‘મારી ચૂંટણી લડવાની ઈચ્છા નથી’ અજિત પવારનું મોટું નિવેદન, પુત્રને ટિકિટ આપવાની તૈયારીમાં?
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. અને ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે જ NCP ચીફે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે તેવી સંભાવના છે.
અજિત પવારે સ્વતંત્રતા દિવસે જ મોટી જાહેરાત કરી
મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબર સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા છે. ત્યારે ચૂંટણી પહેલા જ રાજ્યના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં NCP ચીફ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે આજે (15 ઓગસ્ટ) સ્વતંત્રતા દિવસે જ મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું છેકે 'હું આ વખતે વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં.' જોકે, તેમણે આ નિર્ણય 2024ની વિધાનસભા ચૂંટણી માટે લીધો છે કે કાયમ માટે તે હજુ સુધી જાણી શકાયું નથી.
અજિત પવારની બેઠક પર પુત્રને ઉતારી શકે
આ ઉપરાંત અજિત પવારે વધુમાં 'મે 7-8 ચૂંટણી લડી છે. એટલે હવે મારી ચૂંટણી લડવા ઈચ્છતા નથી.' અજિત પવારના નિવેદનને લઈને નિષ્ણાતોનું માનવું છેકે પવાર તેમના પુત્ર જય પવારને તેમની બેઠક પરથી ઉતારી શકે છે. જો કે, જ્યારે પત્રકારોએ તેમને આ પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે 'આ અંગેનો નિર્ણય પાર્ટીની સંસદીય બોર્ડ લેશે.' નોંધનીય છેકે બે દિવસ પહેલા જ લોકસભામાં સુનેત્રા પવારને ચૂંટણી લડાવવા પર એક નિવેદન આપ્યું હતું. અજિત પવારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, રાજનીતિને ઘરની અંદર ન આવવા દેવી જોઈએ. હું મારી બધી બહેનોને પ્રેમ કરું છું. મેં મારી બહેન સામે મારી પત્ની સુનેત્રાને ચૂંટણી મેદાનમાં ઉતારીને ભૂલ કરી હતી. મારે આવું નહોતું કરવું જોઈએ. પરંતુ (NCPના) સંસદીય બોર્ડે આ નિર્ણય લીધો હતો. પરંતુ હવે મને લાગે છે કે, આ ખોટો નિર્ણય હતો.'