નણંદ Vs ભાભી: અજિત પવારના પત્ની બારામતીથી સુપ્રિયા સૂલે સામે ચૂંટણી લડે તેવી શક્યતા
મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક પવાર પરિવારનો ગઢ માનવામાં આવી રહી છે
Maharashtra Politics Pawar Family : મહારાષ્ટ્રમાં શરદ પવારનો પક્ષ તૂટ્યા બાદ બારામતી લોકસભા બેઠકના સમીકરણો પણ બદલાતા જોવા મળી રહ્યા છે. આ બેઠક અત્યાર સુધી પવાર પરિવારનો ગઢ રહી છે અને સુપ્રિયા સૂલે (Supriya Sule) અહીંથી લોકસભામાં ચૂંટાયા છે. ત્યારે હવે અજિત પવારે (Ajit Pawar) સંકેત આપ્યા છે કે તેઓ સુપ્રિયા સૂલે સામે બારામતી લોકસભા બેઠક પરથી તેમના પત્ની સુનેત્રા પવાર (Sunetra Pawar)ને ટિકિટ આપી શકે છે. જો આમ થશે તો ભાભી અને નણંદ વચ્ચે હરીફાઈ જોવા મળી શકે છે.
કાકા-ભત્રીજાની લડાઈ ભાઈ-બહેન અને ભાભી-નણંદ સુધી પહોંચી
મહારાષ્ટ્રના સૌથી મોટા રાજકીય પરિવારમાં રાજકીય લડાઈ હવે કાકા-ભત્રીજાથી આગળ વધીને ભાઈ-બહેન અને ભાભી-નણંદ વચ્ચે પહોંચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે હવે અજિત પવાર તેમના પત્ની સુનેત્રાને તેમની નાની બહેન સુપ્રિયા સૂલે સામે બારામતી (Baramati) લોકસભા બેઠક પર ઉતારી શકે છે, જે બેઠક પવાર પરિવારનો ગઢ માનવામાં આવી રહી છે. જો આમ થશે તો 2024ની લોકસભા ચૂંટણીમાં બારામતી બેઠક પર રસપ્રદ ટક્કર જોવા મળી શકે છે.
અજિત પવારે કોઈનું નામ લીધા વગર કહી વાત
નોંધનીય છે કે શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી પ્રમુખ (NCP Chief) અજિત પવારે કોઈનું નામ લીધા વગર પોતાના મત વિસ્તારના લોકોને કહ્યું હતું કે 'તેઓ એવા ઉમેદવારને મેદાનમાં ઉતારશે જેણે અગાઉ ક્યારેય ચૂંટણી લડી નથી, પરંતુ તે વ્યક્તિને પૂરતો અનુભવ ધરાવતા લોકોનું સમર્થન હશે.' ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમની પત્ની સુનેત્રા પવાર બહેન સુપ્રિયા સામે બારામતીથી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. ઉલ્લેખનીય છે કે અજિત પવાર બારામતીથી વિધાનસભાના સભ્ય છે. અગાઉ મહારાષ્ટ્રમાં અજિત પવારે કાકા શરદ પવાર (Sharad Pawar) સામે બળવો કરીને એનડીએમાં જોડાઈને નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.