ભાજપને 80 બેઠકો પર ભારે પડશે અખિલેશનો માસ્ટર સ્ટ્રોક, કોંગ્રેસ-સપા સાથે લડશે લોકસભા
બેઠકોની વહેંચણી આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે
અગાઉ કોંગ્રેસે સમાજવાદી પાર્ટીના પ્રસ્તાવનો જવાબ આપ્યો ન હતો
SP congress Alliance in UP : ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે છેલ્લા કેટલાક દિવસોથી 'સીટ શેરિંગ'ને લઈને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલી રહી હતી, જેમાં કોઈ નિર્ણય લેવાયો ન હતો. ત્યારે હવે મળતા અહેવાલ મુજબ બંને પક્ષો સમજૂતી થઈ ગઈ છે અને લોકસભાની ચૂંટણી એકસાથે લડશે. આ સાથે બેઠકોની વહેંચણી આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આ વાતની પુષ્ટિ કરી છે.
80 બેઠકો પર હવે બરાબરીની ટક્કર જોવા મળી શકે!
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80 બેઠકો આવેલી છે. જેના પર ભાજપનું પલડું ભારે મનાય છે. જોકે આ વખતે વિપક્ષ એકજૂટ થતાં મત વિભાજન થવાની શક્યતાઓ ઓછી થઈ જવાને કારણે એનડીએ અને નવા રચાયેલા I.N.D.I.A ગઠબંધન વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી શકે છે. એટલા માટે જ છેવટે કોંગ્રેસ સાથેના વિવાદને ઉકેલી લેવાનો અખિલેશ યાદવનો આ નિર્ણય માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.
આ ત્રણ બેઠકો પર કોકડું ગૂચવાયું હતું
નોંધનીય છે કે એક દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને કોકડુ ગૂચવાયું છે અને સ્થાનિક બેઠકોની વહેંચણી અંગે વાત બની રહી નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અખિલેશ યાદવ મુરાદાબાદ, બલિયા અને બિજનૌરની બેઠકો કોંગ્રેસને આપવા તૈયાર ન હતા. તો બીજી તરફ કોંગ્રેસ પોતાના પ્રદેશ અધ્યક્ષ અજય રાય માટે બલિયા બેઠક પર દાવ લગાવવા માંગતી હતી, જે બેઠકને સમાજવાદીનો ગઢ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં મુરાદાબાદ બેઠક પર જીત મેળવી હતી. મુરાદાબાદમાં મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ બીજા ક્રમે રહી હતી અને નજીવા માર્જિનથી હારી ગઈ હતી.
સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં ત્રણ યાદીમાં જાહેર કરી
સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં ત્રણ યાદી જાહેર કરી છે, જેમાં 32 ઉમેદવારોની જાહેરાત કરી છે. પ્રથમ યાદી 30 જાન્યુઆરીએ આવી હતી. જેમાં 16 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. સપાની બીજી યાદીમાં વધુ 11 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મુખ્તાર અંસારીના ભાઈ અને BSPના સાંસદ અફઝલ અન્સારીનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત ત્રીજી યાદીમાં 5 ઉમેદવારોના નામ હતા, જેમા શિવપાલ યાદવને બદાઉનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
અગાઉ કોંગ્રેસે સમાજવાદીના પ્રસ્તાવનો જવાબ આપ્યો ન હતો
અગાઉ સમાજવાદી પાર્ટીએ I.N.D.I.A ગઠબંધન હેઠળ કોંગ્રેસને 17 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો જેનો કોંગ્રેસે જવાબ ન આપતા અખિલેશ યાદવ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થયા ન હતા. અખિલેશે સોમવારે પત્રકારોના સવાલોના જવાબમાં કહ્યું હતું કે, 'સીટ શેરિંગ' અંગે નિશ્ચિત નિર્ણય લેવાઈ જશે, પછી જ અમારો પક્ષ (રાહુલ ગાંધીની) ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે.