Get The App

માયાવતી બેકફૂટ પર: પાર્ટીમાંથી સાઈડલાઈન કરાયેલા ભત્રીજાની રી-એન્ટ્રી, હવે બનાવ્યો સ્ટાર પ્રચારક

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
માયાવતી બેકફૂટ પર: પાર્ટીમાંથી સાઈડલાઈન કરાયેલા ભત્રીજાની રી-એન્ટ્રી, હવે બનાવ્યો સ્ટાર પ્રચારક 1 - image

લોકસભા ચૂંટણીના પરિણામો અનેક પાર્ટીઓ માટે અલાર્મિંગ હોર્ન તો અનેક પાર્ટીઓ માટે વોર્નિંગ કોલ લઈને આવ્યા છે. ઉંઘતા ઝડપાયેલા અનેક પક્ષો અને નેતાઓને જનતાએ ચૂંટણી પરિણામોમાં જગાડી અને દોડતા કરી દીધા છે. 2024માં જ પાર્ટીના ઉત્તરાધિકારી જાહેર થયા બાદ ઝડપથી ગતિ કરી રહેલા ભત્રીજાને BSP પ્રમુખે કોર્નર કરી દીધા હતા. જોકે ફરી આકાશનો ઉદય થયો છે.

બસપાના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક રવિવારે એટલે કે આવતીકાલે છે. આ પહેલા માયાવતીએ પણ મોટો નિર્ણય લીધો છે. તેમણે ફરીથી ભત્રીજા આકાશ આનંદને આવકાર્યો છે. થોડા દિવસો પહેલા જ માયાવતીએ આકાશને હાંસિયામાં ધકેલ્યા હતા. મહત્વની વાત એ છે કે બસપા ચીફે આકાશને આ વર્ષે પોતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા પરંતુ ગયા મહિને માયાવતીએ તેમને આ જવાબદારીમાંથી પણ મુક્ત કરી દીધા હતા અને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવ્યા હતા. આ મુદ્દે માયાવતીએ કહ્યું હતું કે આકાશ આનંદ હજુ આ મોટી જવાબદારી માટે લાયક નથી. 

લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે માયાવતીની સાથે આકાશ આનંદ પણ બસપા માટે પ્રચાર કરી રહ્યાં હતા. તેમના ભાષણને ખૂબ લોકચાહના મળી રહી હતી પરંતુ ચૂંટણીની વચ્ચે માયાવતીએ તેમને પ્રચારમાંથી જ દૂર કરી દીધા.

એક બેઠક અને મામલો સ્પષ્ટ :

માયાવતી બેકફૂટ પર: પાર્ટીમાંથી સાઈડલાઈન કરાયેલા ભત્રીજાની રી-એન્ટ્રી, હવે બનાવ્યો સ્ટાર પ્રચારક 2 - image

ગત અઠવાડિયે આકાશ આનંદ કાકી માયાવતીને મળવા લખનઉ પહોંચ્યા હતા. આ મીટિંગ ખૂબ જ ગોપનીય રાખવામાં આવી હતી. બસપા અધ્યક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ બેઠક વિશે કોઈને ખબર ન હોવી જોઈએ. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં જ આકાશનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માયાવતીએ તેમનો પક્ષ વિગતવાર સાંભળ્યો અને પછી આકાશને આગળ શું કરવાનું છે તે વિશે સમજ આપવામાં આવી હતી. માયાવતીએ તેમને શું ન કરવું તે પણ જણાવ્યું હતુ. આ બેઠક બાદ જ આકાશ આનંદ પાર્ટીની મુખ્ય ધારામાં પરત ફર્યા છે.

સ્ટાર પ્રચારકોમાં આકાશનું નામ :

ઉત્તરાખંડમાં યોજાનારી પેટાચૂંટણીમાં આકાશને પાર્ટીના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. BSP દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં માયાવતી બાદ આકાશનું નામ બીજા ક્રમે છે. આવતીકાલે લખનૌમાં બસપાના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક પણ આયોજિત છે, જેમાં આકાશને પણ આમંત્રણ છે. યુપી સહિત દેશના તમામ રાજ્યોના પાર્ટી અધ્યક્ષો અને તમામ સંયોજકોને બોલાવવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ વખતે BSP લોકસભા ચૂંટણીમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી, જ્યારે ગત ચૂંટણીમાં પાર્ટીના દસ સાંસદો ચૂંટાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ માયાવતી બસપામાં મોટા ફેરફારો કરી શકે છે.

ચંદ્રશેખર આઝાદ બન્યા પડકાર :

ચાર વખત યુપીના મુખ્યમંત્રી રહી ચૂકેલા માયાવતી માટે ચંદ્રશેખર આઝાદ રાવણ સૌથી મોટો પડકાર બની ગયા છે. પહેલીવાર લોકસભાના સાંસદ બનેલા આઝાદ ભીમ પાર્ટીના વડા છે. રાવણ પણ માયાવતીની જ જાતિના જ છે. ચંદ્રશેખર રાવણની લોકપ્રિયતા યુવાનોમાં સતત વધી રહી છે. માયાવતીની ચિંતા પોતાની પાર્ટીને ચંદ્રશેખરથી બચાવવાની છે. અત્યાર સુધી માયાવતી દલિતોના સૌથી મોટા નેતા રહ્યાં છે, પરંતુ હવે ચંદ્રશેખર આઝાદ રાવણ દલિત રાજકારણનો નવો અવાજ બની ગયા છે.

એસસી કોમ્યુનિટીના યુવાનો તેમના તરફ ઝોક ધરાવે છે. તેમની સાથે સ્પર્ધા કરવા માટે માયાવતીએ યુવાનોને પાર્ટી સાથે જોડવાની જવાબદારી ભત્રીજા આકાશ આનંદને આપી હતી. આકાશે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી તેમજ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો. નગીનાથી લોકસભા ચૂંટણીમાં પ્રચારની શરૂઆત કરી હતી અને ત્યાં જ ચંદ્રશેખર રાવણ ચૂંટણી જીત્યા છે. બસપાની પોલિસીથી અલગ આનંદ સમાજવાદી પાર્ટી કરતા ભાજપ વિરુદ્ધ વધુ અવાજ ઉઠાવતા હતા. આકાશના એક નિવેદન પર હરદોઈમાં તેમની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી માયાવતીએ તેમના પર ચૂંટણી પ્રચાર અને ઈન્ટરવ્યુ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ હવે માયાવતીનો મિજાજ બદલાઈ ગયો છે અને પરિણામો બાદ બેકફૂટ પર ધકેલાયા છે તથા ભત્રીજાને આવકારી રહ્યાં છે.


Google NewsGoogle News