Get The App

સંભલ બાદ અજમેરની દરગાહ પર મંદિર હોવાનો દાવો, હિન્દુ પક્ષની સરવેની માગ, કાલે કોર્ટમાં થશે સુનાવણી

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
Ajmer Dargah


Ajmer Dargah Controversy : ઉત્તર પ્રદેશની સંભલની જામા મસ્જિદનો વિવાદ દેશભરમાં વકર્યો છે. આ દરમિયાન રાજસ્થાન સ્થિત અજમેર દરગાહ ચર્ચામાં આવી છે. દરગાહની ઇમારતના સ્થળે અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાના દાવા બાદથી વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે મંગળવારે (26 નવેમ્બર) કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી દરગાહ પરિસરમાં એએસઆઇ (ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ) સરવેની માંગ કરાઈ છે. હાલ કોર્ટે આ કેસની આગામી સુનાવણી 27 નવેમ્બરે કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ જો આ કેસમાં કોર્ટ તરફથી સરવેનો આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહનું સરવે થઇ શકે છે.

હિન્દુ પક્ષે પુરાવા તરીકે પુસ્તક રજૂ કર્યું

સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી એક પુસ્તકને પુરાવા તરીકે રજૂ કર્યું હતું. વર્ષ 1910માં છપાયેલા આ પુસ્તકમાં દાવો કરાયો છે કે, અજમેર દરગાહના સ્થળે અગાઉ હિન્દુ મંદિર હતું. અજમેરની સિવિલ કોર્ટ આ મામલે આવતી કાલે (27 નવેમ્બર) નક્કી કરશે કે આ મુદ્દે આગળ સુનાવણી થવી જોઇએ કે નહીં. હિન્દુ પક્ષે પુસ્તક ઉપરાંત અન્ય ઘણાં દસ્તાવેજો રજૂ કર્યા હતા અને માગ કરી હતી કે અજમેર દરગાહનું એએસઆઇ સરવે કરાવવામાં આવે તેમજ દરગાહની માન્યતા રદ કરી હિન્દુ સમાજને ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે. 

આ પણ વાંચોઃ સંભલ હિંસાના પ્રત્યક્ષદર્શીનો દાવો - હિંસા બહારના લોકોએ કરી, મસ્જિદમાં એનાઉન્સમેન્ટ થયું પણ...

શું છે હિન્દુ પક્ષની માંગ?

હિન્દુ પક્ષ તરફથી દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, અજમેરની ખ્વાજા ગરીબ નવાઝની દરગાહના સ્થળે અગાઉ ભગવાન મહાદેવનું મંદિર હતું. માટે દરગાહની માન્યતા રદ કરી તેને મંદિર તરીકે મંજૂરી આપવામાં  આવે અને દરગાહ સમિતિના ગેરકાયદે દબાણને હટાવવામાં આવે. આ ઉપરાંત આ અરજીમાં દરગાહ પરિસરનું એએસઆઇ સરવે કરાવવા તેમજ ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવાની માગ કરવામાં આવી છે. 

મીડિયા સાથે વાતચીત કરતા હિન્દુ પક્ષના એક આગેવાને કહ્યું હતું કે, 'અમને આશા છે કે 27 નવેમ્બરે અમારા પક્ષમાં ચુકાદો આવશે. દરગાહના પક્ષકારોને નોટિસ જાહેર કરી સર્વેની માગ પૂરી કરવામાં આવશે. જે બાદ સૌની સામે સ્થિતિ સ્પષ્ટ થઇ જશે, પરંતુ હવે કોર્ટ નક્કી કરશે કે આ મામલે આગળ સુનાવણી થશે કે નહીં.'

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી સંભલ જશે, સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ, પોલીસે કરી નાકાબંધી



Google NewsGoogle News