ઘર તોડવું ભૂલ હતી, સમાજ ક્યારેય સ્વીકાર નહીં કરે: અજીત પવારનું સૂચક નિવેદન, ભાજપનું વધશે ટેન્શન?
Maharashtra Politics : મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCPના પ્રમુખ અજીત પવારે શનિવારે સૂચક નિવેદન આપ્યું છે. શરદ પવાર સામે બળવો કરવાનો અજીત પવારને હવે પસ્તાવો થઈ રહ્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે ઘર તોડવું એ મોટી ભૂલ હતી. ગઢચિરોલીમાં એક રેલીને સંબોધિત કરતાં સમયે અજીત પવારે કહ્યું છે કે, 'ઘર તોડવું ભૂલ હતી, સમાજ આ વસ્તુ ક્યારેય સ્વીકારશે નહીં.' નોંધનીય છે કે ગયા વર્ષે અજીત પવારે NCPમાં અનેક ધારાસભ્યો સાથે વિદ્રોહ કર્યો હતો અને NDAમાં સામેલ થઈ ગયા હતા. આટલું જ નહીં તેઓ હાલ રાજ્યના ઉપમુખ્યમંત્રી છે, લોકસભા ચૂંટણીમાં અજીત પવારના પત્ની સુનેત્રા પવારે શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડી હતી.
શું કહ્યું હતું અજિત પવારે?
હકિકતમાં, અજિત પવાર જૂથના નેતાની પુત્રી શરદ પવાર સાથે જોડાતા તેમણે કહ્યું હતું કે, 'તમે તમારા પિતા સાથે રહેવું જોઇએ. કોઇ પણ પુત્રીને તેના પિતાથી અધિક પ્રેમ કોઇ કરી શકતું નથી. તમે જે કરી રહ્યા છો, તે પોતાના પરિવારને તોડવાનો પ્રયાસ છે. આ યોગ્ય નથી. સમાજ આને ક્યારેય સ્વીકારશે નહીં. મેં પોતે આનો અનુભવ કર્યો છે. મેં મારી ભૂલ પણ સ્વીકારી લીધી છે.'
આ પણ વાંચોઃ 'ભાજપમાં જ જોડાઈ જવાય ને!', કાકા મહાવીર ફોગાટે જ વિનેશ ફોગાટ પર સાધ્યું નિશાન
દિગ્ગજની પુત્રી શરદ પવાર જૂથમાં જોડાઇ
ગઢચિરોલીમાં પાર્ટીની રેલી દરમિયાન અજિત પવાર, ભાગ્યશ્રી આત્રામ હલગેકરના શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીમાં સામેલ થવાના નિર્ણય અંગે વાત કરી રહ્યા હતા. ભાગ્યશ્રી શરદ પવાર સાથે જોડાતા તેમનો મુકાબલો તેમના પિતા ધર્મરાવબાબા આત્રામ સાથે થવાની સંભાવના છે. ધર્મરાવબાબા અજિત પવાર જૂથના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે. અજિત પવારે પિતા વિરૂદ્ધ ચૂંટણી લડી પાર્ટીને ન તોડવા માટે ભાગ્યશ્રીને મનાવવનો અસફળ પ્રયાસ કર્યો હતો.
શું અજિત પવારનો આ નિવેદન કોઇ સંકેત છે?
પાછલા મહીને અજિત પવારે પત્ની સુનેત્રાને સુપ્રિયા સુલે વિરૂદ્ધ ચૂંટણી લડાવવાને ભૂલ ગણાવી હતી. આ ઉપરાંત, તેઓ વર્તમાન સમયમાં શરદ પવારની પ્રશંસા પણ કરતાં જોવા મળી રહ્યા છે અને પોતાની પાર્ટીના નેતાઓને પણ શરદ પવારની ટીકા ન કરવા સૂચન આપ્યા છે. અજિત પવારના આ વલણને લઇને મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે. જો કે, અજિત પવાર જૂથના નેતાઓનું માનવું છે કે, આ અજિત પવારની વ્યૂહાત્મક નીતિ છે, કારણ કે લોકસભા ચૂંટણીમાં શરદ પવારની ટીકા કરતા અજિત પવાર અને તેમના પક્ષને મોટું નુકસાન થયું હતું.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા ભાજપમાં 72 નેતાઓનો 'વિદ્રોહ', પહેલી યાદી આવતા જ કોંગ્રેસમાં પણ વિખવાદ
રાજકારણ ગરમાયું
અજિત પવારના નિવેદન બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. અજિત પવારના આ નિવેદન પર વિપક્ષ અને સત્તા પક્ષે પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્રમાં વિપક્ષના અને કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે, 'આ વાત તેમણે પહેલાં વિચારવાની જરૂર હતી. જો અજિત પવારે યોગ્ય સમયે આ વાત સમજી લીધી હોત તો શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી ચૂંટણીમાં ખૂબ જ શક્તિશાળી પુરવાર થઇ શકતી હતી.'
ઉપરાંત, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે, 'અજિત પવાર જ આ વાત પર સ્પષ્ટતા આપવાની સ્થિતિમાં હશે. હાલ તો તેઓ મહાયુતિ સાથે મજબુતાઇથી ઉભા છે.'