અખિલેશ યાદવે કોંગ્રેસની 'ન્યાય યાત્રા'નું આમંત્રણ સ્વીકાર્યું, રાહુલ ગાંધી સાથે રાયબરેલી અથવા અમેઠીમાં કરશે પદયાત્રા
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ યુપીના પૂર્વ મુખ્યમંત્રીને 'ભારત જોડો ન્યાય યાત્રા'માં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું
Image Source: Twitter
લખનઉ, તા. 06 ફેબ્રુઆરી 2024, બુધવાર
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા'માં સામેલ થવાના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. આ યાત્રા 16મી ફેબ્રુઆરીના રોજ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે અને તેનો પ્રથમ પડાવ ચંદૌલીના સયાદરાજામાં નેશનલ ઈન્ટર કોલેજ હશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ યુપીના પૂર્વ મુખ્યમંત્રીને 'ભારત જોડો ન્યાય યાત્રા'માં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. હવે સમાજવાદી પાર્ટીએ જણાવ્યું કે અખિલેશ યાદવે આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને પુષ્ટિ કરી છે કે, તેઓ 16 ફેબ્રુઆરીના રોજ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરવા પર અમેઠી અથવા રાયબરેલીમાં 'ભારત જોડો ન્યાય યાત્રા'માં સામેલ થશે.
પાર્ટી ગઠબંધન સદસ્યોનું યાત્રામાં સ્વાગત કરવા માટે તૈયાર છે: જયરામ રમેશ
અખિલેશ યાદવને યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ તેમની એ ટિપ્પણી બાદ મળ્યું છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે, તેમની પાર્ટીને રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'માં આમંત્રિત કરવામાં નથી આવી. સપા પ્રમુખે 4 ફેબ્રુઆરીના રોજ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, અનેક મોટા આયોજનો થાય છે પરંતુ અમને આમંત્રિત કરવામાં નથી આવતા. અખિલેશની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, પાર્ટી ગઠબંધન સદસ્યોનું યાત્રામાં સ્વાગત કરવા માટે તૈયાર છે પરંતુ યુપીમાં તેનો અંતિમ કાર્યક્રમ હજું નક્કી કરવામાં નથી આવ્યો.
'ભારત જોડો ન્યાય યાત્રા' આ પહેલા રવિવારે ઝારખંડના ધનબાદ જિલ્લામાંથી પસાર થઈ હતી. મંગળવારે ઝારખંડથી સુંદરગઢ જિલ્લાના ઔદ્યોગિક શહેર બિરમિત્રપુરમાં પ્રવેશ કરીને યાત્રા ઓડિશા પહોંચી હતી. આજે રાહુલ ગાંધી તેમની યાત્રા ફરી શરૂ કરશે અને રાઉરકેલા શહેરના ઉદિતનગરથી પાનપોશ ચોક સુધી 3.4 કિલોમીટર લાંબી પદયાત્રા કરશે. ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરના થોબલથી શરૂ થઈ હતી જે 67 દિવસ સુધી ચાલશે.