આજે નહીં તો કાલે યોગી છોડી દેશે ભાજપ: અખિલેશ યાદવના નિવેદનથી યુપીમાં ખળભળાટ
Akhilesh yadav Claim: ઉત્તર પ્રદેશમાં સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે હાલ બુલડોઝર વિવાદ અંગે રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અંગે મોટો નિવેદન આપ્યું છે. અખિલેશ યાદવે બુલડોઝર અંગે મુખ્યમંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા દાવો કર્યો હતો કે આજે નહીં તો કાલે યોગી આદિત્યનાથ ભાજપ છોડી પોતાની અલગ પાર્ટી બનાવશે. અખિલેશ યાદવના આ નિવેદન બાદ યુપીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
શું કહ્યું અખિલેશ યાદવે?
અખિલેશ યાદવે સીએમ યોગી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 'જો તમે અને તમારું બુલડોઝર આટલું જ સફળ છે તો અલગ પાર્ટી બનાવી બુલડોઝરના ચિહ્ન સાથે ચૂંટણી લડો. તમારો ભ્રમ અને ઘમંડ તૂટી જશે. આમ પણ તમારી જે સ્થિતિ છે, તે મુજબ તમે ભાજપમાં હોવા છતાં ન હોવા બરાબર છો. આજે નહીં તો કાલે તમારે નવી પાર્ટી બનાવવી જ પડશે.'
સીએમ આવાસ અંગે પણ આપ્યું નિવેદન
સપા પ્રમુખે સીએમ આવાસ પર સલાવ ઉઠાવતા કહ્યું કે, 'જો નકશો જ પ્રશ્ન છે તો સરકાર એ જણાવે કે શું મુખ્યમંત્રી આવાસનો નકશો પાસ થયો છે? અને જો થયો છે તો ક્યારે થયો છે? તમે આ સ્પષ્ટ કરી દો અથવા કાગળ બતાવી દો. આનો અર્થ એ થાય છે કે તમે ઇરાદાપૂર્વક બુલડોઝર ચલાવ્યા છે. તમે લોકોને નીચું બતાવવા માંગતા હતા, તમારી સરકારે ઘમંડમાં આવીને બુલડોઝર ચલાવ્યા છે. જે લોકો બુલડોઝર લઇ લોકોને ડરાવતા હતા, લોકોના ઘર તોડી પાડતા હતા શું તેઓ નકશા માંગતા હતા?'
આ પણ વાંચોઃ ત્રણ રાજ્યોની ચૂંટણીમાં આ ખાસ વ્યૂહનીતિ અપનાવી શકે છે ભાજપ, PMએ કરી હતી અપીલ
સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે 2 સપ્ટેમ્બરે આરોપીઓના ઘરો અને સંપત્તિઓને તોડી પાડવાની વધતી પ્રવૃત્તિની ટીકા કરી હતી. કોર્ટે આ પ્રવૃત્તિને 'બુલડોઝર ન્યાય' ગણાવતા કહ્યું હતું કે, 'આ મુદ્દાના ઉકેલ માટે કોર્ટ દિશા-નિર્દેશ જાહેર કરશે.'