'હું તો શપથ લઈશ...' અજિત પવાર બનાવશે નવો રૅકોર્ડ, મહારાષ્ટ્રમાં છઠ્ઠી વખત બનશે ઉપ મુખ્યમંત્રી
Ajit Pawar will make a new record will take oath as deputy cm: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રીના પદ અંગે સર્જાયેલા સસ્પેન્સનો છેક 11 દિવસ પછી અંત આવ્યો છે. ભાજપના વિધાનસભ્યોની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાનસભા પક્ષના નેતા તરીકે જાહેર કરાતાં તેમનો ફરી મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો હતો. આ બેઠક બાદ ફડણવીસ, એકનાથ શિંદે તથા અજિત પવારે સાથે મળીને રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો કર્યો હતો. અગાઉ જાહેર થયા મુજબ આજે સાંજે મુંબઈના આઝાદ મેદાન ખાતે ફડણવીસ સીએમ તરીકે શપથ લેશે. ફડણવીસ ત્રીજી વાર રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર ઉપ મુખ્યમંત્રીની શપથ લેશે. પરંતુ હજું સુધી કેબિનેટને લઈને તસવીર સ્પષ્ટ નથી થઈ શકી. ટૂંક સમયમાં નામ જાહેર કરવામાં આવી શકે છે. જો કે, આ વખતે અનોખું એ છે કે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ વખત ઉપ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરનારા નેતા તરીકે અજિત પવારના નામે એક નવો રૅકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે.
જોકે, બંધારણમાં ડેપ્યુટી સીએમ બનાવવાની વ્યવસ્થા નથી, પરંતુ રાજકીય સમીકરણ સાધવા માટે સત્તારુઢ પાર્ટીઓ સરકારમાં નંબર 2ની હેસિયતનો સંદેશ આપવા માટે વચ્ચેનો રસ્તો કાઢે છે અને કેબિનેટ મંત્રીની શપથ લેનારા વરિષ્ઠ નેતાને આ પદ સોંપવામાં આવે છે. હાલમાં દેશના 14 રાજ્યોમાં 23 ડેપ્યુટી સીએમ છે. દેશના પ્રથમ ડેપ્યુટી સીએમ અનુગ્રહ નારાયણ સિંહાને માનવામાં આવે છે. અનુગ્રહ આઝાદી બાદથી જુલાઈ 1957 સુધી બિહારના ડેપ્યુટી સીએમ હતા. તેમના પછી 1967માં કર્પૂરી ઠાકુરને બિહારના બીજા ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા.
હું તો કાલે શપથ લઈશ
બીજી તરફ અજિત પવારે ફરી એકવાર મહારાષ્ટ્રની નવી સરકારમાં પોતાની ભૂમિકા નક્કી કરી લીધી છે. બુધવારે મહાયુતિની પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે શું શિંદે અને પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે? આના પર એકનાથે કહ્યું હતું કે, સાંજ સુધી રાહ જુઓ. બધું જ ખબર પડી જશે. આ વચ્ચે જ અજિત પવારે કહ્યું કે સાંજ સુધીમાં તેમનો(એકનાથ શિંદે)નો નિર્ણય આવી જશે. હું તો કાલે શપથ લેવાનો છું. તેના પર શિંદેએ મજાકમાં કહ્યું કે, દાદાને ઘણો અનુભવ છે, દાદાને બપોરે, સાંજે અને સવારે પણ શપથ લેવાનો અનુભવ છે.
જ્યારે 80 કલાક માટે ડેપ્યુટી સીએમ બન્યા હતા અજિત પવાર
અજિત પવાર 2023થી મહાયુતિ સરકારમાં ડેપ્યુટી સીએમ છે. અગાઉ 2019માં તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે શપથ લીધા હતા અને 80 કલાકની NDA સરકારમાં ડેપ્યુટી સીએમ રહ્યા હતા. બાદમાં તેમણે NDAમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું અને મહાવિકાસ અઘાડીની ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારમાં ડેપ્યુટી સીએમ બની ગયા હતા.
આ પણ વાંચો: LIVE : ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના CM બનશે, PM મોદી સહિત NDAના દિગ્ગજો રહેશે હાજર
CM બનવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી ચૂક્યા છે અજિત પવાર
એટલું જ નહી, અજિત પવાર ખુલ્લેઆમ મુખ્યમંત્રી બનવાની પોતની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી ચૂક્યા છે. અજિતે કહ્યું હતું કે, હું મુખ્યમંત્રી બનવા માગુ છું પરંતુ ગાડી ડેપ્યુટી સીએમ પર જ આવીને અટકી રહી છે તો શું કરું.
અજિત પવાર ક્યારે-ક્યારે બન્યા હતા ડેપ્યુટી CM
અજિત પવાર કોંગ્રેસના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણના કાર્યકાળ (નવેમ્બર 2010-સપ્ટેમ્બર 2012, ઓક્ટોબર 2012-સપ્ટેમ્બર 2014) દરમિયાન બે વખત ડેપ્યુટી સીએમનું પદ સંભાળી ચુક્યા છે. તેઓ ત્રીજી વખત 2019માં એનડીએની સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા હતા. જો કે, આ સરકાર માત્ર 80 કલાક જ રહી હતી. ત્યારબાદ ચોથી વખત તેમણે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકારમાં શપથ લીધા હતા. અજિત પવાર ડિસેમ્બર 2019-જૂન 2022 સુધી ડેપ્યુટી સીએમ રહ્યા છે.
ત્યારબાદ અજિત પવારે જુલાઈ 2023માં પાંચમી વખત ડેપ્યુટી સીએમ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ શિવસેનાના સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારનો હિસ્સો બન્યા. હવે અજિત પવાર આજે છઠ્ઠી વખત ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે અને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીવાળી સરકારનો હિસ્સો બનશે. અજિત પવારે કુલ 4 મુખ્યમંત્રીના કાર્યકાળમાં ડેપ્યુટી સીએમ તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ ફડણવીસ સરકારમાં બીજી વખત ડેપ્યુટી સીએમ બનશે.