરામાં અહેમદ શેરગોજરીના ઘર તોડી પડાયા હતા. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસમાં કુલ નવ આતંકીઓના ઘર તોડી પડાયા છે અથવા આઈઈડીથી ઉડાવી દેવાયા છે.

પહલગામ હુમલા મુદ્દે અમેરિકન નિષ્ણાંતે પાક.ને ખુલ્લુ પાડયું

મોસ્કો સ્થિત સ્વતંત્ર અમેરિકન વિશ્લેષક એન્ડ્રયુ કોરિબકોએ કહ્યું કે, પાકિસ્તાને અપેક્ષા મુજબ ભારતના આરોપોનું ખંડન કરવાની સાથે આશ્ચર્યજનકરૂપે પોતાને જ બદનામ કરતા બે દાવા કર્યા. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે, પહલગામમાં હુમલો કરનારા સ્વતંત્રતા સેનાની હોઈ શકે છે. કોરિબકોએ લખ્યું કે, કાશ્મીર સંઘર્ષ અંગે કોઈના વિચાર ગમે તે હોઈ શકે છે, પરંતુ નિર્દોષ પર્યટકોનો નરસંહાર નિર્વિવાદરૂપે આતંકવાદી કૃત્ય છે. તેમની ધર્મના આધારે હત્યા કરાઈ તે વાત છોડી દઈએ તો પણ ગુનેગારો સ્વતંત્રતા સેનાની હોઈ શકે તેમ કહેવું એ દુનિયાભરના સાચા સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવા સમાન છે. આ સાથે ડાર ચાલાકીપુર્વક આતંકવાદને યોગ્ય ઠરાવે છે. કોરિબકોએ કહ્યું કે, પાકિસ્તાનના બે મંત્રીઓના વિરોધાભાસી નિવેદનો પહલગામ હુમલામાં પાકિસ્તાનની કથિત સંડોવણીના સંકેતો આપે છે.

- પાક. સેનામાં બે દિવસમાં ૫,૦૦૦ સૈનિકોએ નોકરી છોડયાનો દાવો

પહલગામમાં આતંકી હુમલાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક યુદ્ધ થવાની અટકળો થઈ રહી છે તેવા સમયે સોશિયલ મીડિયા પર બંને દેશોમાં સાચા-ખોટા સમાચારોનો મારો ચાલ્યો છે. આવા જ એક સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે કે ભારત સાથે યુદ્ધના ડરથી પાકિસ્તાનના સૈન્યમાં જવાનો અને અધિકારીઓ પરિવારના દબાણ હેઠળ રાજીનામા આપી રહ્યા છે. પાકિસ્તાની સેનામાં અંદાજે ૫,૦૦૦ જવાનો રાજીનામા આપીને પોતાના ઘરે પાછા ફરી ગયા છે. આ ઘટનાઓથી પાકિસ્તાની સેનામાં હડકંપ મચી ગયો છે. 

પાકિસ્તાની સૈન્યના અધિકારીઓ સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને પત્ર લખી રહ્યા છે અને કહે છે કે સૈનિકોના રાજીનામાનો સિલસિલો બંધ કરાવો નહીં તો આપણા જવાનોનું મનોબળ સંપૂર્ણપણે તૂટી જશે. આ પહેલાં બલુચિસ્તાન આર્મીએ જાફર એક્સપ્રેસ ટ્રેન રોકી અનેક પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવી મારી નાંખ્યાનો દાવો થયો હતો ત્યારે પણ એવા સમાચાર આવ્યા હતા કે બીએલએના ડરથી પાકિસ્તાની સેનામાં ૨૫૦૦ જેટલા સૈનિકોએ રાજીનામા આપી દીધા છે.

Tags :