'યુપીમાં દબાણ હોય ત્યાં બુલડોઝર ચાલે છે...' લોકસભામાં અખિલેશે એવું તો શું કહ્યું કે ભાજપ સાંસદો પણ ચોંક્યા
Akhilesh Yadav in Loksabha : દિલ્હીના રાઉ IAS કોચિંગ સેન્ટરના UPSCની તૈયારી કરતા ત્રણ ઉમેદવારોના મોતથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. જેને લઈને આજે (29 જુલાઈ) લોકસભામાં બજેટ અંગે ચાલી રહેલી ચર્ચા દરમિયાન કોચિંગ સેન્ટરની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં દેશની સૌથી ઉચ્ચકક્ષાની પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ સેન્ટરોની બેદરકારી અંગે વિપક્ષ દ્વારા સંસદના નીચલા ગૃહમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કોચિંગ સેન્ટરની ઘટના પર સવાલો ઉઠાવવાની સાથે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની બુલડોઝરની કામગીરીને લઈને પ્રશંસા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ‘તો શું અંબાણી-અદાણીને A1 અને A2 કહું...’ સ્પીકરે વાંધો ઉઠાવતા રાહુલ ગાંધીનો જવાબ
શું દિલ્હી સરકાર અહીં બુલડોઝર ચલાવશે કે નહીં?
લોકસભામાં દિલ્હીના કોચિંગ સેન્ટરની ઘટનામાં ત્રણ વિદ્યાર્થીના મોત પર ભારે સવાલ-જવાબ કરવામાં આવ્યાં હતા. જેમાં ઉત્તર પ્રદેશના કન્નૌજના સાંસદ અને સપાના વડા અખિલેશ યાદવે કહ્યું, 'દિલ્હીમાં કોચિંગ સેન્ટરમાં બનેલી ઘટના અતિશય દર્દનાક છે. આ દરમિયાન યોગ્ય આયોજન કરવુ અને NOC આપવાની જવાબદારી સત્તાધીશોની છે. પરંતુ જવાબદાર કોણ છે અને તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે એ એક મોટો પ્રશ્ન છે. આ માત્ર ગેરકાયદે બાંધકામનો મામલો નથી.' આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી સરકારને ઉદ્દેશીને કહ્યું હતું કે, 'અમે યુપીમાં જોઈ રહ્યા છીએ કે ગેરકાયદેસર ઈમારતો પર બુલડોઝર ચલાવવામાં આવે છે. તેવામાં શું દિલ્હી સરકાર અહીં બુલડોઝર ચલાવશે કે નહીં?'
આ પણ વાંચો : 'કોચિંગ ક્લાસીસ હવે બિઝનેસ બની ગયા છે...' UPSC વિદ્યાર્થીઓના મોત અંગે ઉપરાષ્ટ્રપતિ
ત્રણના ભોગ બાદ MCDની ઊંઘ ઊડી
નોંધનીય છે કે, રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જેમાં કોચિંગ સેન્ટરની સાથે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની (MCD) બેદરકારી પણ છતી થાય છે, ત્યારે 26 જૂનના દિવસે એક વિદ્યાર્થી દ્વારા કોચિંગને લઈને MCDમાં ફરિયાદ કરી હતી. પરંતુ ઘટના પછી MCDની ઊંઘ ઊડી હતી. આ બધા વચ્ચે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ વેબસાઈટ પર હજુ કામગીરી હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.