ફિલ્મો ટેક્સ ફ્રી કરો છો તો મહાકુંભ જતી ગાડીઓ ટોલ ફ્રી કેમ નહીં?, અખિલેશે યુપી સરકાર પાસે કરી માંગ
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ દરરોજ ગંગા ઘાટ પર સ્નાન કરવા જઈ રહ્યાં છે અને પુણ્યની ડૂબકી લગાવી રહ્યાં છે. શનિવારે પણ કુંભ નગરીના દરેક ઘાટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ વચ્ચે ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે. પરંતુ, રવિવારે સવારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સોશિયલ મીડિયા દ્વારા મહાકુંભમાં આવનારી ગાડીઓને ટોલ ફ્રી કરવાની માંગ કરવામાં આવી છે.
ફિલ્મ ટેક્સ ફ્રી થઈ શકે તો મહાકુંભમાં આવતી ગાડી કેમ નહીં?
અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં ત્રણ તસવીર શેર કરી છે. આ તસવીર દ્વારા તેઓએ મહાકુંભમાં આવી રહેલી ગાડીઓને ટોલ ફ્રી કરવાની માંગ કરી છે. અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'મહાકુંભના અવસર પર ઉત્તર પ્રદેશમાં વાહનોને ટોલ ફ્રી કરી દેવા જોઈએ. જેનાથી યાત્રાની મુશ્કેલી પણ ઓછી થશે અને ટ્રાફિક જામનો સંકટ પણ દૂર થશે. જ્યારે ફિલ્મોને મનોરંજન કર મુક્ત કરવામાં આવી શકે તો મહાકુંભના મહાપર્વ પર ગાડીઓને કેમ કર મુક્ત ન કરી શકાય?'
આ પણ વાંચોઃ કરુણાંતિકા: મહાકુંભ જતાં પિકઅપની SUV સાથે ટક્કર, માતા-પુત્ર અને નાનાનું મોત
રસ્તા પર બેસીને કર્યું ભોજન
સપા પ્રમુખ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરની વાત કરીએ તો તસવીરોમાં અખિલેશ યાદવ ખુદ પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રસ્તા પર હાજર અમુક લોકોને મળી રહ્યા છે અને અન્ય એક તસવીરમાં રસ્તા પર બેસીને અમુક લોકો ભોજન કરી રહ્યાં છે.
અખિલેશ યાદવે સરકારને કર્યાં સવાલ
નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી અખિલેશ યાદવ મહાકુંભના તમામ મુદ્દાને લઈને યોગી સરકારથી ઘણાં નારાજ જોવા મળી રહ્યાં છે. અખિલેશ યાદવ મહાકુંભને લઈને અનેક મુદ્દા પર સરકારને સવાલ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ PM મોદીના US પ્રવાસ બાદ દિલ્હીમાં યોજાશે CMની શપથવિધિ, NDAના દિગ્ગજોને અપાશે આમંત્રણ
મહાકુંભમાં લાગેલી આગ, નાસભાગની ઘટના, નાસભાગમાં થયેલી મોત, મેળામાં એકબીજાથી છૂટા પડેલાં લોકો, પ્રયાગરાજમાં ટ્રાફિક જામ, પીપા પુલ બંધ કરવા સહિત તમામ મુદ્દા પર અખિલેશ યાદવ ખુલીને સરકારને સવાલ કરી રહ્યાં છે. પરંતુ, અખિલેશ યાદવે હવે ટોલ ફ્રી કરવાની માંગ કરી છે. તેની પાછળ તર્ક આપતા કહ્યું કે, જો ફિલ્મો ટેક્સ ફ્રી કરવામાં આવી શકે તો ગાડીઓ ટોલ ફ્રી કેમ ન કરી શકાય?