છગન ભુજબળ મુદ્દે અજિત પવાર નારાજ, નામ લીધા વિના આપ્યો જવાબ
Image: Facebook
Maharashtra Politics: મહારાષ્ટ્રની નવી ચૂંટાયેલી મહાયુતિ સરકારના મંત્રીમંડળમાં એનસીપી નેતા છગન ભુજબળને સામેલ ન કરવા પર અજીત પવારે પહેલી વખત પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે અમુક લોકો મંત્રીમંડળમાં મંત્રી પદ ન મળવાના કારણે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે પરંતુ ઘણી વખત નવા લોકોને તક આપવામાં આવે છે. તેનો એ અર્થ નથી કે કારણ વિના ભ્રમ ફેલાવવામાં આવે. આ સાથે જ અજીતે કહ્યું કે રાજ્ય મંત્રીમંડળમાં વધુ એક તક આપવાના બદલે આપણે સીનિયર લોકોને કેન્દ્રમાં મોકલવાનો વિચાર કરી રહ્યાં છે. અજીત પવાર ક્યારેય પણ કોઈનો અનાદર કરતાં નથી પરંતુ આ રીતે વાત વિનાનો ભ્રમ પેદા કરવો જોઈએ નહીં. રિપોર્ટ અનુસાર અજીતે ભુજબળનું નામ લીધું નથી પરંતુ સ્પષ્ટ છે કે તેમનો ઈશારો કઈ તરફ હતો.
ઉલ્લેખનીય છે કે છગન ભુજબળે મંત્રીમંડળમાં સામેલ ન કરવા પર પરોક્ષ રીતે અજીત પવાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે ફડણવીસ અંતિમ ક્ષણ સુધી તેમને મંત્રીમંડળમાં સામેલ કરવાને લઈને તૈયાર હતા પરંતુ તેમને તક આપવામાં આવી નહી.
આ પણ વાંચો: હવે નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
નારાજ ભુજબળે મુખ્યમંત્રી ફડણવીસ સાથે મુલાકાત કરી
આ સૌની વચ્ચે એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે સોમવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી. ભુજબળે મુલાકાત બાદ સંવાદદાતાઓને કહ્યું કે તેમણે રાજ્યના રાજકીય તથા સામાજિક માહોલ પર મુખ્યમંત્રીની સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી. મુખ્યમંત્રીના મુંબઈ સ્થિત સાગર બંગલામાં તેમની લગભગ અડધા કલાકની મુલાકાત દરમિયાન પ્રદેશના પૂર્વ મંત્રી ભુજબળની સાથે તેમના ભત્રીજા સમીર ભુજબળ પણ હતા. છગન ભુજબળે કહ્યું, 'ફડણવીસે મને જણાવ્યું કે અન્ય પછાત વર્ગોએ વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની શાનદાર જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને તે આ વાતનો ખ્યાલ રાખશે કે ઓબીસી સમુદાયના હિત પ્રભાવિત ન થાય.'
તેમણે એ પણ કહ્યું કે મુખ્યમંત્રીએ ઓબીસી સાથે જોડાયેલા મુદ્દાઓ પર વિચાર માટે થોડો સમય માગ્યો છે. એનસીપી નેતાએ કહ્યું, 'ફડણવીસે કહ્યું કે તે 10-12 દિવસમાં કોઈ નિર્ણય લેશે.' ઓબીસીના નેતા મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગ (કુનબી) શ્રેણીમાં અનામત આપવાની કાર્યકર્તા મનોજ જરાંગેની માગ વિરુદ્ધ છે. ભુજબળ પણ આ માગના મુખ્ય વિરોધી છે. મહારાષ્ટ્રના ઘણા ભાગોથી આવેલા ઓબીસી સંગઠનોના અમુક પ્રતિનિધિઓએ રવિવારે ભુજબળથી મુલાકાત કરી હતી.
જ્યારે ભુજબળને પૂછવામાં આવ્યુ કે શું તે ભાજપમાં સામેલ થવાની યોજના બનાવી રહ્યાં છે તો તેમણે વિસ્તારપૂર્વક કંઈ જણાવ્યું નહીં પરંતુ એટલું જરૂર કહ્યું કે મંત્રીમંડળ વિસ્તરણમાં તેમની અવગણના કર્યા જવાના મુદ્દા પર તે પોતાનો મત પહેલા જ વ્યક્ત કરી ચૂક્યા છે. નાસિક જિલ્લાની યેવલા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા એનસીપી નેતાએ શનિવારે નાગપુરમાં સંપન્ન રાજ્ય વિધાનસભાના શિયાળુસત્રમાં ભાગ લીધો નહોતો.