'બઢતી તો જોઈએ જ ને!' અજિત પવારની નજર હવે CMની ખુરશી પર, ભાજપની વધશે ચિંતા
Maharashtra Election | મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે એનસીપી (અજિત પવાર) જૂથના અધ્યક્ષ અજિત પવારના એક નિવેદન પર અનેક અટકળોએ જોર પકડ્યું છે. મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે મહાયુતિના સીએમ ચહેરા વિશે કહ્યું કે દરેકને બઢતી જોઈએ છે. અજિત પવારના આ નિવેદના બાદ ચર્ચા ચાલી રહી છે કે અજિત પવાર સીએમ પદ માટે દાવો કરી રહ્યા છે.
અગાઉ પણ કર્યો હતો CM પદ પર દાવો
જ્યારે અજિત પવારને પૂછવામાં આવ્યું કે, શું તમે મહાગઠબંધનમાં મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ધરાવો છો? આના પર તેમણે કહ્યું કે, 'એક કારકુન પણ પ્રમોશન ઈચ્છે છે, તો પછી અમે કેમ નહીં ઈચ્છીએ. જોકે, હવે શું થાય છે તે જોવાનું બાકી છે.' નોંધનીય છે કે, અજિત પવાર અગાઉ પણ સીએમ પદ પર દાવો કરી ચૂક્યા છે. ત્યારે તેમણે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની સામે ખુલ્લેઆમ આ વાત કરી હતી. જોકે, ત્યારે બધાએ તેને મજાક તરીકે લીધો હતો.
આ પણ વાંચોઃ VIDEO : 'હું એન્ટી બિઝનેસ નહીં પરંતુ એન્ટી મોનોપૉલી છું', રાહુલ ગાંધીએ કરી સ્પષ્ટતા
ચર્ચાનો વિષય બન્યા અજિત પવાર
ચૂંટણીની જાહેરાત થઇ ત્યારથી અજિત પવાર તેમના નિવેદનોના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. જોકે, સીએમ પદ અંગે તેમનું નિવેદન અનેક શંકાઓ ઉપજાવે છે. એક દિવસ પહેલા જ અજિત પવારે શરદ પવાર વિરુદ્ધ નિવેદન આપનારા ભાજપ નેતાને જોરદાર ઠપકો આપ્યો હતો. તેમણે પોતે તે નેતાને ફોન કર્યો અને દેવેન્દ્ર ફડણવીસને આ અંગે ફરિયાદ પણ કરતા કહ્યું કે, 'શરદ પવાર વિરુદ્ધ આવા નિવેદનો સહન કરી શકાય નહીં.' આટલું જ નહીં, તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 'બંટોગે તો કટોગે' ના નારાને પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મહારાષ્ટ્ર શિવાજી મહારાજની ભૂમિ છે, અહીં આ બધું નહીં ચાલે.'
મહાયુતિમાં સીએમ પદ બન્યો વિવાદ
ચૂંટણી પહેલા કોઈ વિવાદ ન થાય તે માટે ભાજપે સૌથી મોટી પાર્ટી હોવા છતાં એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. પરંતુ એકનાથ શિંદે કે દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પછી કોણ મુખ્યમંત્રી બનશે તે અંગે ખુલ્લેઆમ કશું કહ્યું નથી. ફડણવીસે નિશ્ચિતપણે કહ્યું છે કે હવે અમે શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડવાના છીએ. અમારા નેતાઓ સાથે બેસીને નક્કી કરશે કે ચૂંટણી પછી શું સ્થિતિ હશે. એટલે કે આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી બાદ બેઠકોના અંકગણિતને જોયા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચોઃ નેતાએ કુંવારા યુવાનોને આપ્યું વચન, જીતાડશો તો કન્યા લાવીને લગ્ન કરાવીશ