સંભલ વિવાદ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- ‘ભાજપ નેતાઓના ઘર ખોદીશું તો...’
Akhilesh Yadav On Sambhal Controversy : સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ફિરોઝાબાદની મુલાકાત વખતે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં સંભલમાં ખોદકામ સમયે મળેલા મંદિર મામલે તેમણે કહ્યું કે, 'જો ભાજપના નેતાઓના ઘરે ખોદકામ કરવામાં આવે તો ખબર નહીં ત્યાથી શું-શું નીકળશે. આ ધરતી લાખો-કરોડો વર્ષ જૂની છે, કોઈપણ જગ્યાએ ખોદીશું તો કઈકને કઈક જરૂરથી નીકળશે.' જ્યારે સંભલના સાંસદ વિરુદ્ધમાં વીજળી ચોરીના કેસને લઈને અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું કે, 'હવે તો સાંસદ પર પણ કેસ થઈ રહ્યાં છે. જેમાં હવે સરકારનો અસલી ચહેરો દેખાય આવે છે.'
'દરેક જગ્યાએ ખોદવાથી સમાધાન નહી મળે'
અખિલેશ યાદવે કહ્યું કે, 'દરેક જગ્યાએ ખોદકામ કરવાથી સમાધાન નહીં નીકળે. આપણા દેશમાં પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ છે, જે આવી વસ્તુને રોકે છે. પરંતુ ભાજપ આવા મુદ્દાઓ ઉઠાવીને ખેડૂતો અને બેરોજગારી જેવા મુદ્દાઓમાંથી ધ્યાન ભટકાવી રહ્યા છે.' જ્યારે તેમણે ભાજપ સરકારના પ્રદર્શન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'દિલ્હીમાં 10 વર્ષ અને ઉત્તર પ્રદેશમાં 7 વર્ષથી ભાજપ સત્તામાં છે. પરંતુ બેરોજગારી રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે, જેનો સરકારે જવાબ આપવો પડે.'
જ્યારે સંભલમાં લોકો અને સાંસદના મામલે અખિલેશે કહ્યું કે, 'જે પણ જૂઠા કેસ સાંસદ અને લોકોના વિરુદ્ધમાં લગાવામાં આવ્યા છે, તેને પાછા લેવા જોઈએ. આ સરકાર પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે આવા મુદ્દાઓ ઊભા કરી રહી છે. જ્યારે સરકાર માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. સમાજવાદી પાર્ટી હંમેશા જનતાના અધિકારો અને સત્ય માટે ઊભી રહેશે.'
આ પણ વાંચો: સંભલમાં મંદિર બાદ હવે 250 ફૂટ ઊંડી વાવ મળી, માટી હટાવી નક્શાના આધારે થશે તપાસ
તમને જણાવી દઈએ કે, સંભલમાં ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) ની ટીમ શનિવારે કલ્કિ મંદિર પહોંચી હતી. સંભલમાં ASI ટીમ દ્વારા પાંચ અલગ-અલગ લોકેશનનો સરવે કરવામાં આવ્યો હતો, જેમાં 19 કૂવા અને 5 તીર્થ સામેલ હતાં. ASI ની ટીમે સંભલના કલ્કિ મંદિરમાં સ્થિત પ્રાચીન કૃષ્ણ કૂપનો સરવે કર્યો. આ સિવાય, મંદિરની અંદર જઈને પણ મંદિરના પૂજારી સાથે સરવે કરવામાં આવ્યો. ટીમે મંદિરની અંદર બનેલા ગુંબજનો ફોટો ક્લિક કર્યો. સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષાના કારણે ચૂપચાપ સરવે કરવામાં આવ્યો હતો. આ પહેલાં શુક્રવારે ASI ની ટીમ સંભલના લાડમ સરાય સ્થિત મંદિરમાં એક પ્રાચીન ઈમારતથી નીકળેલાં એક પથ્થરનો સરવે કરતાં કેમેરામાં કેદ થઈ હતી.
મંદિર 46 વર્ષ સુધી બંધ હતું
સંભલમાં હિંસા બાદ જ્યારે આવારા તત્વોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વીજળી ચોરીનો મામલો સામે આવ્યો હતો. 14મી ડિસેમ્બરે પોલીસે દીપા રાય વિસ્તારમાં તપાસ કરતી વખતે તેમને અચાનક એક મંદિર મળ્યું હતું. જે વર્ષ 1978નું હોવાનું કહેવાય છે. આ મંદિર 46 વર્ષ સુધી બંધ હતું. જે સપા સાંસદના ઘરથી 200 મીટર દૂર હતું. 15મી ડિસેમ્બરે મંદિર ખોલવામાં આવ્યું હતું અને ત્યાં પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ કૂવાની શોધની માહિતી પ્રકાશમાં આવી અને તેનું ખોદકામ કરવામાં આવ્યું. આ દરમિયાન સંભલના અન્ય વિસ્તાર સરયાત્રીનમાં પણ એક મંદિર જોવા મળ્યું હતું.