અજિત પવારને લાગશે સૌથી મોટો ઝટકો, કદાવર નેતાની શરદ પવાર સાથે મુલાકાત, NDA ટેન્શનમાં!
Image : IANS ( File Photo) |
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. જો કે રાજકીય પક્ષોમાં ક્યાક ટિકિટને લઈને તો ક્યાક અન્ય બાબતોને લઈને નારાજગી સામે આવી રહી છે. હાલમાં જ અજિત પવારના જૂથમાંથી કેટલાક નેતાઓ પવાર જૂથમાં જોડાયા હતા. ત્યારે હવે ફરી એકવાર અહેવાલ મળી રહ્યા છે કે અજિત પવાર જૂથના કદાવર નેતા પાર્ટીને રામ રામ કરીને શરદ પવાર સાથે હાથ મીલાવી શકે છે. જેના કારણે NDAનું ટેન્શન પણ વધી ગયું છે.
અજિત પવારને વધુ એક ઝટકો લાગી શકે
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. એક પછી એક નેતા અજિત પવારનો સાથ છોડી રહ્યા છે. ત્યારે હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા NCP (અજિત પવાર) જૂથને વધુ એક ઝટકો લાગી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એનસીપીના મુસ્લિમ ચહેરાઓમાંથી એક બાબાજાની દુર્રાની ટૂંક સમયમાં શરદ પવારના જૂથમાં સામેલ થઈ શકે છે. તેમણે (બાબજાની) શુક્રવારે (26 જુલાઈ)ની શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.
NCPના ઘણા મોટા નેતાઓ અજિત પવારથી નારાજ
આ મુલાકાતથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. શરદ પવાર સાથેની મુલાકાત દરમિયાન બાબાજાનીએ દાવો કર્યો હતો કે NCPના ઘણા મોટા નેતાઓ અજિત પવારથી નારાજ છે. ઉલ્લેખનીય છે કે બાબાજાની દુર્રાની હાલમાં અજિત પવાર જૂથના પરભણી જિલ્લાના અધ્યક્ષ છે અને વિધાન પરિષદના સભ્ય પણ છે. અને તેમનો કાર્યકાળ થોડા દિવસો પછી સમાપ્ત થશે. બીજી તરફ સંભાજીનગરમાં મરાઠા સમુદાયના લોકોએ શરદ પવારનો વિરોધ કર્યો હતો, પ્રદર્શનકારીઓએ જ્યાં શરદ પવાર રોકાયા હતા તે રામા હોટેલ પાસે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓ ઈચ્છે છે કે પવાર મરાઠા આરક્ષણ પર તેમની સ્થિતિ સ્પષ્ટ કરે.
આ પણ વાંચો: દિલ્હીમાં રાજકારણ ગરમાયું, ફરી એક વખત નીતિશ કુમારે એવું કર્યુ કે શરુ થઈ પક્ષપલટાની અટકળો
વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ
નોંધનીય છેકે મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બર 2024એ પૂરો થશે. ઓક્ટોબર-નવેમ્બરમાં અહીં 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેના માટે સત્તાધારી મહાયુતિ અને મહાવિકાસ આઘાડીએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: તિહાર જેલમાં 125 કેદીઓ HIV પોઝિટિવ નીકળતાં ખળભળાટ, 200ને સિફલિસ રોગ થતાં હડકંપ