શું ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન તોડશે NCP? મહારાષ્ટ્રમાં ફરી અટકળો તેજ, આ 5 કારણો જવાબદાર

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
શું ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન તોડશે NCP? મહારાષ્ટ્રમાં ફરી અટકળો તેજ, આ 5 કારણો જવાબદાર 1 - image


Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્રમાં આ વર્ષના એન્ડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ચૂંટણીની જાહેરાત પહેલા સત્તાધારી મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની પ્રક્રિયા હવે ઝડપી બની છે. ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ ભારતીય જનતા પાર્ટી (BJP) અને સહયોગી પક્ષોના અગ્રણી નેતાઓ સાથે બેઠકની વહેંચણી અને વિધાનસભા ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. અમિત શાહે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને સન્માનજનક સંખ્યામાં બેઠકો આપવાની ખાતરી આપી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અજિત પવારના સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે. 

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાની ઘટનાને લઈને જાહેરમાં માફી માંગનાર પહેલા મહાયુતિ નેતા હતા.  તેમણે બહેન સુપ્રિયા સુલે સામે તેની પત્નીને મેદાનમાં ઉતારવાની ભૂલ ગણાવીને માફી પણ માંગી છે અને કહ્યું છે કે પરિવાર અને રાજકારણને અલગ રાખવું જોઈએ. હવે તાજેતરનો મુદ્દો પરિવાર તોડવાનો છે. અજિત પવારે કહ્યું કે, ગઢચિરોલીમાં જન-સમ્માન રેલીને સંબોધન કરતાં કહ્યું કે, સમાજ ક્યારેય એ નથી સ્વીકારતો કે કોઈ વ્યક્તિ તેના પરિવારને તોડે છે, સમાજને આ પસંદ નથી. તેમણે આનો અનુભવ કર્યો છે અને તેની ભૂલ સ્વીકારી છે.

આ પણ વાંચો: યુપીમાં મોટો રાજકીય ખેલ થવાની તૈયારીમાં, બળવાખોરોના કારણે 10 નહીં 17 બેઠકો પર થઈ શકે છે ચૂંટણી

NCPના 40 ધારાસભ્યોને પોતાની સાથે લાવીને અજિત પવારે પોતાના જ કાકા શરદ પવારને તેમણે સ્થાપેલી પાર્ટીમાંથી રવાના કરી દેવાયા. શરદ પવારને એનસીપી નામ - નિશાનની લડાઈ હાર્યા બાદ નવો પક્ષ બનાવવાની ફરજ પડી હતી. હવે તેમના વલણમાં અચાનક આવો બદલાવ કેમ આવ્યો, શું અજીતની એનસીપી હરિયાણાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના રસ્તે છે? હવે આ મુદ્દે મહારાષ્ટ્ર રાજકારણ વિવિધ અટકળો સાથે ગરમાયું છે. પરંતુ સવાલ એ છે કે આવી અટકળો શા માટે કરવામાં આવી રહી છે?

શું JJP ના  રસ્તે છે NCP ?

હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા બીજેપીએ દુષ્યંત ચૌટાલાના નેતૃત્વવાળી જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. તે પણ જ્યારે લોકસભા ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણી પર વાતચીત ચાલી રહી હતી અને દુષ્યંત ભાજપ સાથે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા હતા. અજિત પવાર પણ ભાજપ અને મહાયુતિ સાથે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે. એવી ચર્ચા છે કે હરિયાણાની તર્જ પર ભાજપ એનસીપી સાથે ગઠબંધન તોડી શકે છે.

આ પણ વાંચો: ‘હું ગૃહ મંત્રી હતો ત્યારે કાશ્મીર જતા ડરતો હતો’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના નિવેદન પછી ભાજપ ગેલમાં

ભાજપના નેતાઓને લાગે છે કે જો અજીતની પાર્ટી એમવીએ અને મહાયુતિથી અલગ થઈને ચૂંટણી લડે છે, તો તે વિરોધી મતોના વિખેર તરફ દોરી જશે, જે સતત ત્રીજી વખત સરકાર બનાવવાની તકોને મજબૂત બનાવી શકે છે. જો અજિત ઘરે પરત ફરે છે અથવા MVA સાથે ચૂંટણી મેદાનમાં જાય છે, તો આ પગલું બેકફાયર થઈ શકે છે.

એક કારણ અજિતના બળવા પછી શરદ પવાર પ્રત્યે સહાનુભૂતિનું પરિબળ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, જેનો પક્ષ ગઠબંધન તૂટ્યા પછી તેને પવાર પરિવારની આંતરિક બાબત ગણાવીને વધુ મજબૂતીથી સામનો કરી શકશે. શરદ પવાર નવા નામ અને બ્રાન્ડ સાથે લોકસભાની ચૂંટણીમાં મજબૂત રીતે ઉભરી આવ્યા હતા અને આનાથી મહારાષ્ટ્ર ભાજપના નેતાઓનું ટેન્શન પણ વધી ગયું છે. હવે અજિત 'એકલા ચલો'નો નારો આપે છે કે ભાજપ કે મહાયુતિ તેના વર્તમાન સ્વરૂપમાં ચૂંટણી લડશે? સમય જ કહેશે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓની આ ઘટનાક્રમ એ સંકેત માનવામાં આવે છે કે મહાયુતિમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું.

