Get The App

રાજસ્થાન, યુપીથી ઝારખંડ સુધી દેશમાં અલ કાયદાના મોટા મોડ્યુલનો ભાંડાફોડ,અનેકની ધરપકડ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
Al Qaeda-inspired module


Al Qaeda-inspired module: દેશમાં એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે એટીએસ સાથે મળીને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડના અનેક શહેરોમાં દરોડા પાડ્યા હતા. ઝારખંડ, યુપી અને રાજસ્થાનમાંથી અત્યાર સુધીમાં કુલ 14 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.

ઇન્ટેલિજન્સ ઇનપુટ પર હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં, અલ કાયદા દ્વારા પ્રેરિત મોડ્યુલનો પર્દાફાશ થયો હતો.

મળતી માહિતી પ્રમાણે, આ મોડ્યુલનું સંચાલન રાંચીના ડૉ. ઈશ્તિયાક કરી રહ્યો હતો. તે દેશના અલગ-અલગ વિસ્તારોમાં મોટી આતંકી ગતિવિધિઓને અંજામ આપવાનો પ્લાન બનાવી રહ્યો હતો. મોડ્યુલના સભ્યોને અલગ-અલગ જગ્યાએ હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી. પોલીસે રાજસ્થાનના ભિવાડીમાંથી હથિયાર ચલાવવાની તાલીમ લેતા 6 શકમંદોની અટકાયત કરી છે.

શકમંદોની પૂછપરછ કર્યા બાદ સ્પેશિયલ સેલની ટીમે ઝારખંડ અને યુપીમાં દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન કુલ 8 શકમંદોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

હાલમાં, વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે અને નેટવર્ક સાથે સંકળાયેલા વધુ શકમંદોની ધરપકડ થવાની ધારણા છે. હજુ પણ ઘણી જગ્યાએ ઓપરેશન ચાલુ છે અને હથિયારો, બોમ્બ, જેહાદી અને આતંકવાદી સાહિત્ય વગેરેની રિકવરી પણ ચાલુ છે.

દરોડા પહેલા ઇલ્તાફ ભાગી ગયો

લોહરદગા, રાંચી, હજારીબાગ વગેરે જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. લોહરદગા પોલીસ કેપ્ટન હરીશ બિન જમાને જણાવ્યું કે, એટીએસની ટીમ લોહરદગા કુડુ પોલીસ સ્ટેશન હેઠળના કૌવાખાપ ગામમાં દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન ઇલ્તાફ નામનો યુવક દરોડા પહેલાં જ સ્થળ પરથી ભાગી ગયો હતો. તેના ઘરેથી બે હથિયારો મળી આવ્યા છે. ઝારખંડમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

લોહરદગામાં હથિયાર સાથે ધરપકડ

ગુરૂવારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ લોહરદગા જિલ્લાના કુડુ બ્લોકના હેંઝલા પંચાયતના કૌવાખાપ ગામમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી કરી હતી. તેમણે ગામના એક યુવકની બે હથિયારો સાથે ધરપકડ કરી છે અને તેને પોતાની સાથે લઈ ગઈ છે. આ અંગે ATSની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સીડીપીઓ શ્રદ્ધા કેરકેટાએ દરોડાની પુષ્ટિ કરી છે, પરંતુ ધરપકડ કરાયેલો યુવક કઈ સંસ્થાનો છે,તેનું નામ શું છે તે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.


Google NewsGoogle News