અયોધ્યા રામમય બની : રામ મંદિર કાલથી દર્શન માટે ખુલ્લું, કરોડો હિન્દુઓની આતુરતાનો પાંચસો વર્ષ બાદ અંત
પ્રાણ પ્રતિષ્ઠા પછી સરયુ નદીના કિનારે રંગારંગ કાર્યક્રમ, ઈકો ફ્રેન્ડલી આતશબાજી કરાશે
૨૦૦ કલાકારો વિવિધ રાજ્યોનું સાંસ્કૃતિક પરફોર્મન્સ કરશે
અખિયાં હરિ દર્શન કી પ્યાસી
Ram Mandir Ayodhya : દેશમાં ૫૦૦ વર્ષ કરતાં વધુના સંઘર્ષ પછી કરોડો હિન્દુઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે. સોમવારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામ મંદિરની સ્થાપના માટેની કરોડો ભારતીયોની આતુરતાનો અંત આવી જશે. પરંતુ આ પહેલાં ભારતીયોની સ્થિતિ પ્રખ્યાત હિન્દી ભજન 'અંખિયા હરિ-દરસન કી પ્યાસી, દેખ્યો ચાહતિ કમલનૈન કો, નિસિ-દિન રહતિ ઉદાસી' જેવી થઈ ગઈ છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના આગમન માટે અયોધ્યા નગરી શણગારો સજી-ધજીને તૈયાર થઈ ગઈ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં અરિચલ મુનાઈ પાસે રામ મંદિરમાં પૂજા કરીને દક્ષિણ ભારતમાં રામાયણ સાથે સંકળાયેલા મંદિરોમાં ભગવાનના દર્શન કરી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં તેમની આધ્યાત્મિક યાત્રા પૂરી કરી છે.
ભગવાન રામની નગરી અયોધ્યા રામમય બની ગઈ છે. રામલલાની શ્યામવર્ણી પ્રતિમાની ગુરુવારે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના કરી દેવાઈ છે. હવે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મિક વિધિ પૂરી થવાની રાહ જોવાઈ રહી છે. માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં પાંચ લાખથી વધુ મંદિરોમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે અને અંદાજે ૧૦ કરોડથી વધુ લોકો આ સમારંભના સાક્ષી બનશે તેમ માનવામાં આવે છે. સિડનીથી લઈને વોશિંગ્ટન ડીસી સુધી દુનિયાભરમાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારંભની સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આવા સમયે માત્ર અયોધ્યા કે ભારત જ નહીં આખા વિશ્વની નજર સોમવારે યોજાનારા ભગવાન રામનીપ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પર છે.
પીએમ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ૧૧ દિવસથી અનુષ્ઠાન કર્યું છે. વધુમાં રામલલાની શ્યામવર્ણી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલાં પીએમ મોદીએ રવિવારે તમિલનાડુમાં અરિચલ મુનાઈ પાસે રામ મંદિરમાં પૂજા કરીને દક્ષિણ ભારતમાં રામાયણ સાથે સંબંધિત મંદિરોમાં ભગવાનના દર્શન-દાન કરીને તેમની આધ્યાત્મિક યાત્રા પૂરી કરી છે. પીએમ મોદીએ રવિવારે સમુદ્રનું જળ હાથમાં લઈને પ્રાર્થના કરી અને અર્ધ્ય આપ્યું. હવે પીએમ મોદી સોમવારે સવારે અયોધ્યા મંદિર પહોંચશે અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે.
ભારતના રાજકીય અને ધાર્મિક ઈતિહાસમાં છેલ્લી કેટલીક સદીઓમાં પહેલી વખત 'ન ભૂતો ન ભવિષ્યતિ'ની જેમ અયોધ્યાએ અત્યાધુનિકટેક્નોલોજીથી સજ્જ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અસાધારણ વિકાસ જોયો છે. આ સાથે પૌરાણિક નગરી જાણે રાખમાંથી બેઠી થઈ હોય તેમ પુનર્જીવીત થઈ ગઈ છે. અયોધ્યા શહેરમાં 'શુભ ઘડી આયી', 'તૈયાર હૈ અયોધ્યા ધામ, વિરાજેગેં શ્રીરામ' અને 'અયોધ્યા મેં રામ રાજ્ય' જેવા સૂત્રોચ્ચાર ગુંજી રહ્યા છે. વધુમાં શહેરના રસ્તાઓ, દુકાનો અને મકાનોએ ફૂલોનો શણગાર સજ્યો છે. રામ મંદિરના ઉદ્ઘાટન માટે રામ જન્મભૂમિ આંદોલનમાં શહીદ થયેલા કારસેવકોના પરિવારજનોથી લઈને ગરીબ રામ ભક્તોને પણ આમંત્રણ અપાયું છે.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અંદાજે ૧૨,૦૦૦ જેટલા વિશેષ આમંત્રિત મહેમાનોનું અયોધ્યામાં આગમન શરૂ થઈ ગયું છે. આ આમંત્રિત મહેમાનોમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, આનંદ મહિન્દ્રા, કુમાર મંગલમ બિરલા, હર્ષ ગોયન્કા સહિત ટોચના ઉદ્યોગપતિઓથી લઈને રજનીકાંત, અમિતાભ બચ્ચન, અજય દેવગણ, અનુપમ ખેર, અનુષ્કા શર્મા, કંગના રનૌત જેવા હિન્દી ફિલ્મના કલાકારો તેમજ મોહનલાલ, ચિરંજીવી, અલ્લુ અર્જુન, યશ સહિતના દક્ષિણ ભારતીય કલાકારો, સચીન તેંડુલકર, વિરાટ કોહલી, અનિલ કુંબલે જેવા ક્રિકેટર્સનો સમાવેશ થાય છે. આ સિવાય રાજકીય અને અન્ય ક્ષેત્રોના પદ્મ વિજેતા મહેમાનો પણ રામ મંદિરના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેશે.
સુપ્રીમ કોર્ટે ૨૦૧૯માં રામલલા વિરાજમાનની તરફેણમાં ચૂકાદો આપી રામ મંદિરની સ્થાપનાને મંજૂરીની મહોર માર્યા પછી કરોડો હિન્દુઓ આ ઘડીની રાહ જોઈ રહ્યા હતા. સુપ્રીમના ચૂકાદા પછી યુદ્ધના ધોરણે કોરોના મહામારી વચ્ચે પણ રામ મંદિરના નિર્માણનું કાર્ય સતત ચાલતુ રહ્યું અને અંતે અનેક અવરોધો પાર કરીને ત્રણ તબક્કામાં પરંપરાગત નાગર શૈલીમાં તૈયાર થનારા રામ મંદિરના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર ૩૮૦ ફૂટ લાંબુ, ૨૫૦ ફૂટ પહોળું અને ૧૬૧ ફૂટ ઊંચું છે. ત્રણ માળના મંદિરનો પ્રત્યેક માળ ૨૦ ફૂટ ઊંચો છે અને મંદિરમાં ૩૯૨ સ્તંભ તથા ૪૪ દરવાજા છે.