Get The App

ચૂંટણી વચ્ચે બસપા પ્રમુખની 'ભત્રીજા' સામે મોટી કાર્યવાહી, ઉત્તરાધિકારી પદ પણ છીનવતાં હડકંપ

Updated: May 8th, 2024


Google NewsGoogle News
ચૂંટણી વચ્ચે બસપા પ્રમુખની  'ભત્રીજા' સામે મોટી કાર્યવાહી, ઉત્તરાધિકારી પદ પણ છીનવતાં હડકંપ 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી ટાણે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદ સામે મોટી કાર્યવાહી કરી. માયાવતીએ આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના ઉત્તરાધિકારી પદ પરથી પણ હટાવી દીધા છે.

પદ પરથી હટાવતાં શું બોલ્યાં માયાવતી? 

બસપા સુપ્રીમોએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આકાશને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીએ તેમનો આ નિર્ણય પાછો ખેંચી લેતા કહ્યું કે આકાશ આનંદ જ્યાં સુધી સંપૂર્ણ પરિપક્વતા સુધી નહીં પહોંચે ત્યાં સુધી તેને બંને મહત્વપૂર્ણ જવાબદારીઓથી દૂર રાખવામાં આવશે.

આ ફેરબદલનું કારણ શું? સવાલો ઊઠ્યાં 

હવે સવાલો ઉઠી રહ્યા છે કે લોકસભા ચૂંટણી વચ્ચે બસપામાં આ મોટા ફેરબદલનું કારણ શું છે. જ્યારે આકાશ આનંદને લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેને ખાસ કરીને યુપીમાં ભારે આકર્ષણ મળી રહ્યું હતું. લોકો તેમની સભાઓમાં તેમને સાંભળવા આવતા હતા. બધાને લાગ્યું કે બસપા ફરી મોમેન્ટમ પાછું મેળવી રહી છે. પરંતુ આકાશ આનંદના છેલ્લાં કેટલાક નિવેદનોથી બસપાને ઘણું નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે.

વિવાદિત નિવેદનો ભારે પડ્યાં 

થોડા દિવસો પહેલા તેમણે સીતાપુરમાં ભાજપ સરકારને 'આતંકની સરકાર' ગણાવી હતી. જેના પછી આકાશ આનંદ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. આ સિવાય બે-ત્રણ જગ્યાએ નિવેદન આપતી વખતે આકાશ એટલો ઉશ્કેરાઈ ગયા કે તેમના મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા. તેમના બેફામ નિવેદનોની પણ ઘણી ટીકા થઈ રહી હતી, જેમાં 'જૂતા ફેંકીને મારવાનું મન થાય છે' જેવા નિવેદનો સામેલ છે. 

માયાવતીને અનુકૂળ ન આવ્યાં 

એવું મનાય છે કે આકાશ આનંદના વિવાદિત નિવેદનોથી માયાવતી નારાજ છે. આકાશ આનંદની આ ભાષાશૈલી, તેમની રાજનીતિ કરવાની સ્ટાઈલ અને તેમના ભાષણો માયાવતીને અનુરૂપ નથી લાગી રહ્યા. એવું પણ માનવામાં આવે છે કે પાર્ટીની અંદર એક મોટો વર્ગ આકાશ આનંદના આ નિવેદનોથી નારાજ છે.

માયાવતીએ શું કહ્યું?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના નિર્ણયની માહિતી આપતાં માયાવતીએ લખ્યું કે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે અને નવી પેઢી પણ તેને વેગ આપવા માટે તૈયાર થઈ રહી છે. તેમણે કહ્યું, 'આ ક્રમમાં, પાર્ટીમાં અન્ય લોકોને પ્રમોટ કરવાની સાથે તેમણે આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. પરંતુ પક્ષ અને ચળવળના વિશાળ હિતમાં તેઓ સંપૂર્ણ પરિપક્વતા સુધી પહોંચે ત્યાં સુધી તેમને આ બે મહત્વપૂર્ણ જવાબદારીઓથી અલગ રાખવામાં આવી રહ્યા છે.

ચૂંટણી વચ્ચે બસપા પ્રમુખની  'ભત્રીજા' સામે મોટી કાર્યવાહી, ઉત્તરાધિકારી પદ પણ છીનવતાં હડકંપ 2 - image


Google NewsGoogle News