'તમે વોટ આપ્યો એટલે મારા માલિક નથી બની ગયા...' મંચ પરથી અજિત પવારનું વિવાદિત નિવેદન
Controversial Statements for Voters: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પોતાનો હોદ્દો, વર્ચસ્વ ભૂલ્યા હોય તેવુ લાગી રહ્યું છે. તેમને નાયબ મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચાડનારા મતદારોને તેઓ ખખડાવતાં જોવા મળ્યા હતાં તેમણે કહ્યું કે, ‘તમે મત આપ્યો છે, તેથી તમે મારા માલિક નથી બની ગયાં.’
એનસીપી અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બારામતીમાં એક જનસભાને સંબોધિત કરતાં ગુસ્સામાં નિવેદન આપ્યું કે, ‘તમે મને મત આપ્યો એટલે તેનો અર્થ એ નથી કે, તમે મારા માલિક બની ગયા. તમે મને સાલગડી (ખેતી-પશુઓની દેખરેખ રાખતો ખેત મજૂર) બનાવી દીધો છે.’
આ પણ વાંચોઃ શ્વાસમાં તકલીફ, બર્ડ ફ્લૂ જેવા લક્ષણ... ચીનમાં ફેલાતા HMPV વાયરસથી બચવા દિલ્હીમાં એડવાઈઝરી જાહેર
અજિત પવાર કેમ ગુસ્સે થયાં
બારામતીમાં જનસભાને સંબોધિત કરતાં અજિત પવાર ભાષણ આપી રહ્યા હતા. ત્યારે મંચની નીચે બેઠેલા કાર્યકરો સતત પત્ર આપી પોતાનું કામ કરવા ભલામણો કરી રહ્યા હતા. પહેલાં તો અજિત પવારે તેમને નજરઅંદાજ કર્યા, પરંતુ બાદમાં આ સિલસિલો વધતાં તેઓ ભડકી ઉઠ્યા અને આ નિવેદન આપ્યું હતું.
એનસીપીનું શરદપાવર સાથે જોડાણ શક્ય?
મહારાષ્ટ્રમાં અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી અને શરદ પવાર જૂથના પુનઃ જોડાણ કરવાની અટકળોનો અંત આવ્યો છે. અજિત પવારે આ તમામ શક્યતાઓને નકારતાં કહ્યું હતું કે, તે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ અને મહારાષ્ટ્રમાં મહાયુતિ સાથે જોડાણ જાળવી રાખશે.