Get The App

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને મોટી રાહત, રૂ. 1000 કરોડની બેનામી સંપત્તિ કેસમાં ક્લીન ચિટ

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
Ajit Pawar


Ajit Pawar : મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને NCP ના નેતા અજિત પવારને મોટી રાહત મળી છે. પવારને 2021ના બેનામી સંપત્તિ કેસમાં દિલ્હીમાં બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી છે. ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ બેનામી સંપત્તિની માલિકીના તમામ આરોપોને ફગાવી દીધા છે. જે પછી આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી તેમની તમામ મિલકતોને રિલીઝ કરવામાં આવી છે. 

શું છે સમગ્ર મામલો?

આ કેસ 7 ઓક્ટોબર, 2021નો છે, જ્યારે આવકવેરા વિભાગે ઘણી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં કથિત રીતે અજિત પવારની માલિકી હેઠળની બેનામી મિલકતો અંગેના કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. જો કે, ટ્રિબ્યુનલે હવે આ દાવાઓને ફગાવી દીધા છે, ટ્રિબ્યુનલે આ અંગે કહ્યું કે, 'અજિત પવાર સામે આરોપોને સાબિત કરવા માટે આવકવેરા વિભાગ પાસે પૂરતા પુરાવા નથી.' આ નિર્ણય સાથે, આવકવેરા વિભાગ દ્વારા અગાઉ જપ્ત કરવામાં આવેલી અજિત પવારની તમામ મિલકતોને મુક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે: સુબ્રમણ્યમ સ્વામીના દાવા પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રથી માંગ્યો જવાબ

રૂ. 1000 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ હતી

નોંધનીય છે કે, ઓક્ટોબર 2021માં અધિકારીઓએ પ્રિવેન્શન ઓફ બેનામી પ્રોપર્ટી એક્ટ (PBPP) હેઠળ અજિત પવારની રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. આ કાર્યવાહીમાં મહારાષ્ટ્ર અને મુંબઈમાં અજિત પવાર સાથે સંકળાયેલા લોકોના રહેઠાણો અને ઓફિસો પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તેમના સંબંધીઓ, બહેનો અને નજીકના સહયોગીઓનો સમાવેશ થાય છે. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે આમાંથી કોઈ પણ મિલકત NCP નેતાના નામે સીધી નોંધાયેલી નહોતી.

આ મિલકતો જપ્ત કરાઇ હતી

અજિત પવારની જપ્ત કરેલી મિલકતોમાં મહારાષ્ટ્રના સતારામાં જરાન્દેશ્વર સુગર ફેક્ટરી, મુંબઈમાં એક સત્તાવાર સંકુલ, દિલ્હીમાં એક ફ્લેટ, ગોવામાં એક રિસોર્ટ અને મહારાષ્ટ્રમાં 27 અલગ-અલગ જગ્યાએ જમીનનો સમાવેશ થાય છે. તે જ વર્ષે, આવકવેરા વિભાગે મુંબઈમાં બે રિયલ એસ્ટેટ બિઝનેસ જૂથો અને અજિત પવારના સંબંધીઓ સાથે કથિત રીતે જોડાયેલી કેટલીક સંસ્થાઓ પર દરોડા પાડ્યા બાદ રૂ. 184 કરોડની બિનહિસાબી આવક શોધી કાઢી હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સરકાર બન્યા પછી પણ ખેંચતાણ! ભાજપે શિંદેને આપ્યા ત્રણ વિકલ્પ



Google NewsGoogle News