Get The App

15 લાખની ઘડિયાળ પહેરનારને કોઈ શું ઓફર આપશે?: કોંગ્રેસ સાથે 'ગેમ' કરનાર અક્ષય બમે ભાજપ સાથે ડીલ મામલે આપ્યો જવાબ

Updated: May 2nd, 2024


Google NewsGoogle News


15 લાખની ઘડિયાળ પહેરનારને કોઈ શું ઓફર આપશે?: કોંગ્રેસ સાથે 'ગેમ' કરનાર અક્ષય બમે ભાજપ સાથે ડીલ મામલે આપ્યો જવાબ 1 - image

Image Source: Twitter

Lok Sabha Election 2024, Akshay bam break his silence: સુરત બાદ ઈન્દોર બેઠક પર કોંગ્રેસ પક્ષ સાથે ખેલ થઈ ગયો છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ જ પરત ખેંચી લીધું છે. ઈન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે નાટકીય રીતે ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા તેના પર રૂપિયા લઈ બેસી જવાનો આરોપ લાગ્યો હતો. હવે અક્ષય બમે ભાજપ સાથે ડીલ મામલે જવાબ આપ્યો છે તેમણે આ તમામ આરોપોને નકારી કાઢતા જણાવ્યું છે કે મેં પહેરેલી ઘડિયાળ જ 15 લાખ રૂપિયાની છે તો મને કોઈ શું ઓફર આપશે?

ભાજપ સાથે કોઈ ડીલ હેઠળ જોડાયા હોવાના આરોપને નકારી કાઢ્યા

અક્ષય બમે 29મી એપ્રિલના રોજ લીધેલા પગલાંના લીધે ઈન્દોરની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.  બમ તે જ દિવસે ભાજપમાં જોડાઈ ગયા હતા. આ સાથે જ તેમણે ભાજપ સાથે કોઈ ડીલ હેઠળ જોડાયા હોવાના આરોપને નકારી કાઢ્યા છે.

બમે પોતાની એફિડેવિટમાં 55.28 કરોડની સંપત્તિની જાહેરાત કરી છે. તેમા તેની 14.05 લાખ રૂપિયાની કાંડા ઘડિયાળ પણ સામેલ છે. તેમણે કોંગ્રેસના તે આરોપને નકારી કાઢ્યો છે કે ભગવા કેમ્પને ચૂંટણીનો જ ડર લાગતો હોવાથી હવે તે સીધા તેના ઉમેદવારોને ઉઠાવી રહી છે.

અગાઉની ચૂંટણીમાં બમે કોંગ્રેસ પાસે ઈન્દોર-4ની વિધાનસભા બેઠક માંગી હતી. આ બેઠકને કોંગ્રેસ માટે અત્યંત મુશ્કેલ બેઠકોમાં એક ગણવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે આટલી મુશ્કેલ બેઠક પર લડવા ઉત્સુક ઉમેદવારને પરાજયનો ડર કેવી રીતે હોય. 

ખસી ગયાના પાંચ દિવસ પહેલા બમ પર કોર્ટે હત્યાના પ્રયત્નનો આરોપ લગાવ્યો હતો

અહીં રસપ્રદ વાત એ છે કે બમે ઉમેદવારીપત્ર પરત ખેંચ્યુ તેના પાંચ દિવસ પહેલા ઈન્દોરની કોર્ટે તેના પર 2007માં જમીન વિવાદના કેસમાં કલમ 307 લગાવી હતી. કલમ 307 હત્યાના પ્રયાસ બદલ લાગે છે. તેમા તેમના પિતા અને બીજાને પણ ઉમેરવામાં આવ્યા હતા. કોર્ટે બમ અને બીજા લોકોને દસમી મેના રોજ હાજર થવા આદેશ આપ્યો હતો.


Google NewsGoogle News