અખિલેશ યાદવ મારો ફોન....:સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન તૂટવા પર BSP ચીફ માયાવતીનો મોટો ખુલાસો
Image Source: X
UP Politics: સમાજવાદી પાર્ટી સાથે બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન કેમ તૂટ્યું? હવે આ અંગે બસપા સુપ્રીમો માયાવતીએ મોટો ખુલાસો કર્યો છે. બસપા પ્રમુખે કહ્યું કે, લોકસભા ચૂંટણી 2019માં સમાજવાદી પાર્ટીને માત્ર પાંચ બેઠકો મળી હતી. તેનાથી હતાશ થઈને અખિલેશ યાદવે મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. બસપા ચીફ માયાવતીએ આ દાવો પોતાની બુકલેટમાં કર્યો છે. બસપાની આ બુકલેટ પેટાચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે અધિકારીઓ અને કાર્યકર્તાઓને વહેંચવામાં આવી રહી છે.
માયાવતીએ બુકલેટમાં કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં સપાને પાંચ બેઠકો મળી હતી. જ્યારે બસપાને 10 બેઠકો મળી હતી. તેમણે કહ્યું કે મુખ્ય કારણ એ હતું કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ બુકલેટમાં માયાવતીએ સપા સાથે બે વખત ગઠબંધન તોડવાનું કારણ જણાવ્યું છે.
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં બસપાના સભ્યોને 59 પાનાની અપીલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બુકલેટમાં માયાવતીએ પોતાની અપીલમાં સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધનને ફરીથી યાદ કર્યું. જેની શરુઆત વર્ષ 1993માં થઈ હતી જ્યારે કાંશીરામે મુલાયમ સિંહ યાદવ સાથે ગઠબંધન કર્યું હતું. માયાવતીએ કહ્યું કે તે ગઠબંધન તૂટવાનું કારણ લખનૌ ગેસ્ટ હાઉસ કાંડ હતો.
માયાવતીએ કહ્યું કે, મુલાયમ સરકારના કાર્યકાળ દરમિયાન દલિતો, પછાત વર્ગો અને મહિલાઓ પર થયેલા કથિત અત્યાચારો બાદ બસપાએ 1 જૂન 1995ના રોજ મુલાયમ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું, જેના બીજા દિવસે લખનૌ ગેસ્ટ હાઉસમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. 3 જૂન 1995ના રોજ માયાવતીએ સપા વિરોધી પાર્ટીના સમર્થનથી પ્રથમ બસપા સરકાર બનાવી. ત્યારબાદ બસપાએ ઘણા વર્ષો સુધી સપાથી અંતર જાળવી રાખ્યું.
માયાવતીએ અખિલેશ પર નિશાન સાધતાં કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં અખિલેશને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અને બંધારણ તથા અનામતની રક્ષાના નામ પર પીડીએ (પછાત, દલિત, લઘુમતી)ને ગેરમાર્ગે દોરીને 'કેટલીક સફળતા' મળી છે. તેમણે આરોપ લગાવ્યો કે, પરંતુ પીડીએના લોકોને આનાથી કંઈ નહીં મળે. તેમણે સમાજવાદી પાર્ટીથી સાવધાન રહેવાની જરૂર છે.