'84 વર્ષના થયા તો પણ નિવૃતિ લેતા નથી', અજિતે કાકા શરદ પવાર પર સાધ્યું નિશાન!
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે નામ લીધા વિના શરદ પવારની ઉંમરને લઈને આકરા પ્રહારો કર્યા
Maharashtra Politics: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર પવાર પરિવારમાં ઉથલપાથલના અહેવાલ મળી રહ્યા છે. બે જૂથમાં વહેંચાયેલી એનસીપીમાં હજુ પણ બરાબર ચાલી રહ્યું નથી. અહેવાલ અનુસાર, NDAના સાથી અજિત પવારે તેમના કાકા શરદ પવારની ઉંમરને લઈને નિશાન સાધ્યું છે.
અજિત પવારે શું કહ્યું?
થાણેમાં સભાને સંબોધતા એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શરદ પવાર પર કટાક્ષ કરતા કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારના કર્મચારી 58 વર્ષની વયે નિવૃત થાય છે. મોટા ભાગના લોકો સામાન્ય રીતે 75 વર્ષની ઉંમર બાદ તેમની સક્રિય વ્યાવસાયિક જીવન બંધ કરી દે છે. પરંતુ કેટલાક લોકો એવા છે જે 84 વર્ષની વય વટાવીને પણ નિવૃતિ લેવા તૈયાર નથી.
જોકે, આ મામલે શરદ પવાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અજિત પવારે પોતાના ધારાસભ્ય ભત્રીજા રોહિત પવાર પર પણ નિશાન સાધ્યું હતું. રોહિતે અજિત જૂથની નિંદા કરી હતી.
અજિત પવારે જણાવ્યું હતું કે, રોહિત હજુ બાળક છે અને તે તેના નિવેદન પર કશું કહેવા માગતા નથી. એનસીપી સુપ્રિયા સુલેએ જવાબ આપતા કહ્યું કે, અજિત પોતે 65 વર્ષના છે અને વરિષ્ઠ નાગરિક છે. તેમના નિવેદનોને ગંભીરતાથી લેવા જોઈએ નહીં.