અજમેરની દરગાહ શિવ મંદિર હોવાનો દાવો કરનારા હરબિલાસ શારદા છે કોણ? જાણો તેમના વિશે
Ajmer Sharif Dargah Temple Claim :અજમેર શરીફ દરગાહની નીચે શિવ મંદિર હોવાના દાવા સાથે અજમેરની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર નવો વિવાદ ઊભો થયો છે. કોર્ટે અરજીને સુનાવણી માટે સ્વીકારી ત્યારે આ મુદ્દે ખૂબ જ નિવેદનબાજી શરુ થઈ હતી. અરજીકર્તા હિંદુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તાએ 113 વર્ષ પહેલા પ્રકાશિત થયેલા પુસ્તકનો આધાર બનાવી આ દાવો કર્યો છે. આ પુસ્તકના લેખક હરબિલાસ શારદા છે, જેઓ તે સમયે અજમેરમાં જાણીતા વ્યક્તિ હતા.
હરબિલાસ 21 વર્ષની ઉંમરે અજમેર આર્ય સમાજના વડા બન્યા હતા
હરબિલાસ શારદાનો જન્મ 3 જૂન 1867ના રોજ અજમેરમાં થયો હતો, અને તેઓએ BAની ડિગ્રી મેળવી હતી. તેમજ વધુ અભ્યાસ માટે ઑક્સફર્ડ જવા માગતા હતા, પરંતુ પિતાના મૃત્યુને કારણે તેમણે પોતાનો વિચાર બદલવો પડ્યો. મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોથી પ્રેરિત થઈને તેઓ તેમની સંસ્થામાં જોડાયા. 21 વર્ષની ઉંમરે તેઓ અજમેર આર્ય સમાજના વડા બન્યા હતા.
તેમણે જ બાળ લગ્ન પ્રતિબંધનો કાયદો પસાર કર્યો હતો
શરુઆતમાં તેમણે શિક્ષક તરીકેની સેવા આપી બાદમાં ન્યાયિક સેવામાં ગયા હતા. 1892માં તેઓ અજમેર-મેરવાડા પ્રાંતના ન્યાયિક વિભાગમાં નિયુક્ત થયા. અનેક કોર્ટમાં જજ તરીકે સેવા આપ્યા બાદ તેઓ બે વખત ધારાસભ્ય પણ બન્યા હતા. 1926 અને 1930માં તેઓ અજમેર-મેરવાડા બેઠક પરથી પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા. 1929માં, તેમણે જ બાળ લગ્ન પ્રતિબંધનો કાયદો પસાર કર્યો હતો, જેને શારદા ઍક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હરબિલાસ શારદાએ અનેક પુસ્તકો લખ્યા છે
હરબિલાસ શારદાએ અનેક પુસ્તકો લખ્યા. જેમાં 'અજમેરઃ હિસ્ટોરિકલ ઍન્ડ ડિસક્રિપ્ટિવ' મુખ્ય છે. 1911માં પ્રકાશિત આ પુસ્તકમાં તેમણે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના જીવન અને તેમની દરગાહ વિશે ઘણી મહત્ત્વપૂર્ણ વાતો લખી છે. એ જ પુસ્તકમાં હરબિલાસ શારદાએ કહ્યું છે કે મંદિરના અવશેષો પર દરગાહ બનાવવામાં આવી છે. હવે આ પુસ્તકના આધારે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અજમેરની સ્થાનિક કોર્ટમાં દાવો દાખલ કરાયો
અરજીમાં દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરીને અજમેરની સ્થાનિક કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. અદાલતે બુધવારે સુનાવણી માટે દાવો સ્વીકાર્યો અને અજમેર દરગાહ સમિતિ, લઘુમતી બાબતોના મંત્રાલય અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI), દિલ્હીને નોટિસ પાઠવી, તેમનો જવાબ માંગ્યો હતો.
તાજેતરના વિવાદ બાદ સ્થાનિકો ચિંતિત
આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે, જ્યારે ઉત્તર પ્રદેશની એક સ્થાનિક અદાલતે સંભલમાં જામા મસ્જિદના સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો, કારણ કે અરજદારોએ દાવો કર્યો હતો કે આ સ્થળ પર અગાઉ મંદિર હતું. ત્યારબાદ થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. જેથી કરીને તાજેતરમાં અજમેરમાં થયેલા આ વિવાદને કારણે કેટલાક લોકો એવું માની રહ્યા છે કે, આ શહેર 'કોમી તણાવ' માં ફેરવાઈ ન જાય તો સારું.