1- લોકસભા ચૂંટણીના પરિણામો

લોકસભા ચૂંટણીમાં ભાજપને 29 બેઠકો, શિંદેની શિવસેનાએ 15 અને અજીતની એનસીપીએ ચાર બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ભાજપ માત્ર નવ બેઠકો પર જીત હાંસલ કરી શકી, શિંદેની પાર્ટી સાત અને એનસીપી માત્ર એક બેઠક જીતી શકી. શિવસેના સાથેની ગઠબંધન સરકાર સ્ટેબલ હોવા છતાં ભાજપને એનસીપીનો સાથ લીધો તેની પાછળનું કારણ ઉદ્ધવ ઠાકરેથી અલગ થયા પછી નુકસાનની ભરપાઈ કરવાની વ્યૂહરચના હોવાનું કહેવાય છે.

જ્યાં બીજેપી અને એનડીએ અજીત પાસેથી ફાયદાની આશા રાખતા હતા, જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ઉલટાનું નુકસાન થયું. તેનાથી ઉલટુ નવા ચિહ્ન સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી શરદ પવારની પાર્ટીએ 10 બેઠકો પર ચૂંટણી લડી હતી અને આઠ જીતી હતી, જ્યારે વિપક્ષ MVAએ 31 બેઠકો જીતી હતી. આ પરિણામો પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, જનતાએ અજીતના અસલી NCP વાળા  દાવાને નકારી કાઢ્યો હતો, અને પાર્ટીના મતદારો શરદ પવારની સાથે જ રહ્યા હતા. સંઘ સાથે સંબંધિત એક મરાઠી સાપ્તાહિકે પણ અજીત સાથેના જોડાણને લોકસભા ચૂંટણીમાં NDAના ખરાબ પ્રદર્શનનું કારણ ગણાવ્યું હતું.

2- દેવેન્દ્ર ફડણવીસથી અંતર વધ્યું

અજિતની પાર્ટી મહાયુતિમાં સામેલ થઈ ત્યારે ડેપ્યુટી સીએમ અને મહારાષ્ટ્ર બીજેપીના સૌથી મોટા ચહેરા દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમની નિકટતા વિશે ચર્ચાઓ થઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં બંને નેતાઓ વચ્ચેના અંતરને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ પ્રકારની ચર્ચાને ગર્લ ચાઈલ્ડ સ્કીમ પર ફાટી નીકળેલા ક્રેડિટ વોરને કારણે વધુ વેગ મળ્યો.

3. સોશિયલ મીડિયા પર NCPની જાહેરાત 

NCPએ સોશિયલ મીડિયા પર એક જાહેરાત આપતાં કહ્યું હતું કે, અજિત પવાર ગર્લ-સિસ્ટર સ્કીમ હેઠળ પૈસા આપી રહ્યા છે. તેમાં ક્યાંય સીએમ શિંદે કે ડેપ્યુટી સીએમ ફડણવીસનો ઉલ્લેખ નથી. આ પછી ભાજપ દ્વારા વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. આ  પર પીએમ મોદી અને સીએમ શિંદેની નાની તસવીરો સાથે દેવેન્દ્ર ફડણવીસનો મોટો ફોટો છપાયો હતો. આ હોર્ડિંગ્સ પર ક્યાંય પણ અજીતનો ફોટો કે નામ નહોતું. અને આ હોર્ડિંગ્સ માત્ર અજિત પવારના વિસ્તાર બારામતીમાં જ લગાવવામાં આવ્યા હતા, જે એનસીપીનો ગઢ માનવામાં આવે છે.

4- શિવસેના અને એનસીપી વચ્ચે તણાવ

શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની NCP વચ્ચેની દુશ્મનાવટ પણ છેલ્લા કેટલાક દિવસોથી ખુલ્લે આમ જોવા મળી રહી છે. તાનાજી સાવંતથી લઈને ગુલાબરાવ પાટીલ સુધી, શિંદે સરકારમાં શિવસેનાના મંત્રીઓ અજિત પવારને નિશાન બનાવવાની એક પણ તક ગુમાવી રહ્યા નથી. અજિત પર નિશાન સાધતા સાવંતે કહ્યું હતું કે તેમણે આખી જિંદગી કોંગ્રેસ અને એનસીપીના વિરોધની રાજનીતિ કરી છે. હું કેબિનેટમાં તેની બાજુમાં બેસું છું, પણ જ્યારે હું આવું છું ત્યારે ઉલ્ટુ હોય છે.

5- સીટ વહેંચણીનો મુદ્દો

અજિત પવાર અલગ ટ્રેક પર ચાલી રહ્યા છે, તેની પાછળ બેઠકોની વહેંચણીનો મુદ્દો પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે. ભાજપ મહાયુતિમાં સૌથી મોટો પક્ષ છે, જેણે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં 105 બેઠકો જીતી હતી. શિંદેની શિવસેના અને અજીતની એનસીપી બંને પાસે 40-40 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ 160 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે શિંદેની પાર્ટીએ પણ 107 બેઠકો પર દાવેદારી કરી છે. અજિત પવારે પણ એવો પણ દાવો કર્યો છે કે, તેમની પાર્ટી 60 થી 67 સીટો પર ચૂંટણી લડશે. બેઠકોની વહેંચણીના મુદ્દાને ધ્યાનમાં રાખીને ચર્ચાએ જોર પકડ્યું છે કે એક પક્ષ મહાયુતિમાંથી બહાર નીકળી શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ અજિત પવાર શિવસેના તરફથી સંઘના નિશાના પર છે. આવી સ્થિતિમાં તે સોફ્ટ ટાર્ગેટ બની શકે છે.


Google NewsGoogle News