અખિલેશની જેમ તેજસ્વી બિહારમાં ભાજપને રોકવામાં કેમ સફળ ના રહ્યા?, સમજો તેના કારણ
Bihar Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી-2024ના પરિણામોમાં નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (NDA)ને સૌથી વધુ બિહારમાં સફળતા મળી છે. એનડીએએ આ રાજ્યની 40માંથી 30 બેઠકો જીતી લીધી છે. ભાજપને અહીં નવ બેઠકો મળી છે, તો સહયોગી પક્ષો જનતા દળ યુનાઈટેડ (JDU) અને લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, દેશમાં બહુમતીના આંકડાથી દુર રહેલી ભાજપના વહારે નીતીશ કુમારે આવ્યા છે અને તેમની પાર્ટી જેડીયુએ રાજ્યમાં 12 બેઠકો જીતી ગેમચેન્જર સાબિત થઈ છે. બીજીતરફ ભાજપને સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ફટકો પડ્યો છે. આ રાજ્યમાં નબળા કહેવાતા પક્ષો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ભાજપને મોટો ઝટકો આપ્યો છે, જેના કારણે ભાજપે 80માંથી માત્ર 33 બેઠકો જીતી સંતોષ માનવો પડ્યો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં ઈન્ડિ ગઠબંધનનો નવો દબદબો ઉભો કર્યો છે, જ્યારે બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે ઈન્ડિ ગઠબંધનને નિરાશ કર્યા છે. તો જાણીએ અખિલેશની જેમ તેજસ્વી બિહારમાં ભાજપને રોકવામાં કેમ સફળ ના થયા ?
બિહારમાં ઈન્ડિ ગઠબંધનનું નેતૃત્વ તેજસ્વીના હાથમાં હતું
બિહારમાં લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે વિપક્ષના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે પોતાની પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની 40 બેઠકોમાંથી ભાજપે 17, જેડીયુએ 16, LJPએ છ, કોંગ્રેસે એક બેઠક જીતી હતી. જ્યારે આરજેડી એકપણ બેઠક જીત શક્યું ન હતું, તેથી આ વખતની ચૂંટણીમાં તેજસ્વી યાદવની પાર્ટીએ સુધારો કરી બે બેઠકો જીતી હતી. જોકે મહત્વની વાત એ છે કે, તેજસ્વી બિહારમાં અખિલેશ જેવી સફળતા મેળવી શક્યા નથી.
અખિલેશની પાર્ટી ઈન્ડિ ગઠબંધન માટે ગેમચેન્જર સાબિત થઈ
સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી 62 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે કોંગ્રેસે 17 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી સપાએ 37, કોંગ્રેસે છ અને આરએલડીએ બે બેઠકો જીતી હતી. સમાજવાદી પાર્ટીએ પોતાના મુસ્લિમ-યાદવ (MY) મતદારો જાળવી રાખવા માટે અને બિન-યાદવ ઓબીસીના મતોમાં સેંધ લગાવવા માટે યાદવ સમુદાયના માત્ર પાંચ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ ઉમેદવારો પાર્ટી સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના પરિવારના હતા. સપાએ વર્ષ 2019માં 37 ઉમેદવારોમાંથી 10 યાદવ ચહેરાઓને ટિકિટ આપી હતી.
સપાને માત્ર ચાર મુસ્લિમને ટિકિટ આપી હતી
સપાએ આ વખતે માત્ર ચાર મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. વાસ્તવમાં અખિલેશે મુસ્લિમોને ઓછી ટિકિટ આપી પોતાનો વોટ શેર વધારવાનો પ્રયાસ કર્યો હતો. તેમના આ પ્રયાસોની અસર મુસ્લિમ-યાદવ વર્ગ, પછાત, દલિત, લઘુમતી વર્ગ સુધી પહોંચી હતી. પાર્ટીએ આ વખતે બિન-યાદવ ઓબીસી વર્ગના 27 ઉમેદવારો, દલિત-અનુસૂચિત જાતિ (SC)ની અનામત બેઠકો પર 15 ઉમેદવારો અને સામાન્ય મતવિસ્તારમાં 11 ઉચ્ચ જાતિના ઉમેદવારોને ટિકિટ આપી હતી.
તેજસ્વી યાદવ કેમ નિષ્ફળ ગયા?
સમાજવાદી પાર્ટીએ દલિતો સુધી પહોંચ વધારવાના પ્રયાસો હેઠળ રાજ્યની સૌથી મહત્વની બેઠક ફૈજાબાદ (અયોધ્યા) બેઠક પરથી એક પાસી (દલિત) ઉમેદવાર અવધેશ પ્રસાદને મેદાનમાં ઉતાર્યા હતા, જેનો વિજેતા થયા. તેજસ્વીએ પણ આરજેડીના પાયાને તેની પરંપરાગત ‘એમ-વાય’ વોટ બેંકથી આગળ વધારવાના પ્રયાસો કર્યા છે, પરંતુ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે તેમને વધુ સફળતા મળી નથી. બિહારમાં કોંગ્રેસે 23 તો આરજેડીએ નવ બેઠકો પર ચૂંટણી લડી હતી.
તેજસ્વીની પાર્ટી આ બેઠકો પર થઈ સફળ
તેજસ્વીની પાર્ટી ઓરંગાબાદમાં ઓબીસી કુશવાહા મતદારોને વિભાજીત કરવામાં સફળ થઈ છે. આરજેડીએ અહીંથી ઓછા જાણીતા અભય કુશવાહાને તો ભાજપે વર્તમાન સાંસદ સુશીલ કુમાર સિંહને ટિકિટ આપી હતી, જેમાં કુશવાહાનો વિજય થયો હતો. કેટલીક મહત્વની બેઠકો પર પણ આરજેડીની અસર જોવા મળી છે અને પોતાના મતદારો ઈન્ડિ ગઠબંધન તરફ વાળવામાં પાર્ટી સફળ થઈ છે. આ મહત્વનની બેઠકોમાં આરાનો પણ સમાવેશ થાય છે, જ્યાં સીપીઆઈ (એમએલ)ના એલ.કે.સુદામા પ્રસાદે ભાજપના હાઈ-પ્રોફાઈલ ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહને માત આપી છે. આ ઉપરાંત સાસારામ બેઠક પર કોંગ્રેસના મનોજ કુમારે ભાજપના શિવેશ કુમારને હરાવ્યા છે. આમ રાજ્યની ઘણા બેઠકો પરના આરજેડીના મતદારો ઇન્ડિ ગઠબંધન તરફ વળ્યા છે.
કુલ મતદારોમાંથી કયા પક્ષને કેટલા ટકા મત મળ્યા?
કુલ મતદારોમાંથી સૌથી વધુ મતો તેજસ્વી યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળને 22.14 ટકા મત મળ્યા છે. ત્યારબાદ ભાજપને 20.52 ટકા, જેડીયુને 18.52 ટકા મત મળ્યા છે. રાજ્યમાં આરજેડીને સૌથી વધુ મત મળ્યા, પરંતુ તેઓ બેઠકો જીતવામાં સફળ થયા નથી. રાજ્યના મતદાન કરનારા કુલ મતદારોમાંથી ઈન્ડિ ગઠબંધનને 37 ટકાનું સમર્થન મળ્યું છે, જ્યારે એનડીએને 45 ટકા મતદારોએ મત આપ્યા છે. ગત ચૂંટણીમાં એનડીએએ 39 બેઠકો જીતી કુલ 54 ટકા મતો મેળવ્યા હતા. જ્યારે વિપક્ષોને 32 ટકા મત મળ્યા હતા.