'મારી સામે નીચે જોઈને વાત કરવાની', મહિલા સામે રૌફ બતાવનાર મંત્રીનું TMCએ લીધું રાજીનામું
Minister Akhil Giri And Woman Forest Officer Matter : પશ્ચિમ બંગાળના જેલ મંત્રી અખિલ ગિરીએ મહિલા વન અધિકારી સાથે અભદ્ર વર્તન કરી ધમકી આપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેમની મુશ્કેલી સતત વધી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના આદેશ બાદ ગિરીએ મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ભાજપે જેલ મંત્રીની ટીકા કરી હતી, ત્યારે TMCએ ડેમેજ કંટ્રોલ કરવા માટે જેલ મંત્રીને રાજીનામું આપવા કહ્યું છે.
પાર્ટી સૂચન કરશે તો પણ કોઈની માફી નહીં માંગુ
મહિલા અધિકારી સાથે અભદ્ર વર્તન કરવાના મામલામાં મુખ્યમંત્રીના આદેશને ધ્યાનમાં રાખીને ગિરીએ સોમવારે રાજીનામું આપશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત, ગિરીએ કહ્યું હતું કે, 'પાર્ટી સૂચન કરશે તો પણ કોઈની માફી નહીં માંગુ.'
આ પણ વાંચો : દેશના આ રાજ્યમાં બહારના લોકોને નહીં મળે સરકારી નોકરી! નવી પોલિસી લાવવાની તૈયારીમાં CM સરમા
આ ગુંડાઓ... તું ઘરે જઈ નહીં શકે...
મળતી માહિતી પ્રમાણે, જેલ મંત્રી અખિલ ગિરીએ મહિલા વન અધિકારી સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે મહિલા અધિકારીને કહ્યું હતું કે, 'તું સરકારી કર્મચારી છો, બોલતી વખતે માથું નમાવવું. તું જોજે એક અઠવાડિયામાં તારો શું હાલ થાય છે. આ ગુંડાઓ... તું ઘરે જઈ શકીશ નહીં. જો તું તારું વર્તનમાં સુધારો નહીં કરે તો હું તને લાકડી વડે માર મારીશ.'
BJPએ CM મમતા પર સાધ્યો નિશાનો
આ મામલે ભાજપે મુખ્યમંત્રી બેનર્જી પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે, 'મંત્રી ગિરીએ મહિલા અધિકારીને ધમકી આપી હતી. મહિલા અધિકારી ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની ફરજ બજાવી રહી હતી. શું મમતા બેનર્જી આ મંત્રીને જેલમાં નાખશે? શું તે મંત્રી સામે કેસ કરશે?' આ બધી બબાલ વચ્ચે ડેમેજ કંટ્રોલ કરવા માટે બેનર્જીએ મંત્રી ગિરીનું રાજીનામું માગ્યું હતું.