અખિલેશ યાદવ 'INDIA' ગઠબંધનનો હિસ્સો નથી: કોંગ્રેસી નેતાના દાવા પર રાજકારણ ગરમાયુ
Image Source: Twitter
- અખિલેશ યાદવ કેન્દ્રીય તપાસ એજન્સી ED અને CBIથી ડરી રહ્યા છે: આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
નવી દિલ્હી, તા. 25 ડિસેમ્બર 2023, સોમવાર
આગામી લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી જૂથ 'INDIA' ગઠબંધને કમર કસી લીધી છે. થોડા દિવસો પહેલા જ વિપક્ષી નેતાઓની દિલ્હીમાં બેઠક થઈ હતી. જોકે, સીટ વહેંચણી અંગે વિપક્ષી નેતાઓ વચ્ચે હજુ સુધી સંમતિ નથી બની અને વિપક્ષી ગઠબંધનની એકતા પર સતત સવાલ ઉઠી રહ્યા છે.
આ વચ્ચે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે સમાજવાદી પાર્ટી નેતા અખિલેશ યાદવ અંગે એક મોટું નિવેદન આપી દીધુ છે. તેમણે કહ્યું કે, અખિલેશ યાદવની દુકાન બંધ થઈ ચૂકી છે અને તેઓ વિપક્ષી ગઠબંધ 'INDIA'નો હિસ્સો નથી.
એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપતી વખતે કોંગ્રેસ નેતાએ સપા અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, સમાજવાદી પાર્ટી રામ વિરોધી પાર્ટી છે, તે હિન્દુ વિરોધી છે, તે મંદિર વિરોધી પાર્ટી છે અને તેમની દુકાન બંધ થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે, અખિલેશ યાદવ ખોટું બોલે છે. તેમની દુકાનમાં કોઈ સામાન નથી બચ્યો. તેમની દુકાન બંધ થઈ ચૂકી છે. તેઓ કોઈ પણ ગઠબંધનનો હિસ્સો નથી. તેઓ કેન્દ્રીય તપાસ એજન્સી ED અને CBIથી ડરી રહ્યા છે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આમને-સામને હતી. અખિલેશ યાદવે ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું.