અજિત પવાર 40000 મતોથી હારશેઃ વધુ એક નેતાએ ચૂંટણી પરિણામો પહેલાં કરી ભવિષ્યવાણી
Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે 23 નવેમ્બરના રોજ રજૂ થશે. તે પહેલાં જ નેતાઓની જીત મુદ્દે વિવિધ રાજકારણીઓ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. શરદ પવાર જૂથના નેતા ઉત્તમ જાનકરે બારામતી વિધાનસભા બેઠકમાંથી અજિત પવારની હારનો દાવો કર્યો છે.
ઉત્તમ જાનકરે ગુરુવારે નિવેદન આપ્યું હતું કે, અજિત પવાર માટે પોતાની બેઠક બચાવવી મુશ્કેલ બનશે. તેમને મળતો પ્રત્યેક વોટ ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસના ખાતામાં જશે. બારામતી બેઠક પરથી યુગેન્દ્ર પવારની જીત નિશ્ચિત છે. આ બેઠક પરથી અજિત પવાર 40 હજારથી વધુ મતોથી હારશે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ 2000 કરોડના કૌભાંડના આરોપમાં અદાણીની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી
મહાવિકાસ અઘાડીને 200 બેઠક મળશે
અજિત પવારની હાર ઉપરાંત જાનકરે દાવો કર્યો છે કે, મહાવિકાસ અઘાડીને રાજ્યમાં 180થી 200 બેઠકો જ મળી શકે છે. અને હવે તે નવી સરકાર બનાવશે. ભાજપ ધારાસભ્ય રામ સતપુતે પણ માલશિરત વિધાનસભા બેઠક પરથી હારશે. ઉત્તમ જાનકરે પોતાની જીત પણ નિશ્ચિત કરી છે. જાનકરેને 1 લાખથી દોઢ લાખ સુધી મત મળી શકે છે.
ભાજપે કારોબારીની જેમ કામ કર્યું
વધુમાં ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્યે અહીં જનસેવા નહીં પરંતુ કારોબારીની જેમ કામ કર્યું છે. જેના લીધે તેમને મોટું નુકસાન થશે. બારામતી વિધાનસભા બેઠક ચર્ચામાં છે. અહીં અજિત પવાર પોતાના ભત્રીજા યુગેન્દ્ર પવાર સામે લડી રહ્યા છે.