'CM યોગીના ઘરની નીચેથી પણ શિવલિંગ મળશે', મંદિર-મસ્જિદ વિવાદ પર અખિલેશ યાદવનો કટાક્ષ
Uttar Pradesh Politics: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે દાવો કર્યો છે કે, 'મુખ્યમંત્રી આવાસમાં પણ શિવલિંગ છે. તેથી રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર ખોદકામની સાથે સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ ખોદકામ કરીને શિવલિંગને સુરક્ષિત બહાર કાઢવામાં આવે.' આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે, 'રાજભવનમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે, પરંતુ સરકાર કોઈ પગલાં લઈ રહી નથી.'
'મહાકુંભની તૈયારીઓ અધૂરી છે'
સપાના વડા અખિલેશ યાદવે જણાવ્યું હતુ કે, 'મહાકુંભમાં સ્વેચ્છાએ આવવાની પરંપરા રહી છે. આ માટે કોઈને આમંત્રણ આપવામાં આવતું નથી, પરંતુ સરકાર તમામ કામકાજ બાજુ પર મૂકીને મહાકુંભના આમંત્રણો આપવામાં વ્યસ્ત છે. મહાકુંભની તૈયારીઓ અધૂરી છે. પુલનું બાંધકામ પૂર્ણ થયું નથી. રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. હવે 15 દિવસમાં કેવી રીતે કામ પૂર્ણ થશે?'
આ પણ વાંચો: રાજીનામાની ચર્ચા વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, જાણો શું છે તેમનો નવો પ્લાન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દિલ્હી જવા અને કુંભ માટે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ નેતાઓને આમંત્રણ આપવા પર અખિલેશ યાદવે સવાલ ઊઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'કુંભમાં આમંત્રણ આપવામાં આવતું નથી. કુંભમાં લોકો પોતાની શ્રદ્ધા સાથે આવે છે. હું કોઈના વિશે કંઈ કહેવા માંગતો નથી. આપણે આપણા ધર્મમાં શીખ્યા અને વાંચ્યા છીએ કે લોકો પોતાની મેળે આવી ઘટનાઓમાં આવે છે. શું આવનારા કરોડો લોકોને આમંત્રણ છે? આ સરકાર અલગ છે. સરકારે કુંભ પહેલા ગંગા એક્સપ્રેસ વે શરૂ કરવાની વાત કરી હતી, પરંતુ તેની શરૂઆત ક્યાંથી થઈ?'
અખિલેશ યાદવે EVM પર સવાલ ઊઠાવ્યા
સપાના નેતા અખિલેશ યાદવે ફરી એકવાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સવાલો ઊઠાવતા કહ્યું હતું કે, 'અહીં ઈવીએમના કારણે હારનારને હારનો અને જીતનારને જીતનો વિશ્વાસ નથી. આથી અમે માંગ કરીએ છીએ કે ચૂંટણી માત્ર બેલેટથી જ કરાવવામાં આવે.'