Get The App

અજમેર શરીફ દરગાહ શિવ મંદિર ઉપર બનાવાઈ છે? જાણો, ક્યા પુસ્તકને લીધે થયો વિવાદ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
અજમેર શરીફ દરગાહ શિવ મંદિર ઉપર બનાવાઈ છે? જાણો, ક્યા પુસ્તકને લીધે થયો વિવાદ 1 - image


Ajmer Sharif Dargah Shiva Temple Controversy : છેલ્લા થોડા વર્ષોમાં દેશના અનેક સ્થળોએ આવેલી મસ્જિદો અને દરગાહો હિન્દુ મંદિરો તોડીને બનાવાઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વારાણસી, મથુરાથી લઈને સંભલ જેવા સ્થળોએ આવા દાવા કરાઈ રહ્યા છે. હવે આ લિસ્ટમાં અજમેરનું નામ પણ ઉમેરાઈ ગયું છે. રાજસ્થાનના અજમેર ખાતે આવેલ સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની પ્રસિદ્ધ ‘અજમેર શરીફ દરગાહ’ના મૂળમાં શિવ મંદિર હોવાનો દાવો કરાયો છે, જેને લીધે વિવાદ સર્જાયો છે. ચાલો, આપણે પણ ઊંડા ઉતરીએ વિવાદના મૂળમાં. 

શું છે દાવો? શેનો છે વિવાદ?

અજમેરની દીવાની અદાલતમાં હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા દ્વારા એવી અરજી કરવામાં આવી છે કે, અજમેર શરીફની દરગાહ જ્યાં બનાવવામાં આવી છે ત્યાં મૂળ તો એક શિવ મંદિર હતું. શિવ મંદિર તોડીને એના ઉપર દરગાહ બનાવવામાં આવી છે. 

શેને આધારે કરાયો દાવો?

વિષ્ણુ ગુપ્તાએ એક પુસ્તકમાં કરાયેલા દાવાને આધારે આ અરજી કરી છે. વર્ષ 1911માં હરબિલાસ સારડા દ્વારા ‘અજમેરઃ હિસ્ટોરિકલ ઍન્ડ ડિસ્ક્રિપ્ટિવ’ (અજમેરઃ ઐતિહાસિક અને વર્ણનાત્મક) નામનું એક પુસ્તક લખવામાં આવ્યું હતું. 168 પાનાંના આ અંગ્રેજી પુસ્તકમાં 'દરગાહ ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તી' નામનું એક અલગ પ્રકરણ છે, જેમાં આપવામાં આવેલી ખ્વાજાના જીવન અને તેમની દરગાહની વિગતોને આધારે ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો છે.  

આ પણ વાંચો : 8000 કરોડની જમીનનો કોઈ વારસદાર નહીં...બિહાર સરકારે કબજો કર્યો, જાણો બેતિયા રાજ પરિવાર વિશે

શું લખ્યું છે પુસ્તકમાં?

  • પુસ્તકના પાના નંબર 93 પર લખ્યું છે કે, દરગાહના બુલંદ દરવાજામાં બનેલી ત્રણ માળની છત્રી કોઈ હિન્દુ ઈમારતના ટુકડાઓમાંથી બનાવવામાં આવી છે. છત્રીની રચના હિન્દુ શૈલીની લાગે છે. તેની સપાટી પર સુંદર કોતરણી કરવામાં આવી છે, જેને ચૂના અને રંગો વડે પૂરી દેવાઈ છે. 
  • પુસ્તકના પાના નંબર 94 પર લખ્યું છે કે, છત્રીમાં લાલ રંગના પથ્થરનો જે હિસ્સો છે એ કોઈ ધ્વસ્ત કરાયેલા જૈન મંદિરનો લાગે છે.
  • પાના નંબર 96 પર લખ્યું છે કે, બુલંદ દરવાજા અને અંદરના આંગણાની વચ્ચેનો જે ભાગ છે એની નીચે મૂળ હિન્દુ મંદિરના ભોંયરા છે. ભોયરામાંના ઘણા ઓરડા હજુ પણ અકબંધ હાલતમાં જળવાયેલા છે. એવું લાગે છે કે મુસ્લિમ શાસકોના શરૂઆતના દિવસોમાં જ જૂના હિન્દુ મંદિર ઉપર આ આખી દરગાહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 
  • પાના નંબર 97 પર લખ્યું છે કે, ભોંયરાની અંદર એક મંદિર છે, જેમાં મહાદેવની મૂર્તિ છે. એના પર એક બ્રાહ્મણ પરિવાર દ્વારા દરરોજ ચંદન લગાવવામાં આવતું હતું. 
  • પુસ્તકમાં લખેલી આવી બાબતોના આધારે જ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

ફરિયાદી પક્ષ કહે છે કે

ફરિયાદી પક્ષના વકીલનું કહેવું છે કે, દરગાહના ભોંયરામાં એક શિવ મંદિર છે, જ્યાં અગાઉ પૂજા થતી હતી. એ પૂજા ફરી શરૂ કરવા માટેનો દાવો સપ્ટેમ્બર 2024માં દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે દાવો સ્વીકારીને નોટિસ જારી કરી છે. આ બાબતે અજમેર દરગાહ સમિતિ, લઘુમતી મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI – આર્કિઓલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા) કાર્યાલયને નોટિસ આપવામાં આવ્યા છે. 

પૂજા કરવાનો અધિકાર માંગવામાં આવ્યો

ફરિયાદી પક્ષે માંગ કરી છે કે, અજમેર દરગાહને ‘સંકટ મોચન મહાદેવ મંદિર’ જાહેર કરવામાં આવે અને જો દરગાહનું કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન હોય તો તેને રદ કરવામાં આવે. દરગાહના પરિસરનો સર્વે ASI મારફત કરાવવાની અને હિન્દુઓને ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : વિપક્ષ સામે ઝૂકી સરકાર: વક્ફ બિલ પર JPCનો કાર્યકાળ વધ્યો, જાણો હવે આગળ શું

દરગાહના સંચાલકોનું શું કહેવું છે?

દરગાહના દીવાન સૈયદ નસીરુદ્દીને કહ્યું છે કે, દેશની દરગાહો અને મસ્જિદોમાં મંદિરો શોધવાની જે નવી પ્રથા શરૂ થઈ છે એ ન તો દેશ અને સમાજના હિતમાં છે, ન આવનારી પેઢીના. આ દરગાહ સાડા આઠસો વર્ષ જૂની છે, જેને સો વર્ષ જૂના પુસ્તકમાં લખેલ બાબતોથી નકારી ન શકાય. 

અંજુમન મોઈનિયા ફખરિયા ચિશ્તિયા ખુદ્દામેઈન-એ-ખ્વાજા સૈયદજાદગાનના સેક્રેટરી સૈયદ સરવર ચિશ્તીએ કહ્યું છે કે, ગરીબ નવાઝની દરગાહ તો દરેક ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ દરગાહ હતી, છે અને ભવિષ્યમાં પણ રહેશે. દેશની દરેક મસ્જિદ અને દરગાહમાં મંદિર શોધીને મુસ્લિમોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

કોર્ટે શું કહ્યું?

આ મામલે કોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ આપી છે, અને તેમનો જવાબ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થશે.


Google NewsGoogle News