Get The App

2002 અક્ષરધામ હુમલાના આતંકવાદી ઘોરીએ હવે ભારતીય ટ્રેનોને ઉડાવી દેવાની ધમકી આપી

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
2002 અક્ષરધામ હુમલાના આતંકવાદી ઘોરીએ હવે ભારતીય ટ્રેનોને ઉડાવી દેવાની ધમકી આપી 1 - image


Blast Threat : ભારતમાં છેલ્લા કેટલાક સમયથી થતા મોટાભાગના આતંકી હુમલાઓ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં જ થાય છે પરંતુ એક મોટો અને શંકાસ્પદ હુમલો ભારતના દક્ષિણ છેવાડે રામેશ્વરમમાં થયો હતો અને આ હુમલાએ ગુપ્તચર એજન્સીઓની ઉંઘ ઉડાડી દીધી હતી. પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં બોમ્બ બ્લાસ્ટની જવાબદારી પાકિસ્તાન સ્થિત એક આતંકવાદી ફરહતુલ્લા ઘોરીએ સ્વીકારી હતી. હવે ફરી ઘોરીએ ભારતીય રેલવેને ટાર્ગેટ કરવાનો પ્લાન ઘડ્યો છે.

15મી ઓગસ્ટથી દિવાળી સુધી હવે તહેવારોની સીઝનને કારણે ભારતમાં ગુપ્તચર એજન્સીઓ આજકાલ હાઈ એલર્ટ મોડ પર જ હોય છે. તેવામાં આતંકી ફરહતુલ્લા ઘોરીનો વધુ એક વીડિયો એજન્સીઓની ચિંતામાં વધારો કરનારો છે. આ વીડિયોમાં ઘોરી ભારતમાં સ્લીપર સેલ દ્વારા દેશભરની ટ્રેનો પર હુમલા કરવાની વાત કરી રહ્યો છે. ભારતમાં ભાગેડુ જાહેર થયા બાદ ઘોરી પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI)ની મદદથી સ્લીપર સેલ દ્વારા બેંગ્લોરમાં રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટની યોજના ઘડી હતી.

રેલવેને પાટા પરથી ઉતારવાની ધમકી :

મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદી ફરહતુલ્લા ઘોરીએ સ્લીપર સેલની મદદથી ભારતમાં રેલવે નેટવર્કને પાટા પરથી ઉતારવાની હાકલ કરી છે. વીડિયોમાં તે પ્રેશર કૂકરનો ઉપયોગ કરીને બોમ્બ વિસ્ફોટ કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે વાત કરતો જોવા મળે છે. પેટ્રોલ અને ગેસની પાઈપલાઈન ઉડાડવાની પણ વાત કરી રહ્યો છે. ઘણા હિંદુ નેતાઓ પણ આતંકીના નિશાને છે. 

વીડિયોમાં ઘોરી કહી રહ્યો છે કે, “ભારત સરકાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (NIA) દ્વારા મારી મિલકતોને ટાર્ગેટ કરીને સ્લીપર સેલને નબળી બનાવી રહ્યાં છે પરંતુ અમે પાછા આવીશું અને સરકારને હલાવીશું.” રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો લગભગ ત્રણ અઠવાડિયા પહેલા ટેલિગ્રામ પર રીલિઝ કરવામાં આવ્યો હતો.

રામેશ્વરમ બ્લાસ્ટનો કર્તાધર્તા :

2002 અક્ષરધામ હુમલાના આતંકવાદી ઘોરીએ હવે ભારતીય ટ્રેનોને ઉડાવી દેવાની ધમકી આપી 2 - image1 માર્ચે રામેશ્વરમ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા. 3 માર્ચે NIAએ કેસ સંભાળ્યા બાદ તપાસ કરીને 12 એપ્રિલે બે મુખ્ય આરોપી અબ્દુલ મતીન અહેમદ તાહા અને મુસાવીર હુસૈન શાજીબની ધરપકડ કરી હતી. તાહા આ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ હતો. શાજીબે કાફેમાં IED મૂક્યો હતો. બંનેની કોલકાતા પાસેની એક લોજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બંને ઈસ્લામિક સ્ટેટ (IS) મોડ્યુલના સભ્યો છે. આ જ મોડ્યુલના સભ્ય શારિકે નવેમ્બર 2022માં મેંગલુરુમાં વિસ્ફોટ કર્યો હતો.

ફરહતુલ્લા ઘોરી અને તેમના જમાઈ શાહિદ ફૈઝલ દક્ષિણ ભારતમાં સ્લીપર સેલનું મજબૂત નેટવર્ક ધરાવે છે. ફૈઝલ રામેશ્વરમ કાફે બ્લાસ્ટના બંને આરોપીઓના સંપર્કમાં હતો અને આ કેસમાં મુખ્ય હેન્ડલર હતો.

કોણ છે ફરહતુલ્લા ઘોરી?

ફરહતુલ્લા ઘોરીને અબુ સુફયાન, સરદાર સાહેબ અને ફારુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનેક હાઈ-પ્રોફાઈલ હુમલાઓમાં તેની સંડોવણી રહી છે. ગુજરાતમાં 2002માં અક્ષરધામ મંદિર હુમલામાં પણ તેનો હાથ હતો. આ હુમલામાં 33થી વધુ લોકો માર્યા ગયા હતા અને 80 લોકો ઘાયલ થયા હતા. હૈદરાબાદમાં ટાસ્ક ફોર્સની ઓફિસ પર 2005માં થયેલા આત્મઘાતી હુમલા પાછળ પણ તેનો હાથ હતો.

દિલ્હી પોલીસે ગયા વર્ષે રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર પ્રદેશમાંથી ત્રણ મોસ્ટ-વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કર્યા બાદ કહ્યું હતું કે ઘોરી ઓનલાઈન જેહાદી ભરતીનું આયોજન કરી રહ્યો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો કે ઘોરી આતંકીઓનો હેન્ડલર હતો. થોડા મહિનાઓ પહેલા દિલ્હી પોલીસે પૂણે-આઈએસઆઈએસ મોડ્યુલના દેશભરમાંથી અનેક આતંકવાદીઓની ધરપકડ કરીને ઘોરીનું નામ રેકોર્ડમાં લીધું હતું.


Google NewsGoogle News