'કોઈ વ્યક્તિ વસ્ત્રથી નહીં વચનથી યોગી બને છે...', અખિલેશ યાદવના CM યોગી પર આડકતરા પ્રહાર
Akhilesh Yadav attacks CM Yogi : સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ફરી એકવાર સીએમ યોગી આદિત્યનાથને આડેહાથ લેતાં આકરા પ્રહારો કર્યા હતા. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતાં અખિલેશે કહ્યું કે એન્કાઉન્ટર કરનારાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે તે વધુ દિવસો સત્તામાં નહીં ટકે.
અખિલેશ યાદવનો આક્રમક અંદાજ દેખાયો..
અખિલેશ યાદવે આક્રમક અંદાજમાં સીધા સીએમ યોગીને નિશાને લેતા કહ્યું કે, 'સંત સમાજ વચ્ચે ઝઘડા કરાવતા જઈ રહ્યા છે, જે પોતાના કરતાં કોઈને મોટા માનતા જ નથી એ કેવા 'યોગી' છે? જેટલા મોટા સંત હોય તે એટલું ઓછું બોલે છે અને બોલે તો પણ જનકલ્યાણ માટે જ બોલે છે, જેના વચન પ્રવચન માની લેવાય છે. જ્યારે અહીં તો બધું જ ઉલટું છે.
અમૃતકાળ અને યોગી વિશે ઘણું બોલ્યાં...
અખિલેશે કહ્યું કે જે પ્રકારની ભાષાનો પ્રયોગ થઇ રહ્યો છે તેનાથી લાગે છે કે તેમની યોગ્યતા વિશે તમારે અને મારે જાણવું જોઈએ. કોઈ વ્યક્તિ વસ્ત્રોથી નહીં પણ વચનથી યોગી બને છે. આ આઝાદીનો નહીં પણ બર્બાદીનો અમૃતકાળ છે અને નકારાત્મક લોકોનો પણ. અમારે ત્યાં એવું મનાય છે કે જે જેટલો મોટો જ્ઞાની હોય તે એટલો જ ચૂપ રહે છે. એટલે જ તો અમારે ત્યાં મૌની અને મુનિની પરંપરા છે અને કળીયુગમાં બધું ઉલટું થઇ રહ્યું છે. મૃતભાષી આજકાલ વાચાળ બની ગયા છે, જ્યારે મૃદુભાષી કટુવાચી બની ગાય છે... પરોપકારી લોકો અત્યાચારીનું કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : 'મારાથી ભૂલ થઈ ગઈ...', નડ્ડા સાથેની ગુપચુપ બેઠક બાદ નીતિશ કુમારનું નિવેદન ચર્ચામાં
બુલડોઝર એક્શન મુદ્દે તીખાં પ્રહાર
સીએમ યોગીનું નામ લીધા વિશે અખિલેશ યાદવે કહ્યું કે જેમનું કામ સરકાર ચલાવવાનું છે એ તો બુલડોઝર ચલાવી રહ્યા છે અને વિકાસના પ્રતીક વિનાશના પ્રતીક બની ગયા છે. દેશમાં પહેલીવાર એવું થયું કે સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન વિરુદ્ધ યુપી સરકારને 25 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. આવું બીજે ક્યાંય થયું હોય તો જણાવજો.