મહારાષ્ટ્રની હોટ સીટ પર શરદની 'પાવર ગેમ', અજિત સામે 'ભત્રીજા'ને ઉતારી ચૂંટણી રસપ્રદ બનાવી
Image Source: Twitter
Maharashtra Assembly Elections: મહારાષ્ટ્રમાં ઘણી બેઠકો પર રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. તેમાં પણ સૌથી વધુ ચર્ચિત બેઠક બારામતી વિધાનસભા છે. અહીંથી અજિત પવાર ફરીથી ચૂંટણી મેદાનમાં છે, જેઓ 1991થી સતત અહીંથી જીત હાંસલ કરી રહ્યા છે. આ વખતે સ્થિતિ વિપરીત છે. ગત વર્ષે જ તેઓ કાકા શરદ પવાર સાથે બળવો કરી તેઓ NDA ગઠબંધનમાં સામેલ થઈ ગયા હતા. તેઓ 40 ધારાસભ્યો સાથે લાવ્યા હતા અને પછી એનસીપી જ તેમની થઈ ગઈ. હવે શરદ પવારની આગેવાની હેઠળ જે જૂથ છે તેની ઓળખ એનસીપી-શરદચંદ્ર પવાર તરીકે છે. આવી રીતે પરિવારથી લઈને પાર્ટીના સમીકરણો બદલાઈ ગયા છે અને બારામતી વિધાનસભા બેઠક પર તેની અસર સૌથી વધુ જોવા મળી રહી છે.
અજિત સામે 'ભત્રીજા'ને ઉતારી ચૂંટણી રસપ્રદ બનાવી
અત્યાર સુધી અજિત પવાર એકજૂથ NCPથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ વખતે તેઓ પોતાની અલગ પાર્ટીથી ઉમેદવાર છે અને તેમની સામે કાકા શરદ પવાર પણ ભત્રીજા કાર્ડ રમ્યા છે. NCP-SPએ બારામતીથી અજિત પવાર સામે યુગેન્દ્ર પવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. યુગેન્દ્ર પવાર શરદ પવારના પૌત્ર છે અને અજિત પવારના મોટા ભાઈ શ્રીનિવાસના પુત્ર છે. આમ જે રીતે અજિત પવારે કાકા શરદ પવારથી અલગ વલણ અપનાવ્યું હતું. તેવી જ રીતે શરદ પવારે અજિતના જ ભત્રીજાને તેમની સામે ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. હવે સવાલ એ છે કે શું ભત્રીજાઓ વચ્ચેની આ જંગમાં પરિણામ બદલાશે?
આ પણ વાંચો: ચૂંટણી પહેલાં કોંગ્રેસને જોરદાર ઝટકો, ઝારખંડના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ ભાજપમાં જોડાઈ ગયા
બધું કામ અજીત દાદાએ કર્યું...
આ વચ્ચે અજિત પવારે પોતાના પુત્ર પાર્થને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. બારામતીમાં પ્રચાર કરતી વખતે પાર્થે કહ્યું હતું કે, 'અહીં 30 વર્ષથી વિકાસ થઈ રહ્યો છે અને આ બધું કામ અજીત દાદાએ કર્યું છે. 90ના દાયકાથી બારામતીના લોકો સતત જોઈ રહ્યા છે કે, કેવી રીતે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.' આ દરમિયાન જ્યારે તેમને લોકસભા ચૂંટણીની લડાઈ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ત્યારે એક ભાવનાત્મક મુદ્દો બની ગયો હતો. આ વખતે એવું નહીં થાય. હવે લોકો વ્યવહારિક રીતે વિચારી રહ્યા છે.
લોકસભા ચૂંટણીમાં પણ બારામતીમાં રસપ્રદ મુકાબલો
લોકસભા ચૂંટણીમાં પણ બારામતીમાં રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. અહીં અજિત પવારે પોતાની પત્ની સુનેત્રને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે શરદ પવાર જૂથમાંથી શરદ પવારે પોતાની પુત્રી સુપ્રિયા સુલેને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અંતે જ્યારે પરિણામ આવ્યું ત્યારે સુનેત્રને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ અજિત પવારે એમ પણ કહ્યું હતું કે, લોકો પરિવારથી અલગ થનારાને સમર્થન નથી આપતા. તેમણે કહ્યું હતું કે, તેની બહેનની સામે પત્નીને ચૂંટણીમાં ઉતારવી એ મારી ભૂલ હતી. તેના પર શરદ પવાર જૂથે ટોણો માર્યો હતો અને કહ્યું કે, અજિત પવારને આ વાત હાર પછી જ સમજાઈ